એક્સલસોફ્ટ ટૅકનાં શૅરનું 12.5 ટકા પ્રીમિયમથી લિસ્ટિંગ

નવી દિલ્હીઃ બૉમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ખાતે આજે એક્સલ સોફ્ટ ટેક્નોલૉજીસના શૅરનું શૅરદીઠ રૂ. 120ના ઈશ્યૂ ભાવ સામે 12.50 ટકા પ્રીમિયમથી રૂ. 135ના ભાવથી લિસ્ટિંગ થયું હતું.
જોકે, શૅરદીઠ રૂ. 135ના ભાવથી લિસ્ટિંગ થયા બાદ બીએસઈ ખાતે શૅરના ભાવ 18.87 ટકા વધીને શૅરદીઠ રૂ. 142.65 સુધી પહોંચતા આરંભિક તબક્કામાં કંપનીનું માર્કેટ વૅલ્યુએશન રૂ. 1600.25 કરોડના સ્તરે પહોંચ્યું હતું. જોકે, સત્રના અંતે બીએસઈ ખાતે શૅરના ભાવ 4.96 ટકા વધીને રૂ. 125.95ના મથાળે અને એનએસઈ ખાતે ભાવ 4.98 ટકા વધીને રૂ. 125.97ના મથાળે બંધ રહ્યા હતા.
આ પણ વાંચો: કેપિલરી ટૅકનાં શૅરનું ત્રણ ટકા ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ બાદ બાઉન્સબૅક
નોંધનીય બાબત એ છે કે એક્સલ સોફ્ટ ટેક્નોલૉજીસનું જાહેર ભરણું ઈશ્યૂ બંધ થવાના અંતિમ દિને 43.19 ગણું છલકાઈ ગયું હતું. બજારની આકારણી અને લર્નિંગ પર ધ્યાન કેન્દ્રિત કરતી સોફ્ટવેર એઝ એ સર્વિસ કંપની એક્સલસોફ્ટ ટેકનું જાહેર ભરણું રૂ. 500 કરોડનું હતું અને કંપનીએ ઈશ્યૂ ભાવ શૅરદીઠ રૂ. 114થી 120 નિર્ધારિત કર્યા હતા.
કંપનીના રૂ. 500 કરોડનાં આ જાહેર ભરણાંમાં રૂ. 180 કરોડનાં નવાં ઈશ્યૂનો અને રૂ. 320 કરોડનાં ઓફર ફોર સેલનો સમાવેશ થતો હતો. તેમ જ નવાં ઈશ્યૂ પૈકીનાં ભંડોળમાંથી કંપની મૈસુર ખાતે જમીનની ખરીદી અને બિલ્ડિંગ બાંધવા માટે રૂ. 61.76 કરોડનાં ખર્ચની, મૈસુર ખાતેનાં હાલની સુવિધાના અને ઈલેક્ટ્રિકલ સિસ્ટમનાં અપગે્રડેશન માટે રૂ. 39.51 કરોડના ખર્ચની, કંપનીના આઈટી માળખાના અપગે્રડેશન માટે રૂ. 54.63 કરોડનાં ખર્ચની અને શેષ ભંડોળનો ઉપયોગ અન્ય કોર્પોરેટ હેતુસર કરવાની યોજના ધરાવે છે.



