પ્રાઇમરી માર્કેટમાં હાહાકાર: એકસાથે ત્રણ આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં!
Top Newsશેર બજાર

પ્રાઇમરી માર્કેટમાં હાહાકાર: એકસાથે ત્રણ આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવ્યાં!

નિલેશ વાઘેલા
મુંબઇ
: સેક્ન્ડરી માર્કેટની અફડાતફડી અને મંદી સામે અડીખમ રહેલી પ્રાઇમરી માર્કેટમાં મંગળવારે હાહાકાર મચી ગયો હતો. એકસાથે મેઇન્બોર્ડના ત્રણ ત્રણ આઇપીઓ નેગેટીવ ઝોનમાં પટકાતાં રોકાણકારોના લાખો રૂપિયા એકસાથે ધોવાઇ ગયા હતા.

મંગળવારનું સત્ર જારો ઇન્સ્ટિટ્યૂટ, શેષાસાઈ ટેક્નોલોજીસ અને સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સના આઇપીઓમાં રોકાણ કરનારાઓ માટે અત્યંત નિરાશાજનક સાબિત થયું છે. આ ઓફરિંગમાં મોટાભાગની કંપનીઓ માટે મજબૂત સબસ્ક્રિપ્શન સંખ્યા હોવા છતાં, નવા લિસ્ટેડ ચાર શેરમાંથી ત્રણ શેર લિસ્ટિંગના દિવસે જ તેમના સંબંધિત આઇપીઓના ઇશ્યૂ ભાવથી નીચે સરકી ગયા હોવાને કારણે લિસ્ટિંગ લાભ ઓછો થયો અને રિટેલ અને સંસ્થાકીય રોકાણકારોમાં ચિંતા વધી ગઇ હતી.


આ ત્રણેય શેર સાધારણ પ્રીમિયમ અથવા સમાન ભાવે ખુલ્યા હતા, પરંતુ ટૂંક સમયમાં સત્ર દરમિયાન ભારે વેચવાલીના દબાણ હેઠળ આવ્યા અને ધોવાઇ ગયા હતા. બજારના સાધનો અનુસાર સેન્ટિમેન્ટમાં અચાનક ફેરફાર કંપની વિશિષ્ટ મુદ્દાઓ કરતાં એકંદર બજારની અસ્થિરતા અને નફા બુકિંગને કારણે થઈ રહ્યો છે.

શેષાસાઈ ટેક્નોલોજીસના શેર રૂ. ૪૨૩ના ઇશ્યૂ ભાવ સામે એનએસઇ પર રૂ. ૪૩૨ અને બીએસઇ પર રૂ. ૪૩૬ના ભાવે લિસ્ટ થયા હતા. જોકે, શેર લાભ ટકાવી રાખવામાં નિષ્ફળ ગયો અને રૂ. ૪૦૫.૮૦ના દિવસના નીચલા સ્તરે પહોંચ્યો હતો. અંતે લગભગ ત્રણેક ટકાના ઘટાડા સાથે સ્થિર થયો હતો.

આ કંપનીનો આઇપીઓ કુલ ૬૯.૬૪ ગણો સબસ્ક્રિપ્શન થયો હતો.
સોલારવર્લ્ડ એનર્જી સોલ્યુશન્સે નવા લિસ્ટેડ શેરોમાં સૌથી મોટો ઘટાડો અનુભવ્યો. ગજઊ પર આ શેર રૂ. ૩૮૮.૫૦ પર લિસ્ટ થયો હતો, જેની ઇશ્યૂ કિંમત રૂ. ૩૫૧ હતી, પરંતુ તે ઘટીને રૂ. ૩૩૬ પર પહોંચી ગયો હતો. સત્રને અંતે આ શેર લગભગ આઠેક ટકાના કડાકા સાથે બંધ થયો હતો. આઇપીઓમાં કુલ સબ્સ્ક્રિપ્શન ૬૮.૫૨ ગણું રહ્યું હતું.

જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચમાં તેના પ્રથમ દિવસે જ તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એનએસઇ પર પ્રાઇસ બેન્ડના ઉપલા છેડા સાથે મેળ સાધતો, રૂ. ૮૯૦ પર લિસ્ટ થયેલો આ શેર રૂ. ૭૨૬.૨૦ના દિવસના નીચલા સ્તરે અથડાઇને અંતે રૂ. ૭૪૪.૪૫ બોલાયો હતો. આ આઇપીઓ ૨૩.૨૧ વખત સબ્સ્ક્રાઇબ થયો હોવા છતાં આ તીવ્ર કરેક્શન આવ્યું હતું.

શેરબજારના ઊથલપાથલ વચ્ચે પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાઇ રહ્યા છે. સેક્ધડરી માર્કેટમાં ભારે અફડાતફડી અને સાવચેતીનો માહોલ હોવા છતાં પ્રાઇમરી માર્કેટમાં અનેક નવા ભરણા આવી રહ્યા છે અને માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે નવા ડીઆરએચપી જમા થતાં રહ્યા છે.

જોકે, લિસ્ટિંગના મામલે મિશ્ર વલણ હવે નકારાત્મક બની રહ્યું હોય એવું જણાય છે. સોમવારે ગણેશ ક્ધઝ્યુમર પ્રોડક્ટસનો શેર ૮.૩૮ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા બાદ અંતે ૮.૭૧ ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આમ સપ્તાહના પહેલા બે સત્રમાં ચાર આઇપીઓમાં રોકાણકારોએ નાણાં ગુમાવવાનો વારો આવ્યો છે.

પાછલા શુક્રવારે સાત્વિક ગ્રીન એનર્જી તેના ઇશ્યુ ભાવ સામે એક ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. આ અગાઉના ગુરુવારે આઇવેલ્યુ ઇન્ફોસોલ્યુશનનો શેર તેના ઇશ્યુ ભાવ સામે પાંચ ટકાના ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયો હતો. જોકે, પાછલા શુક્રવારે જીકે એનર્જીએ ૧૨ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટિંગ મેળવ્યું હતું, જ્યારે બુધવારે વીએમએસ ટીએમટીના શેર છ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયા હતા.

આ પણ વાંચો…પ્રાઇમરી માર્કેટમાં આ સપ્તાહે વીસ આઇપીઓ ખડકાશે…

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button