રિઝર્વ બેન્ક દ્વારા આઇપીઓ ફાઇનાન્સિંગ ધોરણોમાં ફેરફાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: મૂડી બજાર ભંડોળ એકત્રીકરણને વધારવા અને સરળ બનાવવાના પ્રયાસરૂપે, ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ અનેક પગલાંની જાહેરાત કરી છે, જેમાં પ્રારંભિક જાહેર ઓફર (આઇપીઓ) ફાઇનાન્સિંગ મર્યાદા પ્રતિ વ્યક્તિ રૂ. ૧૦ લાખથી વધારીને રૂ. ૨૫ લાખ કરવાનો સમાવેશ થાય છે.
બુધવારે નાણાકીય નીતિના નિર્ણયની જાહેરાત કરતી વખતે, આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આરબીઆઇ લિસ્ટેડ ડેટ સિક્યોરિટીઝ સામે ધિરાણ માટેની નિયમનકારી ટોચમર્યાદા દૂર કરશે. આ ઓક્ટોબરની બેઠકમાં બેન્ચમાર્ક રેપો રેટને ૫.૫૦ ટકા પર યથાવત રાખ્યા પછી કેન્દ્રીય બેંકે જાહેર કરેલા પાંચ પગલાંનો આ એક ભાગ હતો.
આ પણ વાંચો: પ્રાઇમરી માર્કેટમાં હાહાકાર: એકસાથે ત્રણ આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં!
આ સાથે રિઝર્વ બેન્કે નોન બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓ (એન્બીએફસી) દ્વારા કાર્યરત, ઉચ્ચ-ગુણવત્તાવાળા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને ધિરાણ આપવા માટે લાગુ પડતા જોખમના ભારને ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો અને નવી શહેરી સહકારી બેંકો (એનયુએસબી)ના લાઇસન્સિંગ પર ચર્ચા પત્ર પ્રકાશિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
સરળ શબ્દોમાં કહીએ તો, આઇપીઓ ફાઇનાન્સિંગએ નાણાકીય સંસ્થાઓ દ્વારા એવા રોકાણકારોને આપવામાં આવતી લોન છે, જેઓ આઇપીઓમાં શેર માટે અરજી કરવા માગે છે પરંતુ તેમની પાસે પૂરતું ભંડોળ નથી. ઉધાર લીધેલી રકમ ફાળવેલ શેર સામે સુરક્ષિત છે, જે લોન ચૂકવવામાં ન આવે ત્યાં સુધી કોલેટરલ તરીકે કાર્ય કરે છે. સામાન્ય રીતે લિસ્ટિંગ પછી શેરનું મૂલ્ય વધે છે.