મુંબઈ: દેશનો સૌથી મોટો IPO હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયાનો આઈપીઓ(Hyundai IPO), આજે મંગળવારે 15મી ઓક્ટોબરથી રોકાણ માટે ખુલી ગયો છે. BSEના ડેટા અનુસાર, આ IPO આજે સબ્સ્ક્રિપ્શનના પ્રથમ દિવસે સવારે 11:09 વાગ્યા સુધીમાં 8% સબસ્ક્રાઈબ થયો હતો. રોકાણકારો આ IPOમાં 17 ઓક્ટોબર સુધી રોકાણ કરી શકશે. આ માટે, ઇક્વિટી શેર દીઠ રૂ. 1,865 થી રૂ. 1,960ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી છે.
નોંધનીય છે કે દક્ષિણ કોરિયાની કાર મેન્યુફેક્ચરર હ્યુન્ડાઈના ભારતીય યુનિટ હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા લિમિટેડે તેના IPOના એક દિવસ પહેલા સોમવારે એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી રૂ. 8,315 કરોડ એકત્ર કર્યા હતા.
દેશના સૌથી મોટા IPO:
આ IPOની કિંમત રૂ. 27,870 કરોડ (લગભગ $3.3 બિલિયન) છે. અગાઉ LICનો IPO રૂ. 21,000 કરોડ સાથે દેશનો સૌથી મોટી IPO હતો. આ ઉપરાંત, ભારતમાં Paytmની પેરેન્ટ કંપની One97 Communications, નવેમ્બર 2021માં રૂ. 18,300 કરોડનો IPO લઈને આવી હતી. આ સિવાય કોલ ઈન્ડિયા લિમિટેડે ઓક્ટોબર 2010માં રૂ. 15,199 કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો હતો. રિલાયન્સ પાવરે જાન્યુઆરી 2008માં રૂ. 11,563 કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો હતો અને જનરલ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ ઓક્ટોબર 2017માં રૂ. 11,176 કરોડનો આઈપીઓ લોન્ચ કર્યો હતો.
ગ્રે માર્કેટમાં શેર ઘટ્યો:
શેર માર્કેટમાં રોકાણ અંગે જાણકારી આપતી એક વેબ પોર્ટલના અહેવાલ અનુસાર, કંપનીના શેર 40 રૂપિયાના પ્રીમિયમ સાથે ગ્રે માર્કેટમાં ઉપલબ્ધ છે. Hyundai મોટરના શેર 2%ના પ્રીમિયમ સાથે રૂ.2000માં લિસ્ટ થઈ શકે છે. અત્યાર સુધી આ સ્ટોક ગ્રે માર્કેટમાં 92% ઘટી ગયો છે. વિશ્લેષકો પણ આને નેગેટિવ લિસ્ટિંગનો સંકેત માની રહ્યા છે. તમને જણાવી દઈએ કે 27 સપ્ટેમ્બરે આ શેર્સ ગ્રે માર્કેટમાં 570 રૂપિયાની કિંમતે ઉપલબ્ધ હતા. ત્યારથી આ સ્ટોક ગ્રે માર્કેટમાં દરરોજ ઘટી રહ્યો છે.