મૂડીબજારમાં તેજી યથાવત: ફલેરમાં ૬૬ ટકા પ્રીમિયમ
નિલેશ વાઘેલા
મુંબઇ: મૂડીબજારમાં જોરદાર તેજીનો માહોલ યથાવત રહ્યો છે. ટાટા ટેક્નોલોજીસ અને ગાંધાર ઓઈલ રિફાઈનરીના પગલે પગલે ફ્લેર રાઈટિંગ ઈન્ડસ્ટ્રીઝે પણ ઈશ્યુ પ્રાઈસ કરતાં ૬૬ ટકાના પ્રીમિયમ પર શેરબજારો પર લિસ્ટિંગ કરીને રોકાણકારોને રાજી કર્યા હતા.
આ શેરે રૂ. ૩૦૪ની ઇશ્યૂ કિંમત સામે, એનએસઇ પર રૂ. ૫૦૧ અને બીએસઇ પર રૂ. ૫૦૩ના ભાવે ટ્રેડિંગ શરૂ કર્યું હતું, એકંદરે હકારાત્મક બજારના મૂડ તેમજ આઇપીઓના ઓવર-સબ્સ્ક્રિપ્શનથી માહોલ ઉત્સાહિત હતો. બીએસઇ પર અંતે તે ૪૮.૯૧ ટકાના વધારા સાથે રૂ. ૪૫૨.૭૦ની સપાટીએ સ્થિર થયો હતો.
લેખન સાધનો અને સ્ટેશનરી સેગમેન્ટમાં અગ્રણી ખેલાડી હોવાને કારણે, ફ્લેર રાઈટિંગને અપેક્ષા કરતા વધુ સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું, ખાસ કરીને ક્વિબ્સ રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો, જેઓ ૧૧૫.૬ ગણી બિડિંગ સાથે વધુ ઉત્સાહી ઇન્વેસ્ટર્સ રહ્યાં હતા.
પાછલા સત્રમાં ગુરુવારે ટાટા મોટર્સની શાખા કંપની ટાટા ટેકનોલોજીનો શેર તેના રૂ. ૫૦૦ના ઇશ્યૂ ભાવ સામે ૧૪૦ ટકાના પ્રીમિયમે રૂ. ૧,૧૯૯.૯૫ના ભાવે લિસ્ટેડ થયો હતો અને સત્ર દરમિયાન ૧૮૦ ટકાના ઉછાળા સાથે રૂ. ૧૪૦૦ સુધી પહોંચ્યો હતો. જ્યારે ગાંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા) લિમિટેડના શેરતેના રૂ. ૧૬૯ના ઇશ્યૂભાવ સામે ૭૬ ટકાના ઉછાળા સાથે શેરબજારની યાદી પર મૂકાયા હતા.