(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી વર્ષ 2025માં વ્યાજદરમાં ધીમી ગતિએ કાપ મૂકે તેવાં સંકેતો મળતાં ગત સપ્તાહે વૈશ્વિક સોનાના ભાવ એક તબક્કે ઘટીને એક મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા બાદ સપ્તાહના અંતે અમેરિકાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવતા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે ક્રિસમસના માહોલમાં પાંખાં કામકાજો વચ્ચે ખાસ કરીને ફોરવર્ડના વેચાણો કપાતા બન્ને કિંમતી ધાતુઓમાં ભાવવધારો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ ઉપરાંત આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો પાંચ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતરોમાં વધારો થતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન હાજર ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 784થી 787નું અને ચાંદીમાં સ્ટોકિસ્ટો ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની લેવાલીને ટેકે કિલોદીઠ રૂ. 2267નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની સટ્ટાકીય લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 2267ના બાઉન્સબૅક સાથે રૂ. 87,400ના મથાળે અને 995 ટચ સ્ટાન્ડર્ડ સોનામાં જ્વેલરી ઉત્પાદકો, સ્ટોકિસ્ટો અને રોકાણકારોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની ખપપૂરતી માગને ટેકે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 784 વધીને રૂ. 75,859 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 787 વધીને રૂ. 76,164ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વે ગત 18 ડિસેમ્બરની બેઠકના અંતે વ્યાજદરમાં અપેક્ષાનુસાર 25 બેસિસઈ પૉઈન્ટનો કાપ મૂક્યો હતો, પરંતુ વર્ષ 2025માં ધીમી ગતિએ વ્યાજદરમાં કાપ મૂકવાના સંકેત આપતા ગત સપ્તાહે એક તબક્કે સોનાના વૈશ્વિક ભાવ ગત 18 નવેમ્બર પછીની સૌથી નીચી સપાટીએ પહોંચ્યા હતા. જોકે, ગત સપ્તાહના અંતે અમેરિકાના ફુગાવાના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ વધ્યા મથાળેથી પીછેહઠ જોવા મળતાં ન્યૂ યોર્ક ખાતે સોના અને ચાંદીના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો.
વધુમાં આજે લંડન ખાતે સત્રના આરંભે પાંખાં કામકાજો વચ્ચે બન્ને કિંમતી ધાતુઓમાં વેચાણો કપાતા ભાવમાં સુધરાતરફી વલણ જોવા મળ્યું હતું, જેમાં હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.2 ટકા વધીને આૈંસદીઠ 2626.47 ડૉલર અને વાયદામાં ભાવ 01 ટકા વધીને 2641.50 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 29.69 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત 17 ડિસેમ્બરના રોજ વેચાણના ઊભા ઓળિયાની સંખ્યા 16,251 કોન્ટ્રાક્ટ ઘટીને 2,03,937ની સપાટીએ રહી હતી.
વર્તમાન કૅલૅન્ડર વર્ષનાં આખરી દિવસો પ્રવર્તી રહ્યા હોવાથી હવે બજાર હોલિડે મોડમાં છે અને ગત સપ્તાહના અંતે ફુગાવામાં ધીમી ગતિએ ઘટાડો થઈ રહ્યો હોવાના નિર્દેશે ડૉલર ઈન્ડેક્સ નબળો પડવાથી, વેચાણો કપાવાથી તેમ જ ટેક્નિકલ સપોર્ટ મળતા સોનાના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો હોવાનું કેડિયા કૉમૉડિટીઝનાં ડિડિરેક્ટર અજય કેડિયાએ જણાવ્યું હતું.
વધુમાં ગત સપ્તાહના અંતે સાન ફ્રાન્સિસ્કો ફેડના પ્રમુખ મેરી ડેલેએ અને ફેડરલના અન્ય બે નીતિ ઘડવૈયાઓએ જણાવ્યું હતું કે આગામી વર્ષ 2025માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકશે, પરંતુ કાપ મૂકવામાં સમયગાળો લેશે. સામાન્યપણે ઊંચા વ્યાજદરના સંજોગોમાં સોના જેવી વ્યાજની ઊપજ ન આપતી અસ્ક્યામતોમાં રોકાણકારો રોકાણથી દૂર રહેતાં હોય છે.
વધુમાં સ્કોર્પિયન મિનરલ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઑફિસર માઈકલ લેન્ગફોર્ડે જણાવ્યું હતું કે આગામી વર્ષ 2025માં અમેરિકાના નવાં પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ વેરા અને વેપારની નીતિ કેવી અપનાવે છે અને તેની અર્થતંત્ર પર કેવી અસર પડે છે તેના પર પણ સોના-ચાંદી સહિતની કિંમતી ધાતુઓના ભાવની વધઘટ અવલંબિત રહેશે.
Taboola Feed