રોકાણકારોને આજે મળેલી રાહત લાંબી નહીં ટકે? બજારમાં મોટું ગાબડું પડે એવી શક્યતા, જાણો કારણો

મુંબઈ: ગઈ કાલે મંગળવારે ભારતીય શેર બજારમાં મોટું ગાબડું (Indian Stock Market tumbled) પડ્યું હતું, બોમ્બે સ્ટોક એક્ષચેન્જનનો ઇન્ડેક્સ સેન્સેક્સ (BSE SENSEX) 1,235 પોઈન્ટ તુટ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્ષચેન્જનો નિફ્ટી (NSE NIFTY) 299 પોઈન્ટ્સ ઘટીને 23,045 ના સ્તર પર બંધ થયો હતો. માત્ર એક જ દિવસમાં રોકાણકારોના 7 લાખ કરોડનું ધોવાણ થઇ ગયું હતું. જોકે આજે બુધવારે માર્કેટમાં રીકવરીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે, આજે બજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું હતું, સેન્સેક્સમાં 200થી વધુ પોઈન્ટ્સનો વધારો નોંધાયો છે, જેને કારણે રોકાણકારોને આંશિક રાહત મળી છે. જોકે નિષ્ણાંતોના મત મુજબ શેર બજાર રોકાણકારોને મોટો ઝટકો આપી શકે છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે યુએસ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા પછી તરત જ પડોશી દેશો પર ટેરિફની જાહેરાત કરી હતી. જેના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ફટકો પડ્યો હતો, આ ઉપરાંત વિદેશી રોકાણકારોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, આ કારણે માર્કેટ તૂટ્યું હતું. આજે બજાર રિકવરી તરફ છે, નિષ્ણાંતોના મત મુજબ એવી શક્યતા છે કે અગામી દિવસોમાં માર્કેટમાં મોટું ગાબડું પડી શકે છે, જેની પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે.
Also read: Stock Market opening: શેરબજાર રિકવરી પર, સેન્સેક્સ-નિફ્ટીમાં આટલા પોઈન્ટ્સનો વધારો
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ:
રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ટ્રમ્પે (Donald Trump) યુએસના બંને પડોશી દેશ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી, તેમણે બંને દેશોના ઉત્પાદનો પર યુએસમાં 25 ટકા ટેરિફ લાદ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ટ્રમ્પે ભારતના ઉત્પાદનો પર પણ ટેરીફ વધારવાની ચીમકી ઉચ્ચારી હતી, હવે એવી આશંકા છે કે ટ્રમ્પ ટૂંક સમયમાં ભારત સામે પણ ટેરીફ પોલિસી લાગુ કરી શકે છે. જેની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. ટ્રંપની વિઝા પોલિસી પણ ભારતીય ટેક સેક્ટર પર પણ અસર કરી શકે છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી:
અમેરિકન ડોલર મજબૂત થઇ રહ્યો છે અને બોન્ડ યીલ્ડમાં પણ વધારો થઇ રહ્યો છે, જેને કારણે ફોરેઇન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPIs) ભારતીય શેર બજારમાંથી સતત નાણાં ઉપાડી રહ્યા છે. જે ભારતીય શેરબજારમાં ઘટાડાનું આ એક મુખ્ય કારણ છે. 2જી જાન્યુઆરી સિવાય, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં દરરોજ ભારતીય ઇક્વિટીનું વેચાણ થઇ રહ્યું છે, અહેવાલ મુજબ 20 જાન્યુઆરી સુધીમાં FPIsએ લગભગ ₹51,000 કરોડનું વેચાણ કર્યું છે.
લીકવીડીટીમાં ઘટાડો:
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર હાલ રોકાણકારો પાસે લીકવીડીટી ઘટી છે, રોકાણકારો પાસે શેરમાર્કેટમાં રોકાણ કરવા માટે પુરતા નાણા નથી. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર મોંઘવારી વધવાને કારણે છૂટક રોકાણકારોના હાથમાં પહેલા કરતા ઓછા નાણા બચી રહ્યા છે.
વેલ્યુએશનમાં વધારો;
નિષ્ણાંતોના મત અનુસાર શેર્સના વેલ્યુએશનમાં વધરો થવાને કારણે છૂટક રોકાણકારોને શેર લેવા પોસાય એમ નથી. માર્કેટનું પી-વેલ્યુએશન હાલ ઘણો ઉપર છે, જેને કારણે રોકાણકારો ઇચ્છાવા છતાં જોઈતા શેર ખરીદવા સક્ષમ નથી.
HNIsનો બજાર વિશ્વાસ ઘાટો:
નિષ્ણાંતોએ જણાવ્યું કે હાલમાં હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ (HNIs) શેર બજારમાં રોકેલા નાણા ઉપાડીને સોના-ચાંદીમાં રોકી રહ્યા છે, જેના કારણે શેબાજરમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આ ટ્રેન્ડ હજુ પણ ચાલુ રહે તેવી શકયતા છે.
ત્રીજા ક્વાટરના નબળા પરિણામ:
નાણાકીય વર્ષ 2૦24-25ના પ્રથમ અને બીજા ક્વાર્ટરમાં કોર્પોરેટની કમાણીમાં ઘટાડો નોંધાયો હતો. ત્યાર બાદ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં પણ સ્થિતિમાં ખાસ સુધારો જોવા મળ્યો ન હતો. અલગ અલગ સેક્ટરમાં મિક્ષ્ડ ટ્રેન્ડ જોવા મળ્યા છે. નિષ્ણાતોના મત મુજબ ઓછી કમાણીને કારણે બજારનું સેન્ટિમેન્ટ નબળું છે.
ભારતીય અર્થતંત્રમાં મંદીના સંકેત:
એહવાલો મુજબ ભારતીય અર્થતંત્રમાં નબળાઈના સંકેતો દેખાઈ રહ્યા છે, જેના કારણે બજારમાં સતર્કતાનું વાતાવરણ છે. જીડીપીની ગતિ ધીમી પડી ગઈ છે અને બે વર્ષના નીચલા સ્તરે પહોંચી ગઈ છે. બજારમાં માંગમાં કોઈ વધારો નથી થઇ રહ્યો,આનાથી બજારના સેન્ટિમેન્ટ પર પણ અસર પડી રહી છે.