શેર બજાર

પાકિસ્તાનનું શેરબજાર કડડભૂસ, માર્કેટ કેપમાં 1.3 ટ્રિલિયન રૂપિયાનો ઘટાડો

ઇસ્લામાબાદ : ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવની અસર બંને દેશો શેરબજારમાં જોવા મળી રહી છે. ભારત અને પાકિસ્તાન બંનેના શેરબજારોમાં અફડા તફડી મચી છે. ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવ્યા બાદ પાકિસ્તાની શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. માત્ર ત્રણ દિવસમાં માર્કેટ કેપમાં 1.3 ટ્રિલિયન રૂપિયાનો ઘટાડો થયો છે.

માર્કેટ કેપમાં 820 અબજ રૂપિયાનો ઘટાડો

પાકિસ્તાનના શેરબજારમાં ગુરુવારે કારોબાર દરમિયાન KSE-100 ઇન્ડેક્સમાં ભારે વધઘટ જોવા મળી. ભારતીય સેનાના હવાઈ હુમલા બાદ પાકિસ્તાનના શેરબજારમાં 6 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ કારણે એક કલાક માટે ટ્રેડિંગ બંધ કરવું પડ્યું હતું. KSE-100 ઇન્ડેક્સમાં અત્યાર સુધીના સૌથી ખરાબ ઇન્ટ્રાડે વધઘટ જોવા મળ્યો હતો. રોકાણકારોમાં ગભરાટ એટલો વધી ગયો કે માત્ર એક જ ટ્રેડિંગ સેશનમાં માર્કેટ કેપમાં 820 અબજ રૂપિયાનો ઘટાડો થયો. આ સાથે ઇન્ડેક્સ પણ 6,400 થી વધુ પોઇન્ટ ઘટ્યો અને તેના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો.

KSE-100 ઇન્ડેક્સમાં 10,000 પોઈન્ટથી વધુનો ઘટાડો

છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં પાકિસ્તાનના શેરબજારના માર્કેટ કેપમાં 1.3 ટ્રિલિયન રૂપિયાનું મોટું નુકસાન થયું છે. ગુરુવારના ટ્રેડિંગ સત્ર દરમિયાન KSE-100 ઇન્ડેક્સમાં 10,000 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. જે દિવસ દરમિયાન 1872 પોઈન્ટની ઊંચી સપાટીએ પહોંચી હતી અને પછી 8,410 પોઈન્ટની નીચી સપાટીએ પહોંચી હતી.

ભારતીય શેરબજારમાં તણાવની અસર વર્તાઇ

ભારત પાકિસ્તાન તણાવની અસર ભારતીય શેરબજારમાં પણ જોવા મળી રહી છે. જેમાં ભારે વેચવાલી બાદ શેરબજારના રોકાણકારોને બે દિવસમાં 7 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આ વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે માર્કેટ કેપ રૂ. 7,09,783.32 કરોડ ઘટીને રૂ. 4,16,40,850.46 કરોડ એટલે 4.86 ટ્રિલિયન ડોલર થયું છે.

આ ક્ષેત્રમાં સૌથી મોટો ઘટાડો

જો આપણે સેક્ટર મુજબ  વાત કરીએ તો  રિયલ્ટી ઇન્ડેક્સમાં મહત્તમ 2.08 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. તેની બાદ નાણાકીય સેવાઓ, વીજળી, બેંકો, FMCG અને સેવાઓમાં ઘટાડો થયો. જોકે, ભારતના વ્યૂહાત્મક ફાયદા અને પાકિસ્તાનની આર્થિક નબળાઈને જોતાં રોકાણ હજુ પણ થોડા સમય માટે જ વધવાની અપેક્ષા છે.

આ પણ વાંચો…ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાની શેરબજાર લોહીલૂહાણ…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button