શેરબજારને શું નડ્યું? છ દિવસમાં ૨૦ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ!

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારમાં ચારેતરફ વેચવાલીનું દબાણ સતત વળગી રહ્યું છે. બજારને હજુ પણ કળ વળી નથી.
પાછલા છ દિવસની એકધારી પછડાટ ને કારણે માર્કેટ કેપિટલ રૂપિયા ૨૦ લાખ કરોડથી વધુનું ધોવાણ થયું છે. પાછલા એકાદ મહિના જેવા સમયમાં નિફ્ટીએ ૧૦૦૦ પોઈન્ટનો તોતિંગ ફટકો ખાધો છે.
બજારના સાધનો અનુસાર અમેરિકાના ટ્રેઝરી બિલની યીલ્ડ ૫.૨૫ % બોલાઈ જતા વિશ્વભરના બજારોમાં ભય ફેલાયો છે. હમાસ યુદ્ધ પણ જોખમ ઉભુ કરી રહ્યું છે.
એક તબક્કે સેન્સેકસમાં ૯૦૦ પોઈન્ટનો ભયાનક કડાકો બોલાઈ જતા રોકાણકારોમાં ગભરાટનો માહોલ સર્જાયો છે.
ઈન્ફોર્મેશન ટેક્નોલોજી શેરોની આગેવાની હેઠળ વેચવાલીનું દબાણ વધતા ગુરુવારે ભારતીય શેરબજારોમાં મોટો ધબડકો બોલાયો છે.
યુ.એસ. ટ્રેઝરી યીલ્ડમાં વધારો થવાથી વ્યાજદર લાંબા સમય સુધી ઊંચા રહેવાની આશંકા વધી ગઈ હોવાને કારણે એકંદર વિશ્વબજારમાં વેચવાલી વધી રહી છે.
તમામ 13 મુખ્ય સેક્ટોરલ ઇન્ડેક્સમાં નુકસાન થયું છે. હાઇ વેઇટેજ ધરાવતા બેંકો અને આઈ ટી શેરો અનુક્રમે 1% અને 1.5% તૂટ્યા છે. ટેક મહિન્દ્રાએ 16 વર્ષમાં તેના નફામાં સૌથી મોટો ઘટાડો નોંધાવ્યા પછી, 3% કરતાં વધુ ગબડ્યો છે.
રિયલ્ટીમાં 2 ટકાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે મેટલ્સ, ઓટો અને જાહેર ક્ષેત્રની બેંકો દરેક એક ટકા થી વધુ ઘટી હતી.
વધુ સ્થાનિક રીતે કેન્દ્રિત સ્મોલ- અને મિડ-કેપ્સ શેરોએ અનુક્રમે 3% અને 2% થી વધુ ગુમાવ્યા હતા.
MSCI એશિયા એક્સ-જાપાન ઇન્ડેક્સ 1.4% ઘટવા સાથે એશિયન બજારો ઘટ્યા હતા.
નિરાશાજનક કમાણી પછી અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં વધારો થતાં આલ્ફાબેટના શેરમાં ઘટાડો થતાં યુએસ શેરો બુધવારે ગબડ્યા હતા.