શેર બજાર

ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં ધીમો સુધારો સ્થાનિક સોનામાં રૂ. 112નો અને ચાંદીમાં રૂ. 317નો ઘસરકો…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થવાની સાથે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે એક તબક્કે હાજરમાં સોનાના ભાવ ઘટીને બે સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. જોકે, આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરની યિલ્ડમાં પીછેહઠ નોંધાઈ હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદામાં ભાવ અનુક્રમે 0.2 ટકા અને 0.3 ટકાના સુધારા સાથે અને ચાંદીના ભાવ 0.4 ટકાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યા હતા. આમ આજે વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ છતાં ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 112નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 317નો ઘસરકો આવ્યો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં વેરા રહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 317ના ઘટાડા સાથે રૂ. 1,05,650ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકોની નિરસ માગ વચ્ચે વેરારહિત ધોરણે ભાવ 10 ગ્રામદીઠ રૂ. 112ના ઘટાડા સાથે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 96,762 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 97,151ના મથાળે રહ્યા હતા.

ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ એક સપ્તાહની નીચી સપાટી આસપાસ અને અમેરિકી 10 વર્ષીય ટ્રેઝરીની યિલ્ડ એક મહિનાની નીચી સપાટીએ પહોંચતા લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકાના સુધારા સાથે આૈંસદીઠ 3330.90 ડૉલર અને વાયદામાં ભાવ 0.3 ટકા વધીને 3345 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને આૈંસદીઠ 36.03 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે આજે સોનાનાને ડૉલરમાં જોવા મળેલા ટેક્નિકલ વેચાણ અને નબળી ટ્રેઝરી યિલ્ડનો લાભ મળ્યો હોવાથી સુધારો જોવા મળ્યો હોવાનું ઓએએનડીએનાં એનાલિસ્ટ કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે હાલમાં ઈરાન-ઈઝરાયલ વચ્ચે યુદ્ધ વિરામ થતાં સોનામાં સલામતી માટેની માગ ઓસરી છે, પરંતુ જો ડૉલરમાં નરમાઈ આગળ ધપે તો સોનામાં પુનઃ બે્રક આઉટ જોવા મળી શકે છે.

વધુમાં ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના જૂન મહિનાના ક્નઝ્યુમર કોન્ફિડૅન્સ ઈન્ડેક્સમાં અનપેક્ષિતપણે ઘટાડો જોવા મળ્યો હતો. વાસ્તરમાં અમેરિકનોમાં રોજગારીની ચિંતા અને ટ્રમ્પની ટૅરિફની અનિશ્ચિતતા સપાટી પર હોવાથી કોન્ફિડૅન્સ આંક કથળ્યો છે. તેમ જ ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પણ કોંગે્રસ સમક્ષની ટેસ્ટીમનીમાં ઊંચા ટૅરિફને કારણે ફુગાવામાં વધારાની ચિંતા વ્યક્ત કરતાં વ્યાજદરમાં ઘટાડા માટે રાહ જોવી પડશે, એમ જણાવ્યું હતું.

જોકે, હાલના તબક્કે ફેડ ફંડ ફ્યુચરમાં ટ્રેડરો સપ્ટેમ્બર, 2025થી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરવાની શરૂઆત કરશે અને વર્ષ 2025 દરમિયાન કુલ 60 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી ધારણા મૂકી રહ્યા છે. વધુમાં મોનેટરી એન્ડ ફાઈનાન્સિયલ ઈન્સ્ટિટ્યુશન ફોરમના એક અધિકૃત અહેવાલ અનુસાર કેન્દ્રવર્તી બૅન્કની ત્રણ મેનેજિંગ પૈકી એક તેની સોનાની અનામતમાં આગામી એકથી બે વર્ષમાં પાંચ ટ્રિલિયન ડૉલરનો વધારો કરવાની યોજના ધરાવે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button