
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: ભારતીય શેરબજારે આખરે ચાર ટ્રિલિયન ડોલરની ક્લબમાં સફળ પ્રવેશ નોંધાવી લીધો છે. નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી વટાવી હોવાથી બજારમાં હાલ જબરદસ્ત ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે.
અમેરિકાની ફેડરલ રિઝર્વના ડોવિશ સ્ટાન્સને પગલે શેરબજારમાં આવેલી જોરદાર તેજી સાથે દેશના મુખ્ય શેરબજાર બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું સંયુક્ત બજારમૂલ્ય પહેલી વખત ચાર ટ્રિલિયન ડોલરના સ્તર પર પહોંચી ગયું છે.
મુંબઇ શેરબજારના 30 શેરવાળા બેન્ચમાર્ક સેન્સેક્સે શરૂઆતના તબક્કે જ 305.44 પોઇન્ટ વધીને 66,479.64ની સપાટીને પાર કરી લીધી હતી.
આ સાથે એક્સચેન્જ પર નોંધાયેલી કંપનીઓનું કુલ બજારમૂલ્ય સવારના સત્રમાં 3,33,26,881.49 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું હતું.
આમ ડોલર સામે 83.31 રૂપિયાના વિનિમય મૂલ્યના ધોરણે આ રકમ ચાર ટ્રિલિયન ડોલરથી વધારે છે. વૈશ્વિક બજારમાં ભારતીય શેર બજાર માર્કેટના હિસાબે અમેરિકા, ચીન, જાપાન અને હોંગકોંગ પછી પાંચમાં સ્થાન પર છે.
જયારે નિફ્ટી કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધી 10 ટકાથી વધારે મજબૂત થયો છે. ભારતનું માર્કટ કેપિટલ 2023માં લગભગ 51 લાખ કરોડ રૂપિયા સુધી વધ્યું છે.
આ ઝડપી વધારાના કારણોમાં નાના અને મિડકેપ શેરોની સારી કામગીરી સાથે દલાલ સ્ટ્રીટ પર એક પછી એક આનારા આઇપીઓ અને તેના જોરદાર લિસ્ટીંગનો પણ સમાવેશ છે. ભારત મે 2021માં ત્રણ ટ્રિલિયન ડોલર ક્લબમાં સામેલ થયું હતું.