
નિલેશ વાધેલા
મુંબઇ: મુંબઇ સમાચારની આજની ફોરકાસ્ટ કોલમમાં કરવામાં આવેલી આગાહી મુજબ જ શેરબજારમાં જોરદાર તોફાની તેજી જોવા મળી છે. ખુલતા સત્રમાં જ સેન્સેકસ ૨૦૦૦ પોઇન્ટની છલાંગ લગાવી ચૂક્યો છે, તો નિફ્ટી એ ૨૩,૧૦૦ની સપાટી પાર કરી નાખી છે. બેંક નિફ્ટીએ ૫૦,૦૦૦ની સપાટી પહેલી જ વખત પાર કરી છે.
લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના અંદાજથી ઉત્સાહિત સેન્સેક્સ 2,621.98 પોઈન્ટ અથવા 3.55 ટકાના વધારા સાથે 76,583 ના સ્તર પર ખુલ્યો. આ તેનું અત્યાર સુધીનું સર્વોચ્ચ સ્તર છે. જ્યારે નિફ્ટી 807.20 પોઈન્ટ અથવા 3.58 ટકાના અદભૂત ઉછાળા સાથે 23,337.90 પર ખુલ્યો હતો. શેરબજાર ઐતિહાસિક ટોચ પર ખુલ્યું છે. પ્રી ઓપનિંગમાં સેન્સેક્સમાં 2000 પોઈન્ટનો ઉછાળો કદાચ પહેલી વાર જોવા મળ્યો છે. પ્રી ઓપનિંગમાં જ 2000 પોઈન્ટના ઉછાળાથી સ્પષ્ટ થાય છે કે એક્ઝિટ પોલ બાદ આજનો દિવસ બજાર માટે જબરદસ્ત તેજીનો દિવસ છે. સેન્સેક્સ 2596 પોઈન્ટ અથવા 3.51 ટકાના ઉછાળા બાદ 76557 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો. જ્યારે નિફ્ટી 806.90 પોઈન્ટ અથવા 3.58 ટકા વધીને 23,337.60 ના સ્તર પર હતો.
આ અગાઉ વર્ષ 2019 માં, જ્યારે એક્ઝિટ પોલમાં 300 થી વધુ બેઠકો પર ભાજપની જીતની આગાહી કરવામાં આવી હતી, ત્યારે શેરબજારમાં 1.45 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આજે ગિફ્ટ નિફ્ટીએ પણ રેકોર્ડ હાઈ દર્શાવ્યો હતો અને એની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળી છે.
બજારના પ્રી ઓપનિંગ પહેલા જ ગિફ્ટ નિફ્ટીએ આજે રેકોર્ડ ઉંચી સપાટી પર પહોંચીને શેરબજાર માટે મોટા સકારાત્મક સંકેતો આપ્યા હતા. ગિફ્ટી નિફ્ટી 823.50 પોઈન્ટ અથવા 3.62 ટકાના વધારા સાથે 23524.50 પર જોવામાં આવી હતી. આ રીતે, આજે 3 જૂન, 2024 ના રોજ, ગિફ્ટી નિફ્ટી પ્રથમ વખત 23500 ની ઉપર ગયો છે.