મૂડીબજારમાં મંદીનો વાયરો? ડિસ્કાઉન્ટ લિસ્ટિંગની વધતી સંખ્યા | મુંબઈ સમાચાર
Top Newsશેર બજાર

મૂડીબજારમાં મંદીનો વાયરો? ડિસ્કાઉન્ટ લિસ્ટિંગની વધતી સંખ્યા

નિલેશ વાઘેલા

મુંબઇ:
પાછલા એકાદ વર્ષથી વધુ સમયથી સેક્ધડરી માર્કેટ અનિશ્ર્ચિત અફડાતફડીમાંથી પસાર થઇ રહ્યું છે, પરંતુ એવું જોવા મળ્યું છે, કે ક્યારેક તો શેરબજારમાં બેન્ચમાર્કમાં પીછેહઠ અથવા કડાકા નોંધાયા હોય એવા માહોલમાં પણ નવા શેર સારા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થતા રહ્યા છે. જોકે, આ ટ્રેન્ડ પાછલા કેટલાક દિવસોથી બદલાઇ રહ્યો છે અને મૂડીબજારમાં ડિસ્કાઉન્ટ લિસ્ટિંગની સંખ્યા વધતી જોવા મળી છે.

પ્રાઇમરી માર્કેટમાં હવે આંચકા દેખાવા માંડ્યા છે. આજની વાત કરીએ તો આજે ઓમ ફ્રેઇટ ફોરવર્ડર્સના શેર ઇશ્યૂ ભાવ સામે લગભગ ૪૦ ટકાના જોરદાર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટેડ થયા છે. આ અગાઉ ગ્લોટીસના શેર મંગળવારે તેના ઇશ્યુ ભાવ સામે ૩૫ ટકાના જોરદાર ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટ થયા હતા અને એ જ સાથે ફબેટેક ટેકનોલોજીસના શેર ઇશ્યૂ ભાવ સામે ૨.૬૮ ટકાના ડિસ્કાઇઉન્ટ સાથે લિસ્ટેડ થયા હતા.

આ પણ વાંચો: ટ્રમ્પના ટેરિફથી મંદીના એંધાણઃ સર્વિસ સેક્ટરના વૃદ્ધિદરમાં આવ્યો અવરોધ….

આટલા તોતિંગ ડિસ્કાઉન્ટ કે ધટાડા અનેક મહિનાઓથી જોવા મળ્યા નથી. આલબત્ત, બુધવારે એડવાન્સ એગ્રોલાઇફના શેરમાં ઇશ્યુ ભાવ સામે ૧૪ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. સોમવારે પેસ ડિજીટેક ચાર ટકા પ્રીમિયમ સાથે લિસ્ટ થયો હતો. જોકે, પાછલા સપ્તાહે બુધવારે ઇપેક પ્રિફેબ ટેકનોલોજીસ બુધવારે તેના ઇશ્યૂ ભાવ સામે લગભગ ૧૦ ટકા ડિસ્કાઉન્ટ સાથે, જ્યારે જૈન રિસોર્સિસ રિસાઇક્લિગંનો શેર ઇશ્યૂ ભાવ સામે ૧૪ ટકા પ્રીમિયમ સાથે લિસ્ટેડ થયો હતો.

અનેક કંપનીઓના નવા ભરણાં ખૂલી રહ્યા છે, તેના સ્બસ્ક્રીપ્શન પર મર્ચન્ટ બેન્કરોની નજર છે, જ્યારે લિસ્ટિંગ ભાવ અંગે રોકાણકારો ચિંતિત છે. કેનેરા રોેબેકો એસેટ મેનેજમેન્ટ કંપની અને રૂબીકોન રિસર્ચ લિમિટેડનો આઇપીઓ નવમી ઓક્ટોબરના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે. કેનેરા એચએસબીસી લાઇફ ઇન્સ્યોરન્સ કંપનીનો આઇપીઓ ૧૦મી ઓક્ટોબરે ખૂલશે.

આ પણ વાંચો: ઓટોમોબાઇલ માર્કેટમાં મંદી: ગુજરાતમાં પેસેન્જર વાહનોના વેચાણમાં ગાબડું…

આઇપીઓની સંખ્યામાં જોકે વહેલો ઘટાડો થાય એવું લાગતું નથી. વેદાંતા ગ્રુપ, રૂનવાલ ડેવલપર્સ, સ્ટર્લાઇટ ઇલેક્ટ્રિક, રાય્સ પાવર ઇન્ફ્રા અને ઓગમેન્ટ એન્ટરપ્રાઇસ સહિત છ કંપનીઓએ સેબી પાસે પેપર્સ જમા કરાવ્યા છે. રોટોમેગ એનરટેક, ઓસવાલ કેબલ્સ અને પ્રાઇડ હોટલ્સે પણ મૂડીબજારમાં પ્રવેશવા સેબીનો સંપર્ક સાધ્યો છે.

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button