
મુંબઈ : દેશના અગ્રણી સ્ટોક એક્સચેન્જો BSE અને NSEએ શુક્રવારે રોકડ અને ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) સોદા માટેના તેમના ટ્રાન્ઝેક્શન ચાર્જિસમાં સુધારો કર્યો છે. સેબી દ્વારા સ્ટોક એક્સચેન્જ(Stock Market)સહિત માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે કામ કરતી સંસ્થાઓના તમામ સભ્યો માટે સમાન ફી માળખું ફરજિયાત કર્યા પછી આ પગલું લેવામાં આવ્યું છે. સ્ટોક એક્સચેન્જોએ અલગ-અલગ પરિપત્રમાં જણાવ્યું છે કે સુધારેલા દરો 1 ઓક્ટોબરથી લાગુ થશે. BSEએ ઇક્વિટી ફ્યુચર્સ-ઓપ્શન્સ સેગમેન્ટમાં સેન્સેક્સ અને બેન્કેક્સ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સ માટેના ટ્રાન્ઝેક્શન ચાર્જિસને સુધારીને રૂપિયા 3,250 પ્રતિ કરોડ પ્રીમિયમ ટર્નઓવર પર કર્યા છે. જો કે, ઇક્વિટી ફ્યુચર્સ-ઓપ્શન્સ સેગમેન્ટમાં અન્ય કોન્ટ્રાક્ટ માટે ટ્રાન્ઝેક્શન ફી યથાવત રહેશે.
સેબીએ પરિપત્ર બહાર પાડ્યો હતો
સેબીએ જુલાઈમાં માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્સ્ટિટ્યૂશન્સ (MIIs) માટેના શુલ્ક અંગે એક પરિપત્ર બહાર પાડ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું છે કે MII પાસે તમામ સભ્યો માટે એક સમાન ફી માળખું હોવું જોઈએ. જે વર્તમાન વોલ્યુમ-આધારિત ટ્રેડિંગ સિસ્ટમને બદલે છે. બજેટ 2024માં ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ (F&O) પર સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT)અનુક્રમે 0.02 ટકા અને 0.1 ટકા વધ્યો છે. આ ઉપરાંત શેર બાયબેકમાંથી પ્રાપ્ત થતી આવક લાભાર્થીઓને કરપાત્ર રહેશે. આ ફેરફાર 1 ઓક્ટોબર, 2024થી લાગુ થશે. જો કે સોદા પરનો ટેક્સ બમણો કરવાથી ટ્રાન્ઝેક્શન વોલ્યુમ ઘટી શકે છે.
આ પગલાં શા માટે લેવામાં આવ્યા ?
સેબીએ રોકાણકારોના હિતોનું રક્ષણ કરવા અને શેરબજારમાં અટકળો ઘટાડવા માટે આ પગલાં લીધાં છે. સેબીનું કહેવું છે કે વર્ષ 2024માં લગભગ 91 ટકા F&O વેપારીઓને જોખમી વેપારમાં કુલ રૂપિયા 75,000 કરોડનું નુકસાન થયું છે. માર્કેટ નિષ્ણાતો આ ફેરફારોને દેશમાં ટકાઉ રોકાણની સ્થિતિ તેમજ મૂડી બજારના સંતુલિત અને સુવ્યવસ્થિત વિકાસ માટે જરૂરી માને છે.