ભારતીય શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડો, સેન્સેક્સ અને નિફ્ટીમાં કડાકો

મુંબઈ : ભારતીય શેરબજાર સપ્તાહના પ્રથમ દિવસે ઘટાડા સાથે ખૂલ્યું હતું. જેમાં આજે સેન્સેક્સ 236.59 પોઈન્ટના ઘટાડા સાથે 81,214.42 પોઈન્ટ પર ખુલ્યો. તેમજ નિફ્ટી 81.00 પોઈન્ટના ઘટાડા સાથે 24,669.70 પોઈન્ટ પર ખુલ્યો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સની મોટાભાગની મોટી કંપનીઓના શેર નુકસાન સાથે ટ્રેડ થતા જોવા મળ્યા. જ્યારે બાદના સેન્સેક્સના 593 પોઈન્ટ અને નિફ્ટીમાં 161 પોઇન્ટ ઘટાડો થયો હતો.
સેન્સેક્સની 30માંથી 22 કંપનીઓમાં ઘટાડો
સોમવારે, સેન્સેક્સની 30 કંપનીઓમાંથી ફક્ત 8 કંપનીઓ વધારા સાથે ટ્રેડ કરતી હતી અને બાકીની 22 કંપનીઓ ઘટાડા સાથે ટ્રેડ કરી રહી હતી. જ્યારે નિફ્ટી 50 કંપનીઓમાંથી ફક્ત 13 કંપનીઓએ વધારા સાથે ટ્રેડ કરતી હતી જ્યારે 37 કંપનીઓમાં નુકસાન જોવા મળ્યું હતું. સેન્સેક્સની કંપનીઓમાં હિન્દુસ્તાન યુનિલિવરના શેર આજે સૌથી વધુ 1.09 ટકાના વધારા સાથે ખુલ્યા અને ટાટા સ્ટીલના શેર આજે સૌથી વધુ 1.58 ટકાના ઘટાડા સાથે ખુલ્યા હતા.
એશિયન બજારોમાં મંદી
સોમવારે એશિયન બજારોમાં પણ ઘટાડો જોવા મળ્યો. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્ટીલ પરની આયાત ડ્યુટી 50 ટકા કરી છે જે 4 જૂનથી અમલમાં આવશે. જાપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 0.89 ટકા ઘટ્યો, ટોપિક્સ 0.65 ટકા ઘટ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી થોડો 0.16 ટકા વધ્યો, પરંતુ કોસ્ડેક સ્થિર રહ્યો. હોંગકોંગનો હેંગ સેંગ ફ્યુચર્સ પણ નબળી શરૂઆત તરફ ઈશારો કરી રહ્યો હતો. ચીન, મલેશિયા અને ન્યુઝીલેન્ડના બજારો રજાના કારણે બંધ રહ્યા.
વોલ સ્ટ્રીટ પર મિશ્ર વલણ જોવા મળ્યું
શુક્રવારે અસ્થિર વેપાર પછી યુએસ બજારો લગભગ સપાટ બંધ થયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે પહેલા ચીનની ટીકા કરી પછી વેપાર સોદા અંગે આશાવાદી નિવેદન આપ્યું. ડાઉ જોન્સ 54 પોઈન્ટ વધીને 42,270.07 પર બંધ થયો. S&P 500 ઇન્ડેક્સ માંડ 0.48 પોઇન્ટ ઘટીને 5,911.69 પર બંધ થયો અને નાસ્ડેક 62 પોઇન્ટ ઘટીને 19,113.77 પર બંધ થયો. મે મહિનામાં, એસએન્ડપી 500 લગભગ 6.2 ટકા વધ્યો હતો અને નાસ્ડેક 9.6 ટકા વધ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ભારતીય શેરબજાર ગયા સપ્તાહે શુક્રવારે સેન્સેક્સ 182.01 પોઈન્ટના ઘટાડા સાથે 81,451.01 પોઈન્ટ પર બંધ થયો હતો અને નિફ્ટી 82.90 પોઈન્ટ ના ઘટાડા સાથે 24,750.70 પોઈન્ટ પર બંધ થયો હતો.
આ પણ વાંચો…ડૉલર સામે રૂપિયામાં ત્રણ સત્રના ધોવાણને બ્રેક, 50 પૈસાનો ઉછાળો…