મુંબઇ: વર્ષ 2023માં સંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોકાણકારોને સરકારી કંપનીઓના શેરમાં રોકાણ કરવા સલાહ આપી હતી. પરંતુ શેરબજારમાં ઘટાડાનાં ટ્રેન્ડ વચ્ચે PSU શેરોમાં હવે ભારે ઘટાડો(PSU Stock Crash)જોવા મળી રહ્યો છે. જેમાં આજે 7 ઓક્ટોબર 2024 ના રોજ શેરબજારમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોની વેચવાલીના લીધે સરકારી કંપની શેરોને સૌથી વધુ ફટકો પડ્યો છે. નિફ્ટીનો CPSE ઈન્ડેક્સ 3.11 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે.જ્યારે નિફ્ટીનો PSE ઈન્ડેક્સ પણ 2.82 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. રોકાણકારોના વેચાણને કારણે રેલવે-ડિફેન્સ શેરોને સૌથી વધુ ફટકો પડ્યો છે. આ શેરોએ છેલ્લા કેટલાક મહિનામાં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું છે.
રેલવેના શેર ગબડ્યા
રોકાણકારોની વેચવાલીથી રેલ્વે શેરોમાં જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)નો શેર લગભગ 7 ટકાના ઘટાડા સાથે રૂપિયા 460 પર ટ્રેડ થઈ રહ્યો છે. રેલટેલ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો સ્ટોક પણ 7 ટકા, RITES 4.60 ટકા, ઈરકોન ઈન્ટરનેશનલ 4 ટકા, IRFC 4 ટકા, ટીટાગઢ રેલસિસ્ટમ્સ 3 ટકાના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે.
ડિફેન્સ શેરોમાં ઘટાડાનો ટ્રેન્ડ
શેરબજારના મહત્વના સેક્ટર ડિફેન્સ સેક્ટરની સરકારી કંપનીઓના શેરોમાં વધારો અટકી ગયો છે. જેમાં ગાર્ડન રિચ શિપ બિલ્ડિંગના શેર લગભગ 6 ટકા, મઝાગોન ડોક શિપબિલ્ડિંગ 3.22 ટકા, કોચીન શિપયાર્ડ 3.76 ટકા, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ 1.16 ટકા, ભારત ડાયનેમિક્સ 4 ટકા, ભારત ઇલેક્ટ્રોનિક્સ 2.45 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
પાવર સેક્ટરના શેરમાં તીવ્ર વેચવાલી
જેણે તાજેતરના વર્ષોમાં રોકાણકારોને મજબૂત વળતર આપ્યું તે પાવર સેક્ટરના શેરોમાં પણ તીવ્ર વેચવાલી જોવા મળી રહી છે. જેમાં NTPC 3.68 ટકા, NHPC 3.34 ટકા, પાવર ગ્રીડ 3.14 ટકા, SJVN 5.29 ટકા, REC 3.68 ટકા, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન 4.15 ટકા, IREDA 4.18 ટકાના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યાં છે. જ્યારે મજબૂત ગણાતા એવા LIC ના શેર 3.86 ટકાના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.