શેરબજારની પણ બદલાઇ ચાલ, બંને સૂચકાંકોમાં આવ્યો ઉછાળો
મધ્ય પૂર્વમાં વધતા જતા જિયોપોલિટિકલ તણાવ, FPIs દ્વારા મોટાપાયે વેચવાલી અને હરિયાણા તથા જમ્મુ કાશ્મીરમાં ચૂંટણીના પરિણામોની ચિંતાને કારણે શેરબજારો નબળા ચાલી રહ્યા છે, પણ હવે હરિયાણા અને જમ્મુ અને કાશ્મીરના ચૂંટણી પરિણામોના પ્રારંભિક વલણોએ શેરબજારને મોટી રાહત આપી હોવાનું જણાય છે. સતત 6 દિવસથી ઘટી રહેલા માર્કેટમાં જાણે કે જાન આવી ગઇ છે. હરિયાણા અને જમ્મુ-કાશ્મીરની વિધાનસભા ચૂંટણીમાં પ્રારંભિક વલણોમાં ભાજપ આગળ છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઈ ત્યારે હરિયાણામાં કોંગ્રેસ આગળ હતી અને શેરબજાર પણ નીરસ અને ફ્લેટ હતું. સવારે નિફ્ટી અને સેન્સેક્સ મામૂલી ઉછાળા સાથે ખૂલ્યા હતા, પણ હરિયાણામાં કૉંગ્રેસ લીડ મેળવી રહી હોવાથી શેરબજાર ડચકાં ખાતા ખાતા નીચે સરકતો જતો હતો, પરંતુ 9.30 પછી ટ્રેન્ડ બદલાયો અને ભાજપે હરિયાણામાં લીડ લીધી તેમ તેમ માર્કેટમાં પણ હરિયાળી છવાવા માંડી હતી અને 9.45 વાગે નિફ્ટીમાં 150 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો.
નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. આમાં અદાણી પોર્ટ્સ ટોપ ગેનર છે. આ ઉપરાંત બીઈએલ, અલ્ટ્રાટેક સિમેન્ટ, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝીસમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ્સ, હિન્દુસ્તાન યુનિલિવર, એચડીએફસી બેન્ક, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને લાર્સન એન્ડ ટ્રુબોમાં ઉછાળો જોવા મળ્યો છે.
તે જ સમયે મેટલ શેરો પર દબાણ જોવા મળી રહ્યું છે. ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિન્દાલ્કો ટોપ લુઝર બન્યા છે.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો શેરબજાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે. કેન્દ્રમાં ભાજપની એનડીએ સરકાર છે, તેથી રાજ્યોમાં પણ એનડીએની સરકાર હોય તો નીતિ સંબંધિત નિર્ણયો લેવામાં સરળતા રહે છે અને રાજ્યમાં વૃદ્ધિ અને પ્રગતિ થાય છે. આ બાબત રોકાણકારોનું મનોબળ વધારે છે. તમને બધાને યાદ હશે કે આ પહેલા 4 જૂને જ્યારે ભાજપને લોકસભાની ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી મળી ન હતી, ત્યારે બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી50માં એક જ દિવસમાં 18 ટકાનો કડાકો જોવા મળ્યો હતો.