
મુંબઈ: વૈશ્વિક અનિશ્ચિતતાઓની અસર ભારતીય શેર બજાર પર પણ જોવા મળી રહી છે, આજે બુધવારે ભારતીય શેરબજારે મોટા ઘટાડા સાથે કારોબાર શરુ કર્યો. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 442 પોઈન્ટના ઘટાડા સાથે 84,620 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 35 પોઈન્ટના ઘટાડા સાથે 26,143 પર ખુલ્યો.
શરૂઆતના કારોબારમાં ટાઇટન કંપની, જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ, ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, લોઢા ડેવલપર્સ, યસ બેંક, IRB ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટ્રસ્ટ, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ, બાયોકોન અને ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન જેવા શેરોમાં વધારો નોંધાઈ રહ્યો છે.
ગઈ કાલે મંગળવારે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. BSE સેન્સેક્સ 376.28 પોઈન્ટ (0.44%)ના ઘટાડા સાથે 85,063.34 પર બંધ થયો. NSE નિફ્ટી 50 ઈન્ડેક્સ 71.60 પોઈન્ટ (0.27%)ના ઘટાડા સાથે 26,178.70 પર બંધ થયો હતો.
એશિયન બજારો પર નજર:
આજે શરૂઆતના કારોબારમાં એશિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે, ઓસ્ટ્રેલિયાના બેન્ચમાર્ક ઇન્ડેક્સ ASX/S&P 200માં 0.38%નો વધારો નોંધાયો, જાપાનના નિક્કી 225માં 0.45%નો ઘટાડો નોંધાયો, જ્યારે ટોપિક્સમાં 0.63%નો ઘટાડો નોંધાયો. દક્ષિણ કોરિયાના કોસ્પીમાં 1.89% નો વધારો નોંધાયો, જ્યારે સ્મોલ-કેપ કોસ્ડેકમાં 0.12%નો વધારો નોંધાયો.
ગિફ્ટ નિફ્ટીના તેના અગાઉના બંધ કરતા 67 પોઈન્ટ(0.25%)ના ઘટાડા સાથે 26,214.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
આ પણ વાંચો…રિલાયન્સના શેરમાં જોરદાર કડાકો? જાણો શું છે કારણ!
યુએસ બજારોમાં તેજી:
ગઈ કાલે મંગળવારે યુએસના બજારો વધારા સાથે બંધ રહ્યા હતાં. S&P 500 0.62%ના વધારા સાથે 6,944.82 પર બંધ થયો, જ્યારે નાસ્ડાક 0.65%ના વધારા સાથે 23,547.17 પર બંધ થયો. ડાઉ જોન્સ 0.99%ના વધારા સાથે 49,462.08 પર બંધ થયો.
ક્રુડ ઓઈલના ભાવ ઘટ્યા:
વેનેઝુએલાથી ઓઈલ મેળવવાની ટ્રમ્પની જાહેરાત બાદ બુધવારે યુએસ ક્રૂડ ઓઇલના ભાવમાં 1% થી વધુનો ઘટાડો નોંધાયો છે. યુએસ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ 88 સેન્ટ(1.54%) ઘટીને $56.25 પ્રતિ બેરલ થયું હતું, જે પાછલા સેશનમાં $1.19(2.04%) ઘટ્યો હતો. હજુ પણ ક્રૂડ ઓઇલના ભાવમાં ઝડપથી નીચા આવી શકે છે.
રૂપિયો મજબુત થયો:
ડોલરની નબળાઈ અને વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર ઘટાડાને કારણે શરૂઆતના કારોબારમાં ડોલર સામે રૂપિયો 26 પૈસા મજબુત થઈને 89.92 પર પહોંચ્યો હતો.



