શેર બજાર

‘ઝીરોધા’ ડીમેટમાં સ્કેમનો આક્ષેપ, ડોક્ટર રૂ.5 કરોડ ઉપાડી ન શકતાં કર્યા ગંભીર દાવા

મુંબઈ: જાણીતી ઓનલાઈન બ્રોકરેજ ફર્મ ઝીરોધા પર “કૌભાંડ” આચરવાના આરોપ લગાવવામાં આવતા સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ જામ્યો છે. મુંબઈ સ્થિત એક ડોક્ટર અને રોકાણકારે આરોપ લગાવ્યો કે ઝીરોધા તેમનાં ડીમેટ ખાતામાંથી રૂપિયા નથી ઉપાડવા દઈ રહ્યું.

X પર પોસ્ટ કરી IVF નિષ્ણાત અને રોકાણકાર ડૉ. અનિરુદ્ધ મલપાનીએ લખ્યું, “ઝીરોધા કૌભાંડ! તેઓ મને ખાતામાંથી મારા પોતાના પૈસા ઉપાડવા નથી દઈ રહ્યા, મને જણાવવામાં આવ્યું કે ઉપાડની દૈનિક મર્યાદા 5 કરોડ રૂપિયા છે. તેઓ મારા નાણાનો ઉપયોગ કરી રહ્યા છે! આ અયોગ્ય છે.”

X પરની પોસ્ટમાં ડૉ. અનિરુદ્ધ મલપાનીએ ઝીરોધાના કો-ફાઉન્ડર નિખિલ કામથને ટેગ કર્યા. તેમણે પોસ્ટ સાથે તેમના ઝીરોધા એકાઉન્ટના સ્ક્રીનશોટ શેર કર્યા, જેમાં જાણવા મળે છે કે તેમના ડીમેટ એકાઉન્ટમાં 42.9 કરોડ રૂપિયા છે, યુઝ્ડ માર્જિન 24.46 કરોડ રૂપિયા છે, 18.46 કરોડ રૂપિયા ઉપાડ માટે ઉપલબ્ધ છે.

તેમણે આરોપ લગાવ્યો કે પ્લેટફોર્મ તેમને એક જ દિવસમાં 5 કરોડ રૂપિયાથી વધુ ઉપાડવા નથી દઈ રહ્યું, જોકે તેમણે એ સ્પષ્ટ નથી કર્યું કે તેમણે કેટલી રકમ ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયા પર ચર્ચા:
ડૉ. મલપાનીએ કરેલી X પોસ્ટ ઝડપથી વાયરલ થઇ હતી, સોશિયલ મીડિયા પર ચર્ચાનો માહોલ જામ્યો હતો. કેટલાક યુઝર્સે તેમના આરોપોને સમર્થન આપ્યું હતું, કેટલાક યુઝર્સે એકાઉન્ટમાં મોટી રકમ પર શંકા વ્યક્ત કરી હતી.

એક યુઝરે કમેન્ટ કરી કે “ઝીરોધામાં 18 કરોડ રૂપિયા કેમ રાખ્યા? મારું કહેવું છે કે આખરે એ ડિસ્કાઉન્ટ બ્રોકર છે. તમે ડિસ્કાઉન્ટ બ્રોકર પર વિશ્વાસ કરી શકો છો.”

ટેક્સ કંપાસના સ્થાપક અને CEO અજય રોટ્ટીએ કહ્યું કે તેઓ આ “કૌભાંડ” દાવા સાથે સહમત નથી અને ઝીરોધાની વિથ ડ્રો પોલિસીનો બચાવ કરતા તેમણે કહ્યું કે આવા નિયંત્રણો યુઝર્સને સંભવિત છેતરપિંડીથી બચાવે છે.

નીતિન કામથે સ્પષ્ટતા કરી:
ઝીરોધાના સહ-સ્થાપક નીતિન કામથે ડૉ. મલપાનીના આરોપો અંગે જવાબ આપ્યો છે, તેમણે X પોસ્ટમાં સ્પષ્ટતા કરી કે ડૉ.મલપાનીની પેમેન્ટ રીક્વેસ્ટ પર અગાઉથી જ પ્રોસેસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે બ્રોકરેજ ફંડ ઉપાડ દરમિયાન સંભવિત ગેરરીતિઓ બચવા માટે કેટલાક પ્રતિબંધો લગાવવામાં આવે છે.

કામથે જણાવ્યું કે ઉપાડ માટે 5 કરોડ રૂપિયાની મર્યાદા છે, તેના વધુ રકમ ઉપાડવા માટે ગ્રાહકે ટીકીટ રેઈઝ કરવાની રહે છે, કારણ કે એકવાર નાણા ચૂકવી દેવામાં આવે પછી, તે પાછા લેવાનો કોઈ રસ્તો રહેતો નથી.

કોણ છે ડૉ. મલપાની?
ડૉ. મલપાની માત્ર એક મેડીકલ પ્રોફેશનલ છે સાથે તેઓ અનુભવી ઇન્વેસ્ટર છે. અહેવાલ મુજબ તેમનો શેરહોલ્ડિંગ પોર્ટફોલિયો રૂ. 300 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. તેઓ મુંબઈ સ્થિત કંપની મલપાની વેન્ચર્સના સ્થાપક છે, જે સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરે છે.

આપણ વાંચો:  નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે ભારતીય બજારની નબળી શરૂઆત! સેન્સેક્સ-નિફ્ટીમાં આટલો ઘટાડો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button