ખુલતાની સાથે જ બજાર તૂટ્યું! સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો ઘટાડો

મુંબઈ: આજે અઠવાડિયાના બીજા કારોબારી દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે ખુલ્યું. આજે બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 195.28 પોઈન્ટના ઘટાડા સાથે 84,755.67 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી 57.40 પોઈન્ટના ઘટાડા સાથે 25,956.05 પર ખુલ્યો. શરૂઆતના કરોબારમાં માર્કેટ બ્રેડ્થ પણ નબળી હતી, 1025 શેરોમાં વધારો, 1385 શેરમાં ઘટાડો અને 164 શેરમાં કોઈ ફેરફાર ન નોંધાયો.
વૈશ્વિક બજારોમાં નબળા સંકેતોની સીધી અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે, જેને કારણે શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ઘટાડો નોંધાયો. નબળા વૈશ્વિક સંકેતો, જીયો-પોલીટીકલ ટેન્શન અને વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલીથી સ્થાનિક બજાર પર દબાણ વધ્યું છે.
આજે શરૂઆતના કારોબારમાં, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, ટાટા સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, મારુતિ સુઝુકી અને એલ એન્ડ ટીના શેરોમાં મોટો ઘટાડો નોંધાયો. મેટલ્સ અને ફાઇનાન્શિયલ્સ સેક્ટર દબાણ હેઠળ દેખાઈ રહ્યા છે.
સવારે 10 વાગ્યે સેન્સેક્સ 325.09 (0.38%) પોઈન્ટ્સના ઘટાડા સાથે 84,625.87 પર અને નિફ્ટી 117.20 (0.45%)ના ઘટાડા સાથે 25,896.25 પર ટ્રેડ કરી રહ્યો હતો.
યુએસ બજારોમાં ઘટાડો:
સોમવારે યુએસ શેરબજારો મોટા ઘટાડા સાથે બંધ થયા. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 557.24 પોઈન્ટ ઘટીને 46,590.24 પર બંધ થયો, જ્યારે S&P 500 61.70 પોઈન્ટ ઘટીને 6,672.41 પર બંધ થયો. નાસ્ડેક કમ્પોઝિટ 192.51 પોઈન્ટ ઘટીને 22,708.08 પર બંધ થયો.
એશિયન બજાર પર અસર:
ગઈ કાલે યુએસ શેરબજારમાં થયેલા મોટા ઘટાડાને કારણે આજે એશિયન બજારોમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જાપાનનો નિક્કી-225 2.28 ટકા ઘટ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.6 ટકા ઘટ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.63 ટકા ઘટ્યો હતો, જ્યારે કોસ્ડેક 0.58 ટકા ઘટ્યો હતો.
આ પણ વાંચો…કવર સ્ટોરીઃ વેલ્યૂએશનનું વાવંટોળ



