ગત અઠવાડિયામાં શેરબજારમાં ₹16 લાખ કરોડ ધોવાયા: આ કારણો રહ્યા જવાબદાર

મુંબઈ: ગત અઠવાડિયું ભારતીય શેર બજારના રોકાણકારો માટે નિરાશાજનક રહ્યું, સોમવારથી શુક્રવાર સુધીના માત્ર પાંચ દિવસમાં રોકાણકારોના ₹16 લાખ કરોડ ધોવાઈ ગયા. પાંચ દિવસમાં બોમ્બે સ્ટોક્સ એક્સચેન્જનો ઇન્ડેક્સ સેન્સેક્સ 2,587 પોઈન્ટનો ઘટ્યો, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જનો ઇન્ડેક્સ નિફ્ટી-50 જ્યારે 631.80 પોઈન્ટ ઘટ્યો.
માત્ર શુક્રવારે જ શેરબજારમાં આશરે રૂ.7 લાખ કરોડનું ગાબડું પડ્યું, એક દિવસમાં જ સેન્સેક્સ 733.22 પોઈન્ટ ઘટીને ઘટીને 80,426.46 પર બંધ થયો. નિફ્ટી-50 પણ 236.15 પોઈન્ટ ઘટીને 24,654.70 પોઈન્ટ પર બંધ થયો.
ભારતીય શેર બજારમાં આ ઘટાડા પાછળ બાહ્ય કારણો વધુ જવાબદાર રહ્યા, ખાસ કરીને યુએસમાં ફાર્માસ્યુટિકલ પર ટેરીફ અને H-1B વિઝા પર ફીને કારણે શેર બજાર પર દબાણ બન્યું હતું.
H-1B વિઝા પર તોતિંગ ફી:
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે H-1B વિઝા પર 1,00,000 ડોલરની ફી જાહેર કરતા ખળભળાટ મચી ગયો છે, યુએસની IT કંપનીઓમાં કામ કરતા વિદેશી કર્મચારીઓને આ નિર્ણયની માઠી અસર થઇ છે. જેની અસર ભારતના IT શેરો પર થઇ છે, ગત અઠવાડિયે IT શેરોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.
TCS, HCLTech, Infosys જેવી અગ્રણી ભારતીય IT કંપનીઓના શેરમાં શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો હતો. Nifty IT ઇન્ડેક્સ 8% તુટ્યો હતો. TCS ના શેરમાં સૌથી વધુ ઘટાડો નોધાયો. TCSના શેર 52 અઠવાડિયાના તળિયે પહોંચી ગયા છે.
TCS માટે ગત અઠવાડિયું માર્ચ 2020 પછીનું સૌથી ખરાબ રહ્યું. ગત અઠવાડિયે IT શેરોમાં ઘટાડાને કારણે માર્કેટ કેપમાં 2 લાખ કરોડ રૂપિયાથી વધુનું ગાબડું પડ્યું.
ફાર્માસ્યુટિકલ પર વધારાનો ટેરીફ:
યુએસએ 1 ઓક્ટોબરથી બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓની આયાત પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરી છે, જેને કારણે ભારતની ફાર્મા કંપનીઓને મોટો ફટકો પડે શકે એમ છે. શુક્રવારે સન ફાર્મા, લુપિન, અરબિંદો ફાર્મા, ગ્લેન્ડ ફાર્મા અને સિપ્લા સહિત ભારતની લગભગ તમામ ફાર્મા કંપનીઓના શેરમાં તોતિંગ ઘટાડો નોંધાયો. ઘણી ફાર્મા કંપનીઓન શેર 10% સુધી ઘટ્યા. સન ફાર્માના શેર 52 અઠવાડિયાના તળિયે આવી ગયા છે.
વિદેશી રોકાણકારોનો વિશ્વાસ ઘટ્યો:
વિવધ કારણોસર ભારતીય શેરબજાર પર દબાણ સતત વધી રહ્યું છે, જેને કારણે વિદેશી રોકાણકારો ભારતીય બજારમાં રોકાણ ઘટાડી રહ્યા છે. માત્ર શુક્રવારે એક જ દિવસમાં વિદેશી રોકાણકારોએ ₹16,057.38 કરોડના ડોમેસ્ટિક શેર વેચ્યા હતા.
ડોલર સામે રૂપિયો નબળો પડ્યો:
સોમવારથી ડોલર સામે રૂપિયો સતત ઘટી રહ્યો છે, જેની અસર ભારતીય શેરબજાર પર પડી હતી. ડોલર સામે રૂપિયો નબળો પડીને 88 ની આસપાસ પહોંચી ગયો.
આપણ વાંચો: અમેરિકાની ૧૦૦ ટકાની ટેરિફની જાહેરાતે ફાર્મા શેરોમાં કડાકા