શેર બજાર

સોનામાં વધુ ₹ ૭૪નો ઘટાડો, ચાંદીમાં ₹ ૨૫નો સુધારો

મુંબઈ: અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ફુગાવાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં રોકાણકારોની નવી લેવાલીનો અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ખાસ કરીને સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩થી ૭૪નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ રહ્યું હોવા છતાં ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારોની માગનો ટેકો મળતાં ભાવમાં કિલોદીઠ રૂ. ૨૫નો સાધારણ સુધારો આવ્યો હતો. આજે સ્થાનિકમાં મુખ્યત્વે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ વધુ ભાવ ઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ પાંખી રહેતાં ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૩ ઘટીને રૂ. ૫૮,૫૫૬ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૫૮,૭૯૧ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે .૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો, પરંતુ ઘટ્યા મથાળેથી ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગનો ટેકો મળતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૫ના સાધારણ સુધારા સાથે રૂ. ૭૦,૯૨૫ના મથાળે બંધ રહ્યા હતા.
આજે રાત્રે અમેરિકાનાં ઑગસ્ટ મહિનાના ક્ધઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સની જાહેરાત થવાની છે અને ઈંધણના ભાવમાં થયેલા વધારાને કારણે ફુગાવામાં અપેક્ષા કરતાં વધુ વધારો થવાની શક્યતાને ધ્યાનમાં લેતાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં વધારો થવાથી સોનાના ભાવ દબાણ હેઠળ રહ્યા હોવાનું એશિયા પેસિફિકના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવ્યું હતું. આમ રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૧૯૧૦.૯૬ ડૉલર અને ૧૯૩૩.૪૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત ૨૫ ઑગસ્ટ પછીની સૌથી નીચી ઔંસદીઠ ૧૯૦૬.૫૦ ડૉલરની સપાટી સુધી પહોંચ્યા હતા. વધુમાં આજે હાજરમાં ચાંદીના ભાવ પણ એક ટકાના ઘટાડા સાથે ગત ૨૧ ઑગસ્ટ પછીની સૌથીની નીચી ઔંસદીઠ ૨૨.૮૬ ડૉલરની સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
જોકે, આગામી ૧૯-૨૦ સપ્ટેમ્બરની નીતિવિષયક બેઠકમાં ફેડરલ રિઝર્વ વ્યાજદર યથાવત્ રાખે તેવી શક્યતા છે. તેમ છતાં તાજેતરમાં ક્રૂડતેલના ભાવમાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં ફેડરલ રિઝર્વ આગામી વર્ષ ૨૦૨૪નાં બીજા ત્રિમાસિકગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતા રૉઈટર્સ દ્વારા કરવામાં અર્થશાીઓનાં સર્વેક્ષણમાં ફલિત થયું હતું. તેમ જ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ આગામી વર્ષે ફુગાવો ત્રણ ટકાની સપાટીએ જળવાઈ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આમ હાલની વૈશ્ર્વિક આર્થિક સ્થિતિને ધ્યાનમાં લેતાં રૉઈટર્સના વિશ્ર્લેષક વૉન્ગ તાઉએ આગામી ટૂંકા સમયગાળામાં વૈશ્ર્વિક સોના માટે ઔંસદીઠ ૧૯૦૫ ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થાય તેવી શક્યતા વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button