ભારતની રિઅલ્ટી કંપનીઓનું વેલ્યુએશન કુવૈતના જીડીપીથી વધુ | મુંબઈ સમાચાર

ભારતની રિઅલ્ટી કંપનીઓનું વેલ્યુએશન કુવૈતના જીડીપીથી વધુ

નિલેશ વાઘેલા
મુંબઇ:
૨૦૨૫માં લિસ્ટેડ કંપનીઓ પર ઓપરેશન સિંદૂર, ટેરિફ અને ઈરાન-ઇઝરાયલ યુદ્ધની નકારાત્મક અસર જોવા મળી હોવાનું ગ્રોહે અને હુરુન ઇન્ડિયાએ રિઅલ એસ્ટેટની ટોચની ૧૫૦ કંપનીઓના રેન્કિંગ સંદર્ભે હાથ ધરેલા સર્વેક્ષણમાં જણાવ્યું છે. જોકે, પાછલા બે મહિનામાં આ કંપનીઓના મૂલ્યમાં મજબૂત રિબાઉન્સ જોવા મળ્યું હતું.

અલબત્ત, ૨૦૨૫ના ગ્રોહે – હુરૂન ઇન્ડિયા રિયલ એસ્ટેટ લિસ્ટમાં ભારતની સૌથી મૂલ્યવાન રિયલ એસ્ટેટ કંપનીઓનું સંયુક્ત મૂલ્ય ૧૫૦ રૂપિયા ૧૬ લાખ કરોડ (૧૮૮ અબજ ડોલર) નોંધાયું છે, જે ગયા વર્ષ કરતાં ૧.૯ લાખ કરોડ રૂપિયા વધારે છે. આ આંકડો કુવૈતના જીડીપી તેમ જ જોર્ડન અને બલ્ગેરિયાના સંયુક્ત જીડીપી કરતા વધારે છે.

આપણ વાંચો: ગુજરાતની સરકારી કંપનીઓએ શેરબજારમાં વગાડ્યો ડંકો, જાણો કઈ કંપની છે?

આ ગ્રોહે અને હુરુન ઇન્ડિયાના સર્વેક્ષણ અહેવાલ અનુસાર ૨૦૨૫ના પૂર્વાર્ધમાં, ભૂ-રાજકીય તણાવને કારણે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તીવ્ર પીછેહઠ જોવા મળાી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્તરે ટેરિફને લગતા વિક્ષેપોને કારણે ઇનપુટ ખર્ચમાં વધારો થવાની આશંકાની પણ અસર જોવાઇ હતી.

આ પરિબળોને કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને ભારે ફટકો પડવાને કારણે કેટલાક ડેવલપર્સે એપ્રિલ સુધીમાં નોંધપાત્ર બજાર મૂલ્ય ગુમાવ્યું હતું. જોકે, મે અને જૂન વચ્ચે આ ક્ષેત્રે મજબૂત સુધારો જોવા મળ્યો હતો. જેમ કે ડીએલએફના બજારમૂલ્યમાં જાન્યુઆરીથી એઇપ્રલ ૨૦૨૫ દરમિયાન ૧.૮ ટકાનો ઘટાડો થયો હતો અને મેથી જૂનમાં ૨.૨ ટકાનો વધારો થયો હતો.

આપણ વાંચો: સેબીએ SME કંપનીઓ સામેનાં ધોરણ કેમ વધુ સધન બનાવવાં પડ્યાં?

ઉક્ત સમયગાળા દરમિયાન સ્થિર વ્યાજ દરો, મેટ્રો શહેરોમાં મજબૂત હાઉસિંગ માગ, સિમેન્ટના ભાવમા ઘટાડો અને પ્રથમ ક્વાર્ટરના પરિણામોને કારણે પ્રોત્સાહન મળવાથી મોટાભાગના મુખ્ય લિસ્ટેડ ખેલાડીઓએ આ સમયગાળા દરમિયાન નોંધપાત્ર સુધારો નોંધાવી આગળની નુકસાની સરભર કરી લીધી હતી.

આ યાદીની અન્ય કંપનીઓમાં લોઢા ડેવલપર્સ, પ્રેસ્ટિજ ઇસ્ટેટ પ્રોજકેટ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઇસ અને ઇઆઇએચ અને શેલેટ હોટલ્સના નામ હતા, જેમણે પ્રારંભિક મહિનાઓમાં પીછેહઠ નોંધાવ્યા બાદ મે અને જૂન મહિનામાં સારો સુધારો નોંધાવ્યો છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button