અસાધારણ ઉછાળા, પછડાટ બાદ પ્રાઇમરી માર્કેટમાં શાંત માહોલ

નિલેશ વાઘેલા
મુંબઇ: પ્રીમિયમ અને ડિસ્કાઉન્ટમાં અસાધારણ ઉછાળા અને પછડાટમાંથી પસાર થયા બાદ એકાદ પખવાડિયું પ્રાઇમરી માર્કેટનો માહોલ શાંત રહે એવી ધારણા છે. ટાટા કેપિટલ અને એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા જેવા હાઇપ્રોફાઇલ આઇપીઓના બે અઠવાડિયાના દબાણ પછી પ્રાથમિક બજાર પાઇપલાઇન શાંત થઈ ગઈ છે. આ અઠવાડિયે અને આગામી સપ્તાહમાં મેગા ઇશ્યૂના અભાવે પ્રવાહિતા પરનું દબાણ ઓછું થવાની ધારણાં છે.
પાછલા અઠવાડિયાની વાત કરીએ તો શુક્રવારે કેનેરા એચએસબીસી લાઇફ ઇન્સ્યોરન્સનો શેર તેના ઇશ્યૂભાવે જ લિસ્ટ થઇ પાછળથી પાંચેક ટકા ઊછળ્યો હતો. ગુરુવારે રુબીકોન રિસર્ચના શેર ૨૮ ટકાના મજબૂત પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા, જ્યારે એ જ દિવસે કેનેરા રોબેકો એએમસીના શેર પાંચ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા. ડ્યુરોલેક્સે સેબી પાસે ડીઆરએચપી જમા કરાવ્યું છે.
આ પણ વાંચો: પ્રાઇમરી માર્કેટમાં હાહાકાર: એકસાથે ત્રણ આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં!
પ્રાઇમરી માર્કેટમાં હજુ પણ ઘણા ભરણા કતારમાં છે. મંગળવારે એલજીના ૫ચાસ ટકા પ્રીમિયમ સાથેના જોરદાર લિસ્ટિંગથી ઉત્તેજના ફેલાઇ છે, પરંતુ તાજેતરમાં ઘણી કંપનીના નવા શેર ડિસ્કાઉન્ટમાં લિસ્ટેડ થયા હોવાથી પ્રાઇમરી માર્કેટમાં ચિંતા પણ સર્જાઇ છે. ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સના શેર પાછલા બુધવારે ઇશ્યૂ ભાવ સામે લગભગ ૪૦ ટકાના જોરદાર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા છે. આ અગાઉ ગ્લોટીસના શેર તેના ઇશ્યુ ભાવ સામે ૩૫ ટકાના જોરદાર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા હતા અને એ જ સાથે ફેબટેક ટેકનોલોજીસના શેર ઇશ્યૂ ભાવ સામે ૨.૬૮ ટકાના ડિસ્કાઇઉન્ટ સાથે લિસ્ટેડ થયા હતા. જોકે, બુધવારે એડવાન્સ એગ્રોલાઇફના શેરમાં ઇશ્યુ ભાવ સામે ૧૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો.
એનએસઇ અને બીએસઇ દ્વારા ૨૨ સપ્ટેમ્બરના રોજ જારી કરાયેલા પરિપત્રો મુજબ, દિવાળી નિમિત્તે મુહૂર્ત ટ્રેડિંગ સત્ર આ વર્ષે ૨૧ ઓક્ટોબરે યોજાશે. દિવાળી મુહૂર્ત ટ્રેડિંગ સત્ર બપોરે ૧:૪૫ વાગ્યાથી ૨:૪૫ વાગ્યાની વચ્ચે યોજાશે અને ટ્રેડ મોડિફિકેશનનો અંતિમ સમય બપોરે ૨:૫૫ વાગ્યાનો રહેશે. આ ઉપરાંત ઈક્વિટી, કોમોડિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ, ઈક્વિટી ફ્યુચર્સ અને ઓપ્શન્સ અને સિક્યોરિટીઝ લેન્ડિંગ અને બોરોઈંગ જેવા વિવિધ સેગમેન્ટમાં એક જ સમય સ્લોટમાં ટ્રેડિંગ થશે.
ફેડરલ રિઝર્વના હળવા વલણને કારણે રેટ કટની આશા વચ્ચે સેન્ટિમેન્ટમાં સુધારો આવી રહ્યો છે આ ઉપરાંત ઇન્ટરનેસ્લ મોનેટરી ફંડે નાણાકીય વર્ષ ૨૦૨૬ માટે ભારતના આર્થિક વિકાસનો અંદાજ સુધારીને ૬.૬ ટકા જાહેર કર્યો હોવાથી પણ ઇક્વિટી માર્કેટને બળ મળી રહ્યું છે. ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ વિરામ થવાથી ભૂરાજકીય તંગદીલી પણ હળવી થઇ છે. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૫૭ ટકા ગબડીને બેરલદીઠ ૬૨.૨૬ ડોલર બોલાયું હતું.