
નવી દિલ્હી: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ગુરુવારે યુએસ સ્થિત શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચ દ્વારા લગાવવામાં આવેલા આરોપોમાંથી અદાણી ગ્રુપને મુક્ત જાહેર કર્યું છે અને કહ્યું કે અદાણી ગ્રુપની કંપનીઓ દ્વારા નિયમનકારી ધોરણોનો ભંગ થયો હોવાના કોઇ પૂરાવા મળ્યા નથી.
અદાણી જૂથ સામે લગાવવામાં આવેલા આરોપો પુરવાર થયા નથી અને ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં લેતા, આ સંદર્ભે કોઇપણ કાર્યવાહી કરવાનો સવાલ ઊભો થતો નથી અને તેથી દંડની રકમ નક્કી કરવાના પ્રશ્ર્ને પણ કોઈ વિચારણા કરવાની જરૂર ના હોવાનું, સેબીના પૂર્ણ સમયના સભ્ય કમલેશ ચંદ્ર વાર્ષનેયાએ આદેશમાં લખ્યું છે.
બજાર નિયામક સેબીએ બે અલગ વિગતવાર આદેશમાં જણાવ્યું છે કે, ઊંડાણભરી તપાસ બાદ ઇન્સાઇડર ટ્રેડિંગ, માર્કેટ મેન્યુપ્યુલેશન અને પબ્લિક શેરહોલ્ડિંગને લગતા ધારાધોરણોના ભંગને લગતા આરોપો પાયાવગરના જણાયા છે. આ સાથે જ, નિયમનકારે ગ્રુપ કંપનીઓ અદાણી પોર્ટ્સ, અદાણી પાવર, ગૌતમ અદાણી અને રાજેશ અદાણી સામેની તાત્કાલિક કાર્યવાહીનો પણ નિકાલ કર્યો છે.
આ પણ વાંચો: સેબીએ કંપનીઓ માટે આઇપીઓના નિયમો હળવા બનાવ્યા
૨૦૨૩માં, હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર સ્ટોક મેનીપ્યુલેશન, ઓફશોર ટેક્સ હેવનનો અયોગ્ય ઉપયોગ અને કૃત્રિમ રીતે ઉછાળેલા મૂલ્યાંકનનો આરોપ લગાવતો એક અહેવાલ પ્રકાશિત કર્યો હતો.
આરોપોમાંથી એક એ હતો કે ગ્રુપને માઇલસ્ટોન ટ્રેડલિંક્સ, રેહવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એડિકોર્પ એન્ટરપ્રાઇઝ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. રિપોર્ટમાં આ કંપનીઓ દ્વારા મોકલવામાં આવતા ભંડોળના સ્ત્રોત પર પ્રશ્ર્ન ઉઠાવવામાં આવ્યો હતો, અને તેનો ઉપયોગ સંબંધિત પક્ષના આર્થિક વ્યવહારોને છુપાવવા માટે વાહક તરીકે કરવામાં આવ્યો હોવાનો આરોપ હતો.
પોતાના બચાવમાં, અદાણી જૂથે દલીલ કરી હતી કે આ વ્યવહારો વાસ્તવિક વ્યાપારી વ્યવહારો હતા, વ્યાજ સાથે સંપૂર્ણપણે ચૂકવવામાં આવ્યા હતા, અને તે સમયે લાગુ કાયદાનું પાલન કરીને કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે માઇલસ્ટોન અને રેહવર ‘સંબંધિત પક્ષો’ નથી, અને ઉમેર્યું હતું કે ભંડોળનું કોઈ ડાયવર્ઝન અથવા રોકાણકારોને નુકસાન દર્શાવવામાં આવ્યું નથી.
આ પણ વાંચો: સેબીએ છ કંપનીઓને આઈપીઓ બજારમાં પ્રવેશવાની મંજુરી આપી, 9000 કરોડ રૂપિયા એકત્ર કરશે
જુઠ્ઠાણાં ફેલાવનારા દેશની માફી માંગે: ગૌતમ અદાણી
સેબીએ આપેલી ક્લિન ચીટ સંદર્ભે અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યું હતું કે, હિંડનબર્ગના કથિત રિસર્ચ રિપોર્ટને આધારે જુઠ્ઠાણા ફેલાવનારાઓ દેશની માફી માગવી જોઇએ. આ આરોપો પાયાવિહોણા હોવાના અદાણી જૂથના દાવાને સેબીના આદેશથી સમર્થન મળ્યું છે.
આ રિપોર્ટને કારણે જન્યુઆરી ૨૦૨૩ દરમિયાન અદાણી જૂથની કંપનીઓના શેરમાં કડાકા પડ્યા હતા અને અંદાજે ૧૫૦ અબજ ડોલર જેટલું ધોવાણ થયું હતું. આ રિપોર્ટને કારણે પોતાના નાણાં ગુમાવનારા રોકાણકારો માટે અમે ખેદ અનુભવીએ છીએ.