નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં નવા નાણાં વર્ષની શરૂઆત તેજી સાથે થઈ છે. ખુલતા સત્રમાં સેન્સેકસમાં ૫૦૦ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો જ્યારે નિફ્ટીએ ૨૨,૩૫૦ની સપાટીએ પહોંચી નવો વિક્રમ નોંધાવ્યો. સવારના સત્રમાં આવેલી તેજીને કારણે બીએસઈ પર લિસ્ટેડ કુલ શેરોના માર્કેટ કેપિટલમાં રૂ.૪.૭૦ લાખ કરોડનો ઉછાળો નોંધાયો હતો.
અમેરિકાની ફેડરલ રિઝર્વે ફુગાવો અપેક્ષિત મર્યાદામાં હોવાની પુષ્ટિ કરી હોવાથી માર્ચમાં રેટ કટ નિશ્ચિત જણાતા એશિયાના બજારોમાં આવેલા ઉછાળા સાથે સ્થાનિક બજારમાં પણ તેજીનો પવન ફૂંકાયો હતો. ટાટા સ્ટીલ, જે એસ ડબલ્યુ સ્ટીલ, એચ ડી એફ સી બેંક, ઇન્ફોસિસ, કોટક બેંક જેવા શેર એકથી બે ટકા ઊંચી સપાટીએ ખુલ્યા હતા. મોટાભાગના બ્લુ ચિપ શેર અને સેક્ટરમાં તેજી જોવા મળી છે.
હાઈ વેઇટેજ ફાઇનાન્શિયલ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી શેરો અને મક્કમ વૈશ્વિક બજારોના કારણે સોમવારે સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકો આગળ વધ્યા હતા. અમેરિકાના મુખ્ય ફુગાવાના રીડિંગમાં અનુકૂળતાએ પણ સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી હતી.
સાર્વત્રિક લેવાલીનો એવો મહોલ રહ્યો છે કે એનએસઈ પર તમામ ક્ષેત્રીય સૂચકાંકો ઊંચા સ્તરે પહોંચ્યા હતા, જેમાં ધાતુઓ પેકમાં અગ્રણી સ્થાને રહ્યું છે.
અગ્રણી બજાર વિશ્લેષકે કહ્યુ કે, બજારનો અંડરટોન તેજીનો છે અને બજારમાં મોમેન્ટમ છે. બજાર કોન્સોલિડેશનના સંકેતો બતાવી રહ્યું છે પરંતુ છેલ્લા બે ટ્રેડિંગ દિવસોમાં નિફ્ટીમાં 322 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે કે ઉપરની ગતિ જાળવી શકે છે.
Taboola Feed