H1-B વિઝા ફીમાં વધારાની અસર ભારતીય શેર બજાર પર! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો

મુંબઈ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ H1-B વિઝા પરની ફીમાં તોતિંગ વધારો કરતા વિદેશી કર્મચારીઓને નોકરી આપતી આઈટી કંપનીઓને મોટો ફટકો પડ્યો છે, જેની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી રહી છે. આજે અઠવાડિયાના પહેલા ટ્રેડીંગ દિવસે ભારતીય શેર બજાર ઘટાડા સાથે (Indian Stocks Market Oppening) ખુલ્યું.
આજે સવારે શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક્સ એક્ષચેન્જ(BSE)નો ઇન્ડેક્સ સેન્સેક્સ 301.38 પોઈન્ટના ઘટાડા સાથે 82,324.85 પર ટ્રેડ થઇ રહ્યો હતો. તેવી જ રીતે, નેશનલ સ્ટોક્સ એક્ષચેન્જ(NSE)નો નિફ્ટી પણ 75 પોઈન્ટ ઘટીને 25,252.05 પર ટ્રેડિંગ કરી રહ્યો હતો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ફ્લેટ ટ્રેડ થઇ થઇ રહ્યા હતાં. સેક્ટોરલ ઇન્ડેક્ષ પર નજર કરીએ તો IT ઇન્ડેક્સ 2 ટકાથી વધુ તુટ્યો હતો.
આજે ભારતીય બજારના શરૂઆતના કારોબારમાં SBI લાઇફ ઇન્શ્યોરન્સ, બજાજ ફાઇનાન્સ, બજાજ ફિનસર્વ, શ્રીરામ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સના શેરમાં સૌથી વધુ વધારો નોંધાયો. જ્યારે ટેક મહિન્દ્રા, TCS (ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ) ટાટા મોટર્સ, એપોલો હોસ્પિટલ્સ, ડૉ. રેડ્ડીઝ લેબ્સના શેરોમાં સૈથી વધુ ઘટાડો નોંધાયો.
યુએસમાં H1-B વિઝા પર 1,00,000 યુએસ ડોલરની ફીની જાહેરાત બાદ ઇન્ફોસિસ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ અને HCLTech જેવી ભારતીય IT કપનીઓના શેરોમાં ઘટાડો થઇ રહ્યો છે.
આજે ભારતીય બજાર ખુલતાની સાથે ડોલર સામે ભારતીય રૂપિયો ચાર પૈસા વધુ ઘટીને 88.20 પર ટ્રેડ થઇ રહ્યો હતો.
આજે સોમવારે એશિયન બજારોમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે જાપાનનો નિક્કી 225 0.74 ટકા વધ્યો હતો, જ્યારે ટોપિક્સ 0.58 ટકા વધ્યો હતો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.71 ટકા અને કોસ્ડેક 0.7 ટકા વધ્યો હતો.
આપણ વાંચો: વિદેશી ફંડો ભારતમાં વેચવાલી અને હોંગકોંગમાં લેવાલી કેમ કરી રહ્યા છે?