ભારતીય શેરબજારમા આજે ફરી જોવા મળી શકે છે તેજી, આ છે કારણો

મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરથી વિશ્વભરના શેરબજારોમા મચેલી ઉથલ પાથલ અન્ય બે જાહેરાતો બાદ થોડા અંશે અટકી છે. જેમા અમેરિકા સહિત અન્ય બજારોમા સુધારો જોવા મળ્યો છે. ત્યારે આજે ભારતીય શેરબજારમાં પણ તેની અસર જોવા મળી શકે છે. નિષ્ણાતોના મતે આજે બજારમા ભારે તેજી પરત ફરી શકે છે.
એશિયન બજારોનું મજબૂત પ્રદર્શન
ભારતીય શેરબજારમાં તેજી પરત આવવાનું કારણ એશિયન બજારોનું મજબૂત પ્રદર્શન છે જેમાં યુએસ રાષ્ટ્રપતિ દ્વારા ટેરિફ રાહતની જાહેરાતનો સમાવેશ થાય છે. સોમવારે ટ્રમ્પ દ્વારા વિશ્વભરના દેશોને 90 દિવસની ટેરિફ રાહત આપ્યા બાદ યુએસ બજારો ડાઉ જોન્સ, નાસ્ડેક અને એસ એન્ડ પીમાં જોરદાર તેજી જોવા મળી. જ્યારે એશિયન બજારોમાં ઝડપી વધારો જોવા મળ્યો. ડોનાલ્ડ ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર અને અન્ય ઇલેક્ટ્રોનિક્સ સામાન પર ટેરિફ મુક્તિની જાહેરાત કર્યા પછી નિક્કી 225, દક્ષિણ કોરિયાનો કોસ્પી ઇન્ડેક્સ અને હોંગકોંગનો હેંગ સેંગ ઇન્ડેક્સ મજબૂત વધારા સાથે બંધ થયા.
ભારતીય બજારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે
હાલ SGX NIFTY પણ આજે ભારતીય બજારમાં મોટી તેજીનો સંકેત આપી રહ્યું છે. SGX નિફ્ટી એક નિફ્ટી ઇન્ડેક્સ ડેરિવેટિવ છે. જે ભારતીય નિફ્ટી ઇન્ડેક્સના પ્રદર્શનની આગાહી અને દેખરેખ રાખવામાં મદદ કરે છે. મંગળવારે SGX નિફ્ટી 266.50 પોઈન્ટના વધારા સાથે 23,289 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. આ સૂચવે છે કે આજે ભારતીય બજારમાં મોટો ઉછાળો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: શેર બજાર: લિવરેજિંગનાં જોખમને સમજી લો…
ભારતીય શેરબજારમાં ફરી એકવાર મજબૂત તેજી આવી શકે છે. જ્યારે બજારમાં તેજી પાછી આવશે ત્યારે સ્મોલ-કેપ અને મિડ-કેપ શેરોમાં વધારો જોવા મળી શકે છે. માર્ચ 2026 માટે નિફ્ટીનો લક્ષ્યાંક 26000 રાખ્યો છે. આનો અર્થ એ કે શેરબજારના રોકાણકારો માટે સારા દિવસો આવી રહ્યા છે.
બજારમાં સેન્ટિમેન્ટ સુધરશે
શેરબજારના નિષ્ણાતોનું કહેવું છે કે આજે આરબીઆઇ દ્વારા રેપો રેટમાં ઘટાડાની અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળશે. આનાથી બજારમાં સેન્ટિમેન્ટ સુધરશે અને તેજી પાછી આવી શકે છે.રોકાણકારો કંપનીઓના પરિણામો પર પણ નજર રાખશે. જે બજારને મજબૂત બનાવી શકે છે.
શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો
ભારત સહિત વિવિધ દેશો પર લાદવામાં આવેલા ટેરિફને ત્રણ મહિના માટે મુલતવી રાખવાના અમેરિકન સરકારના નિર્ણયને કારણે શુક્રવારે ભારતીય શેરબજારમા ભારે ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સ 1310 પોઈન્ટ ઉછળ્યો જ્યારે નિફ્ટી 429 પોઈન્ટ ઉછળ્યો. શેરબજારમાં આવેલા જબરદસ્ત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 7.85 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો.