જાણો દિવાળીમાં શેરબજાર કેટલા દિવસ બંધ રહેશે?

નિલેશ વાઘેલા
મુંબઇ: ઓક્ટોબર ૨૦૨૫માં ધનતેરસ, દિવાળી અને બલિપ્રતિપદા માટે ભારતીય શેરબજાર બંધ રહેશે, જ્યારેે વિક્રમ સંવત ૨૦૮૨ના રોજ ૨૧ ઓક્ટોબરના રોજ ખાસ મુહૂર્ત ટ્રેડિંગ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. સપ્તાહના અંતે ઘણી રજાઓ આવી રહી હોવાથી રોકાણકારોને સતત બજાર બંધ રહેવાનો અનુભવ થશે, જેનાથી તેઓ તેમના પરિવારો સાથે તહેવારોનો આનંદ માણી શકશે.
તહેવારોની મોસમ શરૂ થઈ રહી છે ત્યારે સટોડિયાઓ અને રોકાણકારો શેરબજારની આગામી રજાઓની રાહ જોઈ રહ્યા છે. ધનતેરસ અને દિવાળી નજીક આવી રહી છે, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ) બંનેએ ઓક્ટોબર ૨૦૨૫ માટે તેમના રજાઓનું સમયપત્રક જાહેર કર્યું છે.
સ્ટોક એક્સચેન્જના સમયપત્રક અનુસાર ધનતેરસનો તહેવાર, જે દિવાળીની ઉજવણીની શરૂઆત દર્શાવે છે, તે ૧૮ ઓક્ટોબર (શનિવાર)ના રોજ ઉજવવામાં આવશે. શનિવાર અને રવિવાર (૧૮-૧૯ ઓક્ટોબર) બંને સાપ્તાહિક રજાઓ હોવાથી શેરબજાર બંને દિવસે બંધ રહેશે.
સોમવાર, ૨૦ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ટ્રેડિંગ રાબેતા મુજબ ફરી શરૂ થશે. મુખ્ય દિવાળીનો દિવસ (લક્ષ્મી પૂજન) મંગળવાર, ૨૧ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ છે અને સ્ટોક એક્સચેન્જ આ દિવસ માટે બંધ રહેશે. જોકે, દર વર્ષની જેમ, બીએસઇ અને એનએસઇ બંને આ દિવસે મુહૂર્ત ટ્રેડિંગ તરીકે ઓળખાતું એક કલાકનું ખાસ ટ્રેડિંગ સત્ર યોજશે.
મુહૂર્ત ટ્રેડિંગ ૨૦૨૫ સત્ર બપોરે ૧:૪૫ થી ૨:૪૫ વાગ્યા સુધી ચાલશે, જેમાં પ્રી-ઓપનિંગ સત્ર બપોરે ૧:૩૦ થી ૧:૪૫ વાગ્યા સુધી રહેશે. સત્તાવાર એક્સચેન્જ રજાઓની યાદી અનુસાર, બીજા દિવસે, ૨૨ ઓક્ટોબર (બુધવાર), બજારો બલિપ્રતિપદા નિમિત્તે ફરીથી બંધ રહેશે.
મુહૂર્ત ટ્રેડિંગ સત્ર વિક્રમ સંવત ૨૦૮૨, હિન્દુ નવા વર્ષનો પ્રારંભ દર્શાવે છે. આ એક કલાકનું સત્ર ખૂબ જ શુભ માનવામાં આવે છે અને વેપારીઓ માને છે કે આ સમય દરમિયાન રોકાણ કરવાથી આગામી વર્ષ માટે સમૃદ્ધિ અને નાણાકીય સફળતા મળશે.
દિવાળીના અઠવાડિયા પછી, આગામી બજાર રજા ૫ાંચમી નવેમ્બર, ૨૦૨૫ના રોજ પ્રકાશ ગુરુપુરબ (શ્રી ગુરુ નાનક દેવ જયંતિ) નિમિત્તે રહેશે, જ્યારે ૨૦૨૫ની શેરબજારની છેલ્લી રજા પચીસમી ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ નાતાલ માટે રહેશે.
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પણ ૨૧ અને ૨૨ ઓક્ટોબરે દિવાળી અને બલિપ્રતિપદા માટે બંધ રહેશે.એમસીએક્સ ૨૧ ઓક્ટોબરે આખો દિવસ બંધ રહેશે, ત્યારે તે બીજા દિવસે સાંજના સત્ર માટે ખુલશે. એમસીએક્સ પર મુહૂર્ત ટ્રેડિંગ સત્રનો ચોક્કસ સમય એક અલગ પરિપત્રમાં જાહેર કરવામાં આવશે.
આ પણ વાંચો…તહેવારોમાં સુકા મેવાની ડિમાન્ડમાં જોરદાર વધારોઃ ટ્રમ્પના ટેરિફ બોમ્બ છતાં કરોડોની આયાત વધી