શેર બજાર

ભારતીય શેરબજારમાં જોવા મળી તેજી , જાણો આગામી સપ્તાહે કેવું રહેશે બજાર

મુંબઈ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરની જાહેરાત અને રાહત આપવાના નિણર્ય વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં ભારે ઉથલ પાથલ જોવા મળી. જેમાં ભારતીય શેરબજારના તેની વ્યાપક અસર જોવા મળી હતી. જોકે, રાહતની જાહેરાત બાદ ભારતીય શેરબજાર ફરી એકવાર પોઝિટિવ સેન્ટિમેન્ટ જોવા મળ્યું છે. છેલ્લા અઠવાડિયા દરમિયાન શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 6 ટકા સુધીનો વધારો જોવા મળ્યો. તેમજ વિદેશી રોકાણકારોના વળતર, ફુગાવાના દરમાં ઘટાડો અને સારા ચોમાસાની અપેક્ષાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે. જેના પગલે આગામી સપ્તાહે બજારનો મૂડ પોઝિટિવ હોવાના સંકેત મળી રહ્યા છે.

રોકાણકારોની સંપત્તિમાં 25.77 લાખ કરોડ રૂપિયાનો વધારો

ગત સપ્તાહમાં સેન્સેક્સ 4706.05 પોઈન્ટ એટલે કે 6. 37 ટકા વધ્યો. જ્યારે નિફ્ટી ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન 6.48 ટકા એટલે કે 1452.5 પોઈન્ટ વધ્યો હતો. જેના લીધે રોકાણકારોની સંપત્તિમાં 25.77 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો. આ સાથે બીએસઇ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલ 419 લાખ કરોડ સુધી પહોંચી છે.

ભારતીય શેરમાં 1 બિલિયન ડોલરથી વધુનું વિદેશી રોકાણ થયું

શુક્રવારે ગુડ ફ્રાઈડેના કારણે શેરબજાર બંધ હતું અને ત્યારબાદ શનિવાર અને રવિવારે પણ બંધ રહેશે. બજારના નિષ્ણાતો કહે છે કે શેરબજારમાં આટલા સકારાત્મક વલણનું કારણ વિદેશી રોકાણનો પ્રવાહ, યુએસ દ્વારા ટેરિફ પર લાદવામાં આવેલ 90 દિવસનો વિરામ અને આરબીઆઈ દ્વારા નાણાકીય નીતિ હળવી કરવાની અસર છે. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજારમાં ઘણી અનિશ્ચિતતાઓ હોવા છતાં આ બધા પરિબળોએ ભારતીય બજારને પુનરાગમન કરવામાં મદદ કરી છે. જ્યારે પ્રોવિઝનલ એક્સચેન્જ ડેટા અનુસાર છેલ્લા બે ટ્રેડિંગ સત્રો દરમિયાન ભારતીય શેરમાં 1 બિલિયન ડોલરથી વધુનું વિદેશી રોકાણ થયું છે.

આ પણ વાંચો: ભારત ટેરિફના ફટકામાંથી બહાર આવી જનાર પ્રથમ મુખ્ય શેરબજાર બન્યું!

બજારમાં આ સકારાત્મક સંકેત પાછળ ટ્રમ્પ સરકાર દ્વારા ટેરિફ પર રાહત આપવાની તેમજ અન્ય દેશો સાથે સંભવિત વાટાઘાટો માટે માર્ગ ખોલવાના નિર્ણયથી બજારને મજબૂતી મળી છે. ટેરિફ વોર વચ્ચે આનાથી રોકાણકારોને રાહત મળી છે અને તેની અસર વૈશ્વિક શેરબજારમાં જોવા મળી રહી છે.

રિટેલ ફુગાવાના દરમાં ઘટાડો

આ ઉપરાંત, 9 એપ્રિલે ભારતીય રિઝર્વ બેંક દ્વારા સતત બીજી વખત રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવાથી પણ રોકાણકારોનો વિશ્વાસ વધ્યો છે. સૌથી મહત્વની વાત એ છે કે આરબીઆઈ એ પોતાનું વલણ બદલ્યું છે અને હવે તેને તટસ્થ બનાવવાને બદલે બજારને પ્રોત્સાહન આપ્યું છે. આ ઉપરાંત, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવાનો દર ઘટીને 3.34 ટકા થયો છે, જે છેલ્લા છ વર્ષમાં સૌથી ઓછો છે. રિટેલ ફુગાવાના દરમાં ઘટાડો થવાનો અર્થ એ છે કે શાકભાજી અને પ્રોટીન સંબંધિત અન્ય વસ્તુઓ સસ્તી થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button