નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે હમાસ યુદ્ધની ચિંતા બાજુએ મૂકીને અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલના ડૉવિશ સ્ટાન્સને વધાવતા આજે ઉછાળાની ચાલ બતાવી છે.
બે દિવસના ઘટાડા પછી ગુરુવારે શરૂઆતના કામકાજમાં ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સમાં લગભગ એક ટકા સુધીનો ઉછાળો બતાવ્યો હતો. યુએસ ફેડરલ રિઝર્વના દરો યથાવત રાખવાના નિર્ણય વચ્ચે વૈશ્વિક બજારોમાં તેજી જોવા મળી હતી અને સ્થાનિક બજાર તેને અનુસર્યા હતા.
સેન્સેક્સ કંપનીઓમાં ઇન્ડસઇન્ડ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, એક્સિસ બેન્ક, ટાઇટન, ઇન્ફોસિસ, બજાજ ફાઇનાન્સ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને એચડીએફસી બેન્કના શેર સૌથી વધુ વધ્યા હતા.
પ્રારંભિક કામકાજ દરમિયાન ટાટા સ્ટીલ એકમાત્ર પાછળ રહી ગઈ હતી. બેન્ચ માર્કનો સુધારો પાછળથી સહેજ ધોવાયો હતો પરંતુ બજારના સેન્ટિમેન્ટમાં એકંદર સુધારો જળવાયો હતો.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગ લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. બુધવારે અમેરિકી બજારો ઉછાળા સાથે બંધ થયા.
માર્કેટ એનાલિસ્ટ અનુસાર ફેડરલનો વ્યાજદરની વૃદ્ધિને વિરામ આપવાંનો નિર્ણય અપેક્ષિત હોવા છતાં, બજારને ડર હતો તેવી વિપરીત ટિપ્પણી ફેડરલ તરફથી આવી નહોતી.
ફેડરલના વડા જેરોમ પોવેલની ટિપ્પણી કે ફુગાવો ઊંચો હોવા છતાં, લાંબા ગાળાની ફુગાવાની અપેક્ષાઓ સારી રીતે અંકુશિત જણાય છે.
રોકાણકારોએ જોકે કેટલાક પરિણામ ધ્યાનમાં રાખવા જરૂરી છે, જેમ કેઇઝરાયલ અને હમાસ યુદ્ધ વકરી રહ્યું છે, વિદેશી ફંડોએ એકધારી વેચવાલી ચાલુ રાખી છે, ક્રૂડ તેલના ભાવ વધતા રહ્યા છે. આ બાબતો ધ્યાનમાં રાખીને કવોલીફાઇડ સલાહકારના સૂચન મુજબ સાવચેતીપૂર્વક નિર્ણય લેવા જોઈયે.
Taboola Feed