ભારતીય શેરબજારની ફ્લેટ શરૂઆત, સેન્સેક્સ નિફ્ટીમાં શરૂઆતી વધારા બાદ ઘટાડો નોંધાયો

મુંબઇ : ભારતીય શેરબજારમાં આજે વૈશ્વિક સકારાત્મક વલણ વચ્ચે બજારની ફ્લેટ શરૂઆત થઈ હતી. જેમાં આજે સેન્સેક્સ 56 પોઇન્ટના વધારા સાથે 82116 પર ખૂલ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પોઇન્ટના વધારા સાથે 24,996ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે થોડી વારમાં સેન્સેક્સમાં 151. 95 નો અને નિફ્ટીમાં 73.60 પોઇન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ કંપનીઓમાં ઇટરનલ , ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, ટેક મહિન્દ્રા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક અને અદાણી પોર્ટ્સ ઘટાડો જોવા મળ્યો. જ્યારે બીજી તરફ પાવર ગ્રીડ, બજાજ ફાઇનાન્સ, એનટીપીસી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને ઇન્ડસઇન્ડ બેંકના શેરોમાં તેજી જોવા મળી.
મિડકેપ શેરોએ તુલનાત્મક રીતે સારું પ્રદર્શન કર્યું
જોકે, શરૂઆતના વેપારમાં મિડકેપ શેરોએ તુલનાત્મક રીતે સારું પ્રદર્શન કર્યું. નિફ્ટી મિડકેપ 100 310 પોઈન્ટ વધીને 57,415.75 પર ખુલ્યો. પરંતુ બજારમાં ખૂલતાંની સાથે થોડી મિનિટોમાં જ ઘટાડો જોવા મળ્યો.
યુએસ રેટિંગ ઘટાડાની બજાર પર અસર
ઉલ્લેખનીય છે કે, સોમવારે ભારતીય શેરબજારોમાં સતત બીજા દિવસે ઘટાડો ચાલુ રહ્યો. આ નબળા વૈશ્વિક સંકેતો, આઇટી શેરોમાં ભારે વેચવાલી અને વધતી જતી અસ્થિરતાને કારણે છે. જેમાં મૂડીઝે અમેરિકાનું રેટિંગ ડાઉનગ્રેડ કરીને ‘AA1’કર્યું છે, કારણ કે તેના પર 36,000 બિલિયન ડોલરનું દેવું છે. આનાથી રોકાણકારોના સેન્ટિમેન્ટ પર અસર પડી.
આપણ વાંચો: ડૉલર ઈન્ડેક્સ નબળો પડતાં વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો
એશિયન બજારો
ચાર સત્રોમાં પહેલી વાર એશિયન શેરબજારમાં વધારો થયો. જાપાનનો નિક્કી 0.50 ટકા વધીને 37686 પર બંધ થયો. કોરિયાનો કોસ્પીમાં પણ વધારો જોવા મળ્યો હતો.