સ્ટોક માર્કેટે વધાર્યો સ્ટ્રેસઃ હેલ્પલાઈન નંબર પર દર ત્રીજો કૉલ આવે છે ને કહે છે કે…

અમદાવાદ: છેલ્લા ઘણા દિવસોથી ભારતીય શેર માર્કેટમાં ઉથલપાથલ જોવા (Stock Market Crash) મળી રહી છે, જેને કારણે રોકાણકારોને મોટું નુકશાન થઇ રહ્યું છે. શેર બજારમાં નાણા ગુમાવતા ઘણા માધ્યમ વર્ગીય રોકાણકારોનાં માથે દેવુ થઇ ગયું છે. નાણાકીય ખેંચ રોકાણકારોનાં માનસિક સ્વાસ્થ્યને પણ અસર કરી રહી છે, ખોટમાં ગયેલા ઘણાં રોકાણકરો આત્યંતિક પગલું ભરવાના વિચાર પણ કરી રહ્યા છે. એક અખબાર મુજબ છેલ્લા ઘણાં દિવસોથી ગુજરાતમાં માનસિક સ્વાસ્થ્ય માટેની હેલ્પલાઇન્સ પર મદદ માટેના કોલ્સની સંખ્યામાં વધારો થયો છે.
એક અખબારી અહેવાલ મુજબ શેરબજારમાં મંદી ઉપરાંત ઓનલાઈન ગેમ્બલિંગ, ઓનલાઈન ગેમિંગ અને સટ્ટા બજારમાં થયેલા નુકસાનને કારણે પણ ગુજરાતમાં આત્મહત્યા, ગુનાખોરી અને હત્યા જેવા કેસ બની બની રહ્યા છે.
ત્રણમાંથી એક કેસ નાણાકીય તણાવને લગતો:
અખબારી અહેવાલમાં માનસિક સ્વાથ્ય માટેની હેલ્પલાઇન ચલાવતી એક સંસ્થાના પદાધિકારીને ટાંકીને લખવામાં આવ્યું કે હાલ સંસ્થાને દરરોજ નાણાકીય બાબતો સંબંધિત 20 થી 25 કોલ મળી રહ્યા છે, જે કુલ કોલ વોલ્યુમના લગભગ 30-35% છે. એટલે કે સંસ્થાને મળતા દરેક ત્રણ કોલમાંથી એકમાંથી એક કોલ નાણાકીય નુકશાનને કારણે તણાવ સાથે જોડાયેલો હોય છે. જાન્યુઆરી સુધી, આવા કોલ્સનો હિસ્સો 10-15% હતો.
અન્ય એક સંસ્થાએ અખબારને જણાવ્યું કે, તેમના દ્વારા સંચાલિત માનસિક સ્વાસ્થ્ય સહાય કેન્દ્રમાં છેલ્લા પાંચથી છ મહિનાથી નાણાકીય કટોકટીને કારણે ડિપ્રેશન અમે સ્ટ્રેસના કેસોમાં સતત વધારો થયો છે.
અમદાવાદની કિસ્સો:
અહેવાલ મુજબ તાજેતરમાં સંસ્થાની હેલ્પલાઇન પર અમદાવાદના રહેવાસી યુવકનો કોલ આવ્યો. યુવકે કોલ પર જણાવ્યું કે તાજેતરના શેરબજાર ક્રેશ અને સટ્ટા બજારને કારને તેણે 1.5 લાખ રૂપિયાથી વધુનું નુકસાન કર્યું છે. તેના બાળકોની સ્કૂલ ફી પણ એમાં જતી રહી.
Read This…World Kidney Day : ગુજરાતમાં કિડનીના દરદીઓ વધી રહ્યા છે, અને કિડનીદાન કરનારા હજુ પણ અચકાય છે…
યુવકે હેલ્પલાઈન પર જાણાવ્યું કે તેની પાસે પોતાનું જીવન સમાપ્ત કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. જોકે સંસ્થાએ તુરંત કાર્યવાહી કરી પોલીસની મદદથી યુવકને આત્યંતિક પગલું ભરતા બચાવી લીધો હતો, તેનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે.
સુરતઅન બે ચોંકાવનારા કિસ્સા:
તાજેતરમાં સુરતના રહેવાસી ૩૩ વર્ષીય યુવકને શેરબજારમાં રૂ. 35 લાખના નુકસાન થયું હતું. નુકસાન ભરપાઈ કરવા માટે યુવકે તેના સાસરિયામાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો, જેના માટે તેને બે લોકોની હત્યા કરી હતી, આ ઘટના 4થી માર્ચના રોજ બની હતી. યુવક વ્યવસાયે બાયોલોજીના શિક્ષક છે, પરંતુ નાણકીય તણાવ તેને આ ગુના તરફ દોરી ગયો હોવાનું તેણે પોલીસ તપાસમાં કબુલ્યું હતું.
સુરતમાં 8 માર્ચે અન્ય એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. નાણકીય તણાવને કારણે 54 વર્ષીય આધેડ પુરુષે 52 વર્ષીય પત્ની અને 24 વર્ષીય દીકરા સાથે જંતુનાશક ગોળીઓ ખાઈને જીવન ટુંકાવ્યું હતું.
વડોદરામાં યુવકે જીવન ટુંકાવ્યું:
વડોદરામાં પણ નાણાકીય તંગીને કારણે આત્મહત્યાના બનાવો નોંધાયા છે. માર્ચ મહિનાના શરૂઆતમાં 34 વર્ષીય યુવકે જીવન ટુંકાવ્યું હતું, ઓનલાઈન સટ્ટાબાજીમાં ભારે નુકશાન બાદ તેના માથે મોટું દેવું થઇ ગયું હતું, જેના કારણે તેણે આ આત્યંતિક પગલું ભર્યું હતું.
[નોંધઃ આત્મહત્યાએ કોઈ સમસ્યાનું સમાધાન નથી. તમે માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોની સલાહ લઈ શકો છો. મદદ માટે કોલ કરો
ગુજરાત સરકાર ટોલ ફ્રી નંબરઃ 1860 266 2345 and 0261 6554050
વાંદ્રેવાલા ફાઉન્ડેશન: 9999666555 અથવા help@vandrevalafoundation.com
TISS iCall 022-25521111 (સોમવારથી શનિવાર સુધી – સવારે 8:00 થી રાત્રે 10:00 સુધી ઉપલબ્ધ)]