ઇન્ફોસિસની આગેવાનીએ સેન્સેક્સે ૮૧,૧૦૦ની સપાટી પુન: હાંસલ કરી | મુંબઈ સમાચાર
શેર બજાર

ઇન્ફોસિસની આગેવાનીએ સેન્સેક્સે ૮૧,૧૦૦ની સપાટી પુન: હાંસલ કરી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઇ: લેબર ડેટા નબળો આવ્યો બાદ અમેરિકાની ફેડરલ રિઝર્વ આ મહિને વ્યાજદરમાં ઘટાડો જાહેર કરશે એવી આશા વધુ મજબૂત બની રહી હોવાથી એશિયાઇ બજારમાં જળવાઇ રહેલા સુધારા પાછળ સ્થાનિક બજારમાં પણ સતત પાંચમા દિવસે આગેકૂચ જોવા મળી હતી. સ્મોલ અને મિડકેપ શેરોમાં પણ લેવાલી અને સુધારો હતો. એક્સચેન્જનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. ૪૫૨.૭૩ લાખ રૂપિયાથી રૂ. ૧.૧૭ લાખ રૂ. ૪૫૩.૯૦ લાખ રૂપિયા રહ્યું હતું.

ઇન્ફોસિસ સહિતના ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં સુધારા સાથે સેન્સેક્સ ૩૧૪.૦૨ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૮૧,૧૦૧.૩૨ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો, જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૯૫.૪૫ પોઈન્ટ અથવા ૦.૩૯ ટકા વધીને ૨૪,૮૬૮.૬૦ પોઇન્ટની સપાટી પર બંધ થયો હતો.

આ પણ વાંચો: ગિફ્ટ સિટીમાં ઇન્ફોસિસના નવા ડેવલોપમેન્ટ સેન્ટરનો પ્રારંભ, 1000 પ્રોફેશનલ્સને મળશે રોજગારી…

સેન્સેક્સમાં, ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સ, એચસીએલ ટેક્નોલોજીસ અને ટીસીએસમાં એકથી પાંચ ટકા સુધીની તેજી જોવા મળી હતી.

બજાજ ફિનસર્વનો પણ ટોપ ગેઇનર્સમાં સમાવેશ હતો. ૧૧ સપ્ટેમ્બરના રોજ શેર બાયબેક પર વિચાર કરવાની યોજના જાહેર કર્યા પછી ઇન્ફોસિસ ૫.૦૩ ટકા ઊછળતાં આઇટી ક્ષેત્રે લેવાલી વધતાં ઇન્ડેક્સમાં ૨.૮ ટકાનો વધારો થયો હતો. નિફ્ટીના ઉછાળામાં આઇટી શેરોનો હિસ્સો મોટો હતો, જેમાં ઇન્ડેક્સના ટોચના ચાર પ્રદર્શનકારોમાંથી ત્રણ આઇટી ક્ષેત્રના હતા.
સ્ટોક-સ્પેસિફિક કામકાજમાં, બ્લોક ડીલમાં ૮.૧૨ લાખ શેર, એટલે કે લગભગ આઠ ટકા ઇક્વિટીના હસ્તાંતરણ પછી વોલ્ટેમ્પ ટ્રાન્સફોર્મર્સના શેર ૨.૬૦ ટકા ઘટ્યા, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં મોટા ઓર્ડરની ચર્ચાએ ચમકારો હતો. બ્લોક ટ્રેડમાં ૧.૨૩ મિલિયન શેર હસ્તાંતરણ પછી એફએસએન ઇ-કોમર્સ વેન્ચર્સ (નાયકા)ના શેર ૨.૪૦ ટકા ગબડ્યા હતા.
ટાટા પાવર, ટાટા પેસેન્જરે મળીને મેગા ઇવી ચર્જિંગ હબની જાહેરાત કરી છે. ચાઇનાના સ્ટીલ પ્રોગ્રામ ઉપરાંત બ્રોકરેજ કંપનીએ જેએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલ પરનું રેટિંગ ઇક્વલ વેઇટથી સુધારીને ઓવરવેઇટ કર્યું અને સેઇલનું અંડર વેઇટથી સુધારીને ઇક્વલ વેઇટ કર્યું છે. આ કારણે સ્ટીલ શેરોમાં લેવાલી જળવાઇ હતી.

બીએસઇ પર ૧૩૦થી વધુ શેર તેમના બાવન સપ્તાહના ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા હતા, જેમાં કમિન્સ ઇન્ડિયા, મહારાષ્ટ્ર સ્કૂટર્સ, આઇશર મોટર્સ, મુથૂટ ફાઇનાન્સ, આદિત્ય બિરલા કેપિટલ, મારુતિ સુઝુકી, બોશ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એન્ડ્યુરન્સ ટેક્નોલોજીસ, મણપ્પુરમ ફાઇનાન્સ વગેરેનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Quality Work: પુણેના એન્જિનિયરે ઇન્ફોસિસની નોકરી છોડી, કારણો જાણશો તો ચોંકી જશો!

બજારના સાધનોએ જણાવ્યું હતું કે, આજે, મુખ્યત્વે આઇટી ક્ષેત્રમાં મજબૂત વધારા, અનુકૂળ વૈશ્ર્વિક સંકેતો અને લાર્જ કેપ શેરોમાં રોકાણકારોના વિશ્વાસને કારણે. ભારતીય શેરબજાર સકારાત્મક નોંધ સાથે બંધ થયું છે. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર નિફ્ટીનો અંડરટોન મંજબૂત જણાઇ રહ્યો છે. જીએસટીના અમલ સાથે અર્થતંત્રને વધુ ગતિ મળશે અને ભારતીય શેરબજારમાં રોકાણકારોનો વિશ્ર્વાસ વધશે.

મોસચીપ ટેકનોલોજીના શેરમાં સાત સત્રમાં ૫૯ ટકાના ઉછાળા બાદ ૧૦ ટકાનો કડાકો નોંધાયો હતો. ટેક્નિકલ એનાલિસ્ટ અનુસાર શેર ઓવરબોટ પોઝિશનમાં હોવાથી કડાકો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટનારા સેન્સેક્સના શેરોમાં ટ્રેન્ટ, ઇટર્નલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને એનટીપીસીનો સમાવેશ હતો. વ્યાપક બજારમાં સ્મોલકેપ અને મિડકેપ શેરઆંક અનુક્રમે ૦.૩ ટકા અને ૦.૨ ટકા વધ્યા હતા.

નિફ્ટીના સૌથી વધુ વધનારા શેરોમાં ઇન્ફોસિસ, ડો. રેડ્ડીઝ લેબ્સ, વિપ્રો, ટેક મહિન્દ્રા, અદાણી પોર્ટ્સનો સમાવેશ હતો, જ્યારે સૌથી વધુ ઘટેલા શેરોમાં ઇટર્નલ, ટ્રેન્ટ, જિયો ફાઇનાન્શિયલ, ટાટા મોટર્સ, ટાઇટન કંપનીનો સમાવેશ રહ્યો હતો. સેકટરલ ધોરણે, આઇટી ઇન્ડેક્સ ૨.૮૦ ટકા, ફાર્મા ઇન્ડેક્સ અને એફએમસીજી ઇન્ડેક્સ ૦.૫૦ ટકા વધ્યો હતો, જ્યારે ઓઇલ એન્ડ ગેસ તથા રિયલ્ટી ઇન્ડેક્સ ૦.૩૦ ટકા ઘટ્યા હતા.

જોકે, એફઆઇઆઇની એકધારી વેચવાલી પણ સેન્ટિમેન્ટ બગાડી રહી છે. એક્સચેન્જ ડેટા અનુસાર, સોમવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ રૂ. ૨૧૭૦.૩૫ કરોડના ઇક્વિટી શેર વેચ્યા હતા, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઇઆઇ)એ રૂ. ૩૦૧૪.૩૦ કરોડના શેર ખરીદ્યા હતા. ગ્લોબલ ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૮૦ ટકાના ઉછાળા સાથે ૬૬.૫૫ ડોલર પ્રતિ બેરલ બોલાયું હતું. સોમવારેે, સેન્સેક્સ ૭૬.૫૪ પોઈન્ટ અથવા ૦.૦૯ ટકા વધીને ૮૦,૭૮૭.૩૦ પર અને નિફ્ટી ૩૨.૧૫ પોઈન્ટ અથવા ૦.૧૩ ટકા વધીને ૨૪,૭૭૩.૧૫ પોઇન્ટ પર બંધ થયો હતો.

સેન્સેક્સ સમાવિષ્ટ શેરોમાં મુખ્યત્વે ઈન્ફોસિસ ૫.૦૩ ટકા, ટેક મહિન્દ્ર ૨.૪૨ ટકા, અદાણી પોર્ટ્સ ૨.૪૦ ટકા, એચસીએલ ટેકનોલોજી ૧.૭૮ ટકા, ટાટા ક્ધસલ્ટન્સી ૧ ટકા, સન ફાર્મા ૦.૯૩ ટકા અને બજાજ ફિનસર્વ ૦.૮૦ ટકા વધ્યા હતા, જ્યારે ટ્રેન્ટ ૧.૭૯ ટકા, ઈટર્નલ ૧.૧૮ ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટ ૦.૯૧ ટકા, એનટીપીસી ૦.૭૫ ટકા, ટાઈટન ૦.૫૫ ટકા અને ટાટા મોટર્સ ૦.૫૪ ટકા ઘટ્યા હતા.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button