અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષની બદલી કરવા ટ્રમ્પની વિચારણા…
રૂપિયો મજબૂત ઉછળતા સોનામાં રૂ. 127ની પીછેહઠ, ચાંદી રૂ. 1325 ચમકી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકી પ્રમુખ આગામી સપ્ટેમ્બર-ઑક્ટોબર મહિના આસપાસ ફેડરલ રિઝર્વના અધ્યક્ષની બદલી કરવાનું વિચારી રહ્યા હોવાના અહેવાલો સાથે આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં ધીમો સુધારો આગળ ધપ્યો હતો, તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. એકંદરે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયો 39 પૈસા જેટલો મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિકમાં સોનાની આયાત પડતર ઘટવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 127નો ઘટાડો આવ્યો હતો, જ્યારે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીમાં કિલોદીઠ રૂ. 1325નો ચમકારો આવ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગનો ટેકો મળતાં ભાવ કિલોદીઠ રૂ. 1325ના સુધારા સાથે રૂ. 1,06,525ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં રૂપિયામાં બાઉન્સબૅકને કારણે આયાત પડતરોમાં થયેલા ઘટાડા ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ નિરસ રહેતાં ભાવ 10 ગ્રામદીઠ રૂ. 127ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 96,641ના મથાળે અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 97,030ના મથાળે રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષની બદલી અંગે અમેરિકી પ્રમુખનાં ગઈકાલના નિવેદનને ધ્યાનમાં લેતા ભવિષ્યમાં કેન્દ્રવર્તી બૅન્કની સ્વાયતતાની ચિંતા સપાટી પર આવતા આજે ડૉલર ઈન્ડેક્સ ઘટીને ગત માર્ચ, 2022 પછીની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 3336.02 ડૉલર અને વાયદામાં ભાવ 0.2 ટકા વધીને 3349.30 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.1 ટકા વધીને આૈંસદીઠ 36.34 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
પ્રાપ્ત અહેવાલ અનુસાર ગઈકાલે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે સંસદમાં જણાવ્યું હતું કે ટ્રમ્પનાં ટૅરિફના અમલથી એક તબક્કે ભાવમાં ઉછાળા આવશે આથી વધતા ફુગાવાના જોખમનો સામનો કરવા માટે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત માટે સાવચેતીનો અભિગમ અપનાવવો જરૂરી છે. અત્રે નોંધનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ આગામી ફેડની બેઠકમાં હળવી નાણાનીતિ અપનાવે તેવી શક્યતા પ્રબળ બનતા આજે ડૉલર ઈન્ડેક્સની નરમાઈને કારણે સોનાની તેજીને ટેકો મળ્યો હોવાનું કેસીએમ ટ્રેડનાં વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે હળવા વ્યાજદર અને અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં તેજીને ટેકો મળતો હોય છે.
વધુમાં ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેઓ ફેડરલનાં ટોચના હોદ્દાઓ માટે ત્રણથી ચાર ઉમેદવાર અંગે વિચારણા કરી રહ્યા છે. આ સિવાય વૉલ સ્ટ્રીટ જનરલે એક અહેવાલમાં જણાવ્યું છે કે ટ્રમ્પ આગામી સપ્ટેમ્બર અથવા તો ઑક્ટોબરમાં પૉવૅલના ઉત્તરાધિકારીની જાહેરાત કરે તેવી શક્યતા છે. દરમિયાન આજે બજારની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાનાં પહેલા ત્રિમાસિકગાળાના જીડીપીનાં ડેટાની જાહેરાત પર તેમ જ આવતીકાલે જાહેર થનારા પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટા પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.