સપ્તાહના છેલ્લા દિવસે શેરબજારની ઘટાડા સાથે શરૂઆત; વૈશ્વિક સંકેતોની અસર!

મુંબઈ: આજે અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેર બજારે ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. સવારે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 66.89 પોઈન્ટ ઘટીને 83,400.77 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 25.20 પોઈન્ટના ઘટાડા સાથે 25,560 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.
આજે શરૂઆતના કરોબારમાં BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ સ્થિર જોવા મળ્યા. સેકટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો આઇટી ઇન્ડેક્સમાં લગભગ 1%નો ધટાડો નોંધાયો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સમાં પણ 1% વધારો નોંધાયો, જ્યારે ઓટો સેક્ટર ઇન્ડેક્સમાં પણ 0.5%નો વધારો થયો.
આજે શરૂઆતના કારોબારમાં એશિયન પેઇન્ટ્સ, મેક્સ હેલ્થકેર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, શ્રીરામ ફાઇનાન્સ, મારુતિ સુઝુકીના શેરોમાં સૌથી વધારે ઉછાળો નોંધાયો. જયારે ટેક મહિન્દ્રા, હિન્દાલ્કો, એસબીઆઈ લાઇફ ઇન્શ્યોરન્સ, ઓએનજીસી, સિપ્લાના શેરમાં ઘટાડો નોંધાયો.
વૈશ્વિક સંકેતો:
ગઈ કાલે શુક્રવારે વોલ સ્ટ્રીટમાં ઘટાડો નોંધાયો હતો. S&P 500 અને Nasdaq સ્ટોક ફ્યુચર્સ બંને 0.3% ઘટાડા સાથે બંધ થયા. યુરોપિયન સ્ટોક ફ્યુચર્સ 0.7% અને FTSE સ્ટોક ફ્યુચર્સ 0.9% ઘટાડા સાથે બંધ થયા હતાં.
યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ટૂંક સમયમાં બેઠક કરી શકે છે, આ અહેવાલને કારણે ઓઈલની કિંમતમાં 1%નો ઘટાડો નોંધાયો છે. યુએસ ક્રૂડ 0.7% ઘટીને $57.04 પ્રતિ બેરલ થયું, જ્યારે બ્રેન્ટ પણ 0.7% ઘટીને $60.63 પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.
આપણ વાંચો: સચિન તેંડુલકરનું નામ જોડતા આ કંપનીના શેર બન્યા રોકેટ! કંપનીએ કરી આવી સ્પષ્ટતા