આઈટી શૅરોમાં લેવાલીએ સતત બીજા સત્રમાં સેન્સેક્સમાં ૨૪૧ પૉઈન્ટની અને નિફ્ટીમાં ૯૪ પૉઈન્ટની આગેકૂચ
મુંબઈ: અમેરિકી બજારોમાં મક્કમ વલણના નિર્દેશો સાથે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ આજે ખાસ કરીને આઈટી શૅરોમાં વ્યાપક લેવાલીને ટેકે સતત બીજા સત્રમાં આગેકૂચ જળવાઈ રહી હતી, જેમાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જના ૩૦ શૅરના બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૨૪૧.૮૬ પૉઈન્ટનો અને નેશનલ સ્ટોક એક્સચેન્જના ૫૦ શૅરના બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૯૪.૩૫ પૉઈન્ટનો સુધારો આગળ ધપ્યો હતો. જોકે, આજે સ્થાનિકમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વધુ રૂ. ૨૮૨૮.૯૪ કરોડની વેચવાલી જળવાઈ રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. ૨૧૬૬.૭૨ કરોડની લેવાલી રહી હોવાનું એક્સચેન્જે પ્રાથમિક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે.
આજે સ્થાનિકમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ ગઈકાલના ૭૦,૮૬૫.૧૦ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૭૧,૦૪૫.૬૫ની સપાટીએ ખૂલ્યા બાદ નીચામાં ૭૦,૭૧૩.૫૬ની રેન્જમાં રહ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે ૦.૩૪ ટકા અથવા તો ૨૪૧.૮૬ પૉઈન્ટ વધીને ૭૧,૧૦૬.૯૬ના મથાળે બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી ગઈકાલના ૨૧,૨૫૫.૦૫ના બંધ સામે ૨૧,૨૯૫.૮૫ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૨૧,૨૩૨.૪૫થી ૨૧,૩૯૦.૫૦ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે ૦.૪૪ ટકા અથવા તો ૯૪.૩૫ પૉઈન્ટ વધીને ૨૧,૩૪૯.૪૦ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, સાપ્તાહિક ધોરણે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સમાં ૦.૫૨ ટકાનો અથવા તો ૩૭૬.૭૯ પૉઈન્ટનો અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં ૦.૪૯ ટકા અથવા તો ૧૦૭.૨૫ પૉઈન્ટનો ઘટાડો નોંધાયો છે. એકંદરે સપ્તાહ દરમિયાન રહેલા નરમાઈના વલણને ધ્યાનમાં લેતાં રોકાણકારોએ ઘટ્યા મથાળેથી ખરીદીનો અપનાવેલો વ્યૂહ અપનાવતા આજે સ્મોલ અને મિડકેપ શૅરો લાઈમલાઈટમાં રહ્યા હતા. આ ઉપરાંત અમેરિકાનાં જીડીપીમાં અપેક્ષા કરતાં ધીમી વૃદ્ધિ જોવા મળતાં ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડો થતાં ફેડરલ રિઝર્વ આગામી માર્ચ, ૨૦૨૪થી વ્યાજદરમાં કપાતની શરૂઆત કરે તેવા આશાવાદે બજારનાં સુધારાને ટેકો પૂરોે પાડ્યો હોવાનું જિઓજીત ફાઈનાન્સિયલ સર્વિસીસનાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
ગઈકાલે અમેરિકી બજારમાં જોવા મળેલા સુધારાને પગલે આજે સ્થાનિકમાં આઈટી ક્ષેત્રના શૅરોમાં સુધારો જોવા મળ્યો હતો, જ્યારે પાછોતરા સત્રમાં મેટલ, ઑઈલ ઍન્ડ ગૅસ, ઑટો અને રિઅલ્ટી ક્ષેત્રના શૅરોમાં રોકાણકારોની લેવાલીનો ટેકો મળ્યો હોવાનું મહેતા ઈક્વિટીઝ લિ.નાં રિસર્ચ વિભાગનાં વાઈસ પ્રેસિડૅન્ટ પ્રશાંત તાપ્સેએ જણાવ્યું હતું.
આજે સેન્સેક્સ હેઠળના ૩૦ શૅર પૈકી બાવીસ શૅરના ભાવ વધીને અને આઠ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા, જ્યારે નિફ્ટી હેઠળના ૫૦ શૅર પૈકી ૩૮ શૅરના ભાવ વધીને અને ૧૨ શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. સેન્સેક્સ હેઠળના મુખ્ય વધનાર શૅરોમાં સૌથી વધુ ૬.૫૯ ટકાનો ઉછાળો વિપ્રોમાં જોવા મળ્યો હતો, ત્યાર બાદ અનુક્રમે એચસીએલ ટેક્નોલૉજીસમાં ૨.૮૩ ટકાનો, ટાટા મોટર્સમાં ૨.૨૪ ટકાનો, મારુતી સુઝુકીમાં ૨.૦૧ ટકાનો, ટૅક મહિન્દ્રામાં ૧.૯૬ ટકાનો અને ટાટા સ્ટીલમાં ૧.૯૧ ટકાનો સુધારો આવ્યો હતો, ઘટનાર શૅરોમાં સૌથી વધુ ૧.૧૩ ટકાનો ઘટાડો સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયામાં જોવા મળ્યો હતો. આ સિવાય બજાજ ફાઈનાન્સમાં એક ટકાનો, આઈસીઆઈસીઆઈ બૅન્કમાં ૦.૯૮ ટકા, એચડીએફસી બૅન્કમાં ૦.૯૩ ટકા, એક્સિસ બૅન્કમાં ૦.૬૯ ટકા, ઈન્ડ્સઈન્ડ બૅન્કમાં ૦.૫૦ ટકા, પાવરગ્રીડ કોર્પોરેશનમાં ૦.૨૮ ટકા અને મહિન્દ્રા ઍન્ડ મહિન્દ્રામાં ૦.૦૧ ટકાનો ઘટાડો આવ્યો હતો. વધુમાં આજે બીએસઈ સ્મોલકેપ ઈન્ડેક્સમાં ૧.૦૪ ટકાનો અને મિડકેપ ઈન્ડેક્સમાં ૦.૭૪ ટકાનો સુધારો આવ્યો હતો. આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ પૈકી માત્ર બેઝીક મટિરિયલ ઈન્ડેક્સમાં ૩.૦૫ ટકાનો, ક્ધઝ્યુમર ડિસ્ક્રેશનરી ગૂડ્સ ઍન્ડ સર્વિસીસ ઈન્ડેક્સમાં ૨.૪૦ ટકાનો, ફાઈનાન્સ ઈન્ડેક્સમાં ૧.૫૫ ટકાનો અને બૅન્કેક્સમાં ૦.૬૬ ટકાનો ઘટાડો આવ્યો હતો. આ સિવાયના તમામ ઈન્ડેક્સ વધીને બંધ રહ્યા હતા, જેમાં મુખ્યત્વે રિઅલ્ટી ઈન્ડેક્સમાં ૨.૫૨ ટકાનો, આઈટી ઈન્ડેક્સમાં ૧.૯૩ ટકાનો, મેટલ ઈન્ડેક્સમાં ૧.૯૨ ટકાનો, ટૅક્નૉલોજી ઈન્ડેક્સમાં ૧.૭૫ ટકાનો, ઑટો ઈન્ડેક્સમાં ૧.૩૭ ટકાનો અને હૅલ્થકૅર ઈન્ડેક્સમાં ૧.૨૫ ટકાનો સુધારો આવ્યો હતો. આજે એશિયાના બજારોમાં માત્ર ટોકિયોની બજાર સુધારા સાથે બંધ રહી હતી. આ સિવાય સિઉલ, શાંઘાઈ અને હૉંગકૉંગની બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. તેમ જ યુરોપના બજારોમાં મધ્યસત્ર દરમિયાન મિશ્ર વલણ જોવા મળ્યું હતું. વધુમાં આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૧ ટકા વધીને બેરલદીઠ ૮૦.૧૯ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.