
- નિલેશ વાઘેલા
મુંબઈ: રિઝર્વ બેન્કના અપેક્ષિત જમ્બો બુસ્ચરને કારણે બજારને જમ્પીંગ ફેકટર પૂરું પાડ્યું છે અને હવે બજારની નજર આર્થિક ડેટાની જાહેરાતો અને ચોમાસાની પ્રગતિ પર મંડાયેલી છે. બજાર વિશ્લેષકોના મતે, ભારતીય શેરબજારો આ અઠવાડિયે વૈશ્ર્વિક વલણો, ફુગાવાના આંકડા અને વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિમાંથી સંકેતો મેળવશે.
ટોચના માર્કેટ એનાલિસ્ટે કહ્યું હતું કે, રોકાણકારો મુખ્ય આર્થિક ડેટા પર નજીકથી નજર રાખશે. ક્ધઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ફુગાવાના ડેટા પરથી માગના સ્તર અને તેને આધારે સેન્ટ્રલ બેંક દ્વારા શક્ય પગલાંનો તાગ મેળવી શકાશે. આ ઉપરાંત, ચોમાસાની પ્રગતિ અને પાક વાવણી પેટર્નને પણ ટ્રેક કરવામાં આવશે, કારણ કે તે ગ્રામીણ માગ અને વપરાશને અસર કરે છે.
ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ) દ્વારા રેપો રેટમાં 50 બેસિસ પોઇન્ટનો ઘટાડો જાહેર થયા પછી બજારો ગયા અઠવાડિયે મજબૂત નોંધ પર બંધ થયા હતા. આ અણધાર્યા પગલાથી વ્યાજ દરો સાથેે સંવેદનશીલતા ધરાવતાં ક્ષેત્રોને પ્રોત્સાહન મળ્યું છે. શુક્રવારે, સેન્સેક્સ 746.95 પોઇન્ટ વધીને 82,188.99 પર બંધ થયો, જ્યારે નિફ્ટી 252.15 પોઇન્ટ વધીને 25,003.05 પર બંધ થયો હતો.
ટોચની સ્ટોક બ્રોકિંગ ફર્મના રિસર્ચ હેડે જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજદરમાં ઘટાડા અને ભારત-અમેરિકા વેપાર કરાર પોઝિટિવ રહેવા અંગેના આશાવાદને કારણે બજારો ઉપર તરફ આગળ વધી શકે છે. કરારના પ્રથમ તબક્કાને અંતિમ સ્વરૂપ આપવા માટે બંને દેશોના અધિકારીઓ નવી દિલ્હીમાં મળે તેવી અપેક્ષા છે.
જોકે, વિશ્ર્લેષકોએ ચેતવણી પણ આપી હતી કે નવા યુએસ ટેરિફ અને ભૂ-રાજકીય તણાવ જેવા વૈશ્ર્વિક મુદ્દાઓ બજારની અસ્થિરતાનું કારણ બની શકે છે. જ્યારે આરબીઆઈનું સાહસિક પગલું અને સ્થિર જીડીપી દૃષ્ટિકોણ આત્મવિશ્ર્વાસને ટેકો આપે છે, ત્યારે વૈશ્ર્વિક અનિશ્ર્ચિતતા હજુ પણ જોખમ ઊભું કરે છે.
વિદેશી ફંડોનું વલણ આગળ કેવું રહે છે એ પણ મહત્ત્વની બાત છે. ભારતીય બજારમા એફઆઇઆઇએ સાત સત્રમાં આઠ હડાર કરોડ રૂપિયાથી વધુ વેચવાલી કરી છે. એક્સચેન્જ ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો શુક્રવારે ચોખ્ખા ખરીદદારો હતા, જેમણે રૂ. 1,009.71 કરોડના શેર ખરીદ્યા હતા.
દરમિયાન પાછલા સપ્તાહે લીલા હોટલ અને એજીસ વોપેક અને સ્કોડા ટ્યુબ્સના નિરસ લિસ્ટિંગ છતાં પ્રાઇમરી માર્કેટમાં ફરી હલચલનો સંતચાર જોવા મળ્યો છે. આગામી ત્રણથી છ મહિનામાં બારેક કંપનીઓના આઇપીઓ આવી રહ્યા છે, જેમાં એચડીએફસી બેન્કની પેટાકંપની અને એનએસડીએલનો પણ સમાવેશ છે. જોકે, ગયા વર્ષે સમાનગાળામાં 29 જાહેર ભરણાં આવ્યા હતા તેની સામે 2025માં અત્યાર સુધીમાં માત્ર 16 આઇપીઓ લોન્ચ થયા છે.
મર્ચન્ટ બેન્કર્સ અનુસાર બાકીના છ મહિનામાં વધુ જાહેર ભરણાં આવી શકે છે. એલ્યુમિનિયમ વાયર રોડ્સની મેન્યૂફેક્ચરર જૈનિક પાવર કેબલ્સ લિમિટેડ પ્રથમિક મૂડીબજારમાં 10 જૂન, 2025ના રોજ ઈનિશિયલ પબ્લિક ઓફરિંગ સાથે પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ શેર દીઠ રૂ. 100થી રૂ. 110 નક્કી થઇ છે અને લોટ સાઇઝ 1,200 ઇક્વિટી શેરનો છે. કંપની આ ભરણાં દ્વારા રૂ. 51.30 કરોડ એકત્ર કરવા ધારે છે, જેનો ઉપયોગ ક્ષમતા વિસ્તરણ અને કરજની ભરપાઇ સહિતના હેતુસર કરવામાં આવશે. ક્લ્પતરુ, રુબીકોન, પરમેશુ સહિતની કંપનીઓએ સેબી પાસે દસ્તાવેજ જમા કરાવ્યા છે.
કોર્પોરેટ હલચલમાં, પ્રીમિયમ પ્લાસ્ટ લિમિટેડે નાણાકીય વર્ષ 2025ના ઓડિટેડ નાણાકીય પરિણામમાં વાર્ષિક ધોરણે 22.57 ટકા વૃદ્ધિ સાથે રૂ. 57.25 કરોડની કુલ આવક, વાર્ષિક ધોરણે 20.81 ટકા વૃદ્ધિ સાથે રૂ. 12.40 કરોડનો એબિટા અને વાર્ષિક ધોરણે 35.13 ટકા વૃદ્ધિ સાથે રૂ. 6.45 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. ચોખ્ખા નફાનું માર્જિન 11.27 ટકા રહ્યું છે.
વેદાંતા રૂ. 5000 કરોડના એનસીડી ફંડનો ઉપયોગ હાઇ કોસ્ટ ડેટ ઘટાડીને રૂ. 350 કરોડનો વ્યાજ ખર્ચ બચાવવા માટે કરશે. એપોલો ગ્રીન એનર્જીએ નાણા વર્ષ 2025માં રૂ. 44.36 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. અદાણી જૂથે નાણાકીય વર્ષ 2025ના કરવેરાની ચૂકવણી માટે રૂ. 75,000 કરોડનો અંદાજ જાહેર કર્યો છે. સેઇલે પાછલા વર્ષે અંદાજે રૂ. 750 કરોડનું કરજ ઘટાડ્યું છે અને આ નાણા વર્ષમાં તેમાં ઓર ઘટાડો કરવાની યોજના ધરાવે છે. જાહેર ક્ષેત્રની સેન્ટ્રલ બેન્કે રૂ. 57 કરોડના રોકાણ સાથે ફ્યુચર જેનરાલી ઇન્ડિયા લાઇફ ઇન્સ્યુરન્સનો 25.18 ટકા હિસ્સો હસ્તગત કર્યો છે.
સેક્ટરલ ઈન્ડાયસીસમાં સપ્તાહ દરમિયાન માત્ર કેપિટલ ગુડ્સ અને આઈટી ઘટ્યા હતા, જ્યારે ઈન્ફ્રા ઈન્ડેક્સ સૌથી અધિક વધ્યો હતો. છઠી જૂન, 2025ના રોજ પૂર્ણ થયેલા સપ્તાહમાં બીએસઈ સેન્સેક્સ ગત સપ્તાહના શુક્રવારના 81,451.01ના બંધથી 737.98 પોઈન્ટ્સ (0.91 ટકા) વધ્યો હતો. સેન્સેક્સ 2 જૂન, સોમવારે 81,214.42 ખૂલી 3 જૂન, મંગળવારે નીચામાં 80,575.09 સુધી અને 6 જૂન, શુક્રવારે, ઊંચામાં 82,299.89 સુધી જઈને અંતે 82,188.99 પોઈન્ટ્સ પર બંધ રહ્યો હતો.
આપણ વાંચો: વૈશ્વિક સકારાત્મક વલણો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં તેજીના સંકેત
આ સપ્તાહના અંતે માર્કેટ કેપ રૂ.451.13 લાખ કરોડ રહ્યું હતું, જે પાછલા સપ્તાહના અંતે રૂ.444.19 લાખ કરોડ હતું. આમ માર્કેટ કેપમાં રૂ.6.94 લાખ કરોડનો વધારો થયો હતો. બ્રોડ બેઝ્ડ ઈન્ડાયસીસમાં બીએસઈ સ્મોલકેપ (1.96 ટકા) અને બીએસઈ મિડકેપ (2.13 ટકા) વધ્યા હતા.
બીએસઈ 100 (1.15 ટકા), બીએસઈ 200 (1.30 ટકા) અને બીએસઈ 500 (1.46 ટકા) વધ્યા હતા. સેક્ટરલ ઇન્ડેક્સમાં સપ્તાહ દરમિયાન માત્ર કેપિટલ ગુડ્સ (0.41 ટકા) અને આઇટી (0.15 ટકા) ઘટ્યા હતા, જ્યારે ઇન્ફ્રા (2.24 ટકા), મેટલ (1.65 ટકા), ઓટો (1.48 ટકા), હેલ્થકેર (1.45 ટકા), પીએસયુ બેંકો (1.34 ટકા), એફએમસીજી (0.82 ટકા), ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ (0.78 ટકા) અને બેંકેક્સ (0.64 ટકા) વધ્યા હતા.