નિફ્ટીની આઠ દિવસની આગેકૂચને બ્રેક, સેન્સેક્સ ૧૧૯ પોઇન્ટ ગબડ્યો | મુંબઈ સમાચાર
શેર બજાર

નિફ્ટીની આઠ દિવસની આગેકૂચને બ્રેક, સેન્સેક્સ ૧૧૯ પોઇન્ટ ગબડ્યો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ:
સતત આઠ દિવસની એકધારી આગેકૂચ બાદ સપ્તાહના પહેલા દિવસે પ્રોફિટ બુકિંગને કારણે નિફ્ટીની આઠ દિવસની તેજીને બ્રેક લાગી હતી, જ્યારે સેન્સેક્સ ૧૧૯ પોઇન્ટ ગબડ્યો હતો. તાજેતરની તેજી પછી ખાસ કરીને આઇટી અને ઓટો શેરમાં નફારૂપી વેચવાલીને કારણે સોમવારે અત્યંત અફાડતફડી વચ્ચે પસાર થઇને શેરબજાર નેગેટીવ ઝોનમાં સ્થિર થયું હતું.

પાંચ દિવસની તેજીના અંતે, ત્રીસ શેરોવાળા બીએસઈ સેન્સેક્સ ૧૧૮.૯૬ પોઇન્ટ અથવા ૦.૧૫ ટકા ઘટીને ૮૧,૭૮૫.૭૪ પોઇન્ટ પર સ્થિર થયો હતો. દિવસ દરમિયાન, તે ૮૧,૯૯૮.૫૧ પોઇન્ટની ઊંચી સપાટી અને ૮૧,૭૪૪.૭૦ પોઇન્ટની નીચી સપાટને અથડાયો હતો.

એ જ રીતે, આ તરફ પચાસ શેરોવાળો એનએસઈનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૪૪.૮૦ પોઇન્ટ અથવા ૦.૧૮ ટકા ઘટીને ૨૫,૦૬૯.૨૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો અને તેના આઠ દિવસના અપટ્રેન્ડને બ્રેક લાગી હતી.

માર્કેટ એનલિસ્ટ્સે જણાવ્યું હતું કે બજારો આ સપ્તાહની યુએસ ફેડરલ રિઝર્વ પોલિસી મીટિંગના પરિણામની રાહ જોઈ રહ્યા હોવાથી રોકાણકારોએ સાઇડ લાઇન પર રહેવાનું અથવા પ્રોફિટ બુકિંગ કરવાનું પસંદ કર્યું હતું.

સેન્સેક્સ કંપનીઓમાં, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઇન્ટ્સ, ઇન્ફોસિસ, ટાઇટન, સન ફાર્મા, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા અને પાવર ગ્રીડ સૌથી વધુ ઘટનારા શેરોમાં સામેલ હતા. જ્યારે, બજાજ ફાઇનાન્સ, ઇટર્નલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સના સૌથી વધુ વધનારા શેરોમાં સામેલ હતા.

સોમવારે બજાર નિયમનકાર તરફથી મળેલા અપડેટ મુજબ, કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની અને હીરો મોટર્સ, એમવી ફોટોવોલ્ટેઇક પાવર, પાઈન લેબ્સ, મણિપાલ પેમેન્ટ અને આઇડેન્ટિટી સોલ્યુશન્સ અને ઓર્કલા ઇન્ડિયાને આઇપીઓ ફ્લોટ કરવા માટે લીલીઝંડી મળી ગઈ છે.

ફેડરલ પોલિસી મીટિંગ પહેલા રોકાણકારો સાવધ માનસમાં રહ્યા હોવાથી બેન્ચમાર્ક સૂચકાંકો મોટાભાગે ફ્લેટ રહ્યા હતા, ગયા સપ્તાહની તેજી પછી આઇટી ઇન્ડેક્સમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. ફેડરલ દ્વારા વ્યાજ દરમાં પચ્ચીસ બેસિસ પોઇન્ટનો ઘટાડો મોટાભાગે બજારે ડિસ્કાઉન્ટ કરી લીધો છે અને હવે બોન્ડ યીલ્ડ માટે તાગ મેળવવા માટે ફેડરલના વ્યાજદર અંગેના આગામી ગાઇડન્સ પર બજારની મીટ છે.

મજબૂત સ્થાનિક વપરાશ માગ બજારને સેન્ટિમેન્ટને ટેકો આપવાનું ચાલુ રાખે છે અને ઘટાડાને મર્યાદિત કરે છે, જ્યારે અમેરિકા સાથેની ટ્રેડ ડીલ સકારાત્મક રહેવાનો આશાવદ અને નાણાકીય વર્ષ ૨૦૨૬ના પૂર્વાર્ધમાં કોર્પોરેટ અર્નિંગ્સ સારી રહેવાનો આશાવાદ રોકાણકારોના વિશ્ર્વાસને વધુ ટેકો આપી રહ્યો છે.

એશિયન બજારોમાં, દક્ષિણ કોરિયાનો કોસ્પી અને હોંગકોંગનો હેંગસેંગ ઇન્ડેક્સ સકારાત્મક ઝોનમાં સ્થિર થયો હતો, જ્યારે શાંઘાઈનો એસએસઇ કમ્પોઝિટ ઇન્ડેક્સ નીચા મથાળે બંધ રહ્યો હતો. જાપાનનો શેરબજાર રજાને કારણે બંધ રહ્યું હતું. યુરોપમાં બજારો મોટાભાગે ઊંચા મથાળે વેપાર કરી રહ્યા હતા, જ્યારે યુએસ બજારો શુક્રવારે મિશ્ર નોંધ પર બંધ થયા હતા.
શુક્રવારે, સેન્સેક્સ ૩૫૫.૯૭ પોઈન્ટ અથવા ૦.૪૪ ટકા ઉછળીને ૮૧,૯૦૪.૭૦ પોઇન્ટ પર સ્થિર થયો હતો, જે સતત પાંચમા દિવસે તેજીમાં રહ્યો હતો. જ્યારે સતત આઠમા દિવસે અપટ્રેન્ડ નોંધાવતો નિફ્ટી બેન્ચમાર્ક ૧૦૮.૫૦ પોઈન્ટ અથવા ૦.૪૩ ટકા વધીને ૨૫,૧૧૪ પોઇન્ટ પર પહોંચી ગયો હતો.

પાછલા અઠવાડિયે, બીએસઈ બેન્ચમાર્ક ૧,૧૯૩.૯૪ પોઈન્ટ અથવા ૧.૪૭ ટકા ઉછળ્યો છે અને નિફ્ટી ૩૭૩ પોઈન્ટ અથવા ૧.૫૦ ટકા વધ્યો છે. આઠ ટ્રેડિંગ દિવસોમાં, નિફ્ટી ૫૩૪.૪ પોઈન્ટ અથવા ૨.૧૭ ટકા ઉછળ્યો છે. ગ્લોબલ ઓઈલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૪૮ ટકા વધીને ૬૭.૩૧ ડોલર પ્રતિ બેરલ બોલાયું છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ શુક્રવારે રૂ. ૧૨૯.૫૮ કરોડના ઇક્વિટી ખરીદ્યા હોવાનું એક્સચેન્જ ડેટામાં જણાવાયું છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button