ફ્લેટ શરૂઆત બાદ શેરબજારમાં ઘટાડો, એશિયન બજારોની પણ નબળી શરૂઆત

મુંબઈ: ભારતીય શેર બજારે આજે ફ્લેટ શરૂઆત નોંધાવી હતી. બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 50.93 પોઈન્ટના વધારા સાથે 82,685.41ના સ્તર પર, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી પણ 21.65 પોઈન્ટના નજીવા વધારા સાથે 25,233.70 પર ખુલ્યો હતો. બેંક નિફ્ટી પણ નજીવા વધારા સાથે 57,100 પર ખુલ્યો હતો. નિફ્ટી મિડકેપ-100 0.21% વધીને 59,745 પર ખુલ્યો હતો. સપાટ શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટમાં ઘટાડો નોંધાયો છે.
આજે ગુરુવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલર સામે રૂપિયો 12 પૈસા મજબુત થઇને 85.80 પર પહોંચ્યો હતો.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલને હટાવવાની શક્યતાને નકારી કાઢ્યા હતાં પણ એશિયન બજારમાં રોકાણકારો સાવધાન રહ્યા હતાં, ગુરુવારે એશિયન શેરબજારોએ નબળી શરૂઆત નોંધાવી.
જાપાનની નિકાસમાં સતત બીજા મહિને ઘટાડો નોંધાયો છે, જેને કારણે જાપાનનો નિક્કી-225 ઇન્ડેક્સ 0.6 ટકાના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે ટોપિક્સ ઇન્ડેક્સમાં 0.11 ટકાનો ઘટાડો થયો. શરૂઆતના કારોબારમાં દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ 0.26 ટકા ઘટ્યો, જ્યારે KOSDAQ ઇન્ડેક્સ લગભગ સપાટ રહ્યો. યુએસ બજારો ગઈકાલે સામાન્ય વધારા સાથે બંધ થયા હતાં.