શરૂઆત ઘટાડા બાદ શેર બજારમાં તેજી! સેન્સેક્સ-નિફ્ટીમાં ઉછાળો, આ શેરોમાં વધારો

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, ત્યાર બાદ શેરબજારમાં તેજી જોવા મળી છે. બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જ(BSE)નો ૩૦ શેર વાળો બેન્ચમાર્ક ઈન્ડેક્સ, સેન્સેક્સ 24 પોઈન્ટના ઘટાડા સાથે 84,380 પર ખુલ્યો. જ્યારે નેશનલ સ્ટોક્સ એક્સચેન્જ(NSE)નો 50 શેર વાળો સંવેદનશીલ બેન્ચમાર્ક ઈન્ડેક્સ નિફ્ટી 14 પોઈન્ટના ઘટાડા સાથે 25,864 પર ખુલ્યો. ઘટાડા સાથે શરુઆત બાદ બંને ઇન્ડેક્સમાં વધારો નોંધાયો.
મારુતિ સુઝુકી, બજાજ ફાઇનાન્સ, TCS, ટાઇટન કંપની અને SBI ના શેરોમાં તેજી જોવા મળી રહી છે. જ્યારે, મેક્સ હેલ્થકેર, સિપ્લા, NTPC, ઇન્ટરગ્લોબ એવિએશન અને હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ઘટાડો નોંધાયો.
શરૂઆતના કારોબારમાં પાવર, મેટલ્સ અને હેલ્થકેર સિવાય લગભગ તમામ સેક્ટોરલ ઇન્ડેક્સ વધારા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં. FMCG, ઓઇલ અને ગેસ, રિયલ્ટી અને ઓટો સેક્ટોરલ ઇન્ડેક્સમાં 0.5% થી 1% નો વધારો જોવા મળી રહ્યો છે. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં પણ સારો વધારો નોંધાઈ રહ્યો છે.
એશીયન બજારોમાં સકારત્મક વલણ:
ગઈ કાલે કોરિયામાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે બેઠકમાં મહત્વના નિર્ણયો થયા હતાં. યુએસએ ચીન પર ટેરીફ ઘટાડ્યો અને બંને દેશો વચ્ચે ખનીજ સોદો પણ થયો, જેની સકારાત્મક અસર એશિયન બજારોમાં જોવા મળી રહી છે. જાપાનનો નિક્કી 225 1.7 ટકા વધીને નવો રેકોર્ડ બનાવ્યો, જ્યારે ટોપિક્સ 0.79 ટકા વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.20 ટકા વધ્યો અને કોસ્ડેક 0.47 ટકા વધ્યો.
સવારે 10.20 વાગ્યે સેન્સેક્સ અને નિફ્ટી સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતાં.
 
 
 
 


