ભારતીયોના ૧૧,૬૦૦ કરોડ રૂપિયા કોરિયા ભેગા થશે! | મુંબઈ સમાચાર
Top Newsશેર બજાર

ભારતીયોના ૧૧,૬૦૦ કરોડ રૂપિયા કોરિયા ભેગા થશે!

નિલેશ વાઘેલા

મુંબઇ:
આજે બુધવારે મૂડીબજારમાં મેનિબોડ અને એસએમઇ સેગમેન્ટ મળીને એકસામટા ૧૦ આઇપીઓનું લિસ્ટિંગ થવાનું છે. મૂડીબજારમાં આઇપીઓની વણઝાર આવી રહી છે, ત્યારે એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયાએ દલાલ સ્ટ્રીટ પર પ્રવેશ માટે જે રસ્તો પસંદ કર્યો છે, તેમાં ભારતીય રોકાણકારોના રૂ. ૧૧,૬૦૭ કરોડ સીધા કોરિયન પેરેન્ટ કંપની, એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ક પાસે જતાં રહેશે, કારણ કે આ આઇપીઓ શુદ્ધ ઓફર ફોર સેલ છે.

આ ઓએફએસ હોવાથી તેમાંથી એકે રૂપિયો ભારતમાં રહેશે નહીં અને તેમાંથી એકે રૂપિયાવનો કંપની માટે ઉપયોગ થવાનો નથી, કે કંપની તે માટે બંધાયેલી પણ નથી. આ પગલું હ્યુન્ડાઇ દ્વારા તેની ભારતીય પેટાકંપની દ્વારા મૂલ્ય અનલોક કરવાના તાજેતરના વલણને પ્રતિબિંબિત કરે છે. નોંધવું રહ્યું કે, હ્યુન્ડાઇ ઇન્ડિયાના લિસ્ટિંગમાં મજબૂત સબ્સ્ક્રિપ્શન છતાં રોકાણકારોને નિરાશા સાંપડી હતી.

આ પણ વાંચો: આજે મંગળવારે શેર બજારની સપાટ શરૂઆત; આ શેરોમાં વધારો નોંધાયો

તાજેતરમાં આ ચલણમાં વધારો જોવા મળ્યો છે. હાલમાં જ માર્કેટમાં પ્રવેશેલી ઘણી કંપનીઓના આઇપીઓ માત્ર ઓએફએસ હતા, જોકે ભારતીય રોકાણકારો આવી કંપનીમાં શેરધારક બને છે, પરંતુ નાણાં વિદેશ જતાં રહે છે. તાજેતરમાં પ્રવેશી રહેલી કેનેરા એચએસબીસીનો આઇપીઓ પણ ઓએફએસ છે.

એલજીએ પ્રાઇસ બેન્ડ રૂ. ૧,૦૮૦થી રૂ. ૧,૧૪૦ની રાખી છે, જે કંપનીનું મૂલ્ય રૂ. ૭૩,૦૦૦ કરોડથી રૂ. ૭૭,૦૦૦ કરોડની વચ્ચે આંકે છે, આ આંકડો જોકે કંપનીના અગાઉના આયોજન રૂ. ૧.૩ લાખ કરોડ કરતા ઘણો નીચો છે. એલજી ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડિયા દક્ષિણ કોરિયાના એલજી ઇલેક્ટ્રોનિક્સની ભારતીય શાખા છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button