શેર બજાર

અખાત્રીજના સપરમા દહાડે સોનામાં રૂ. 322નો અને ચાંદીમાં રૂ. 1340 ઘટ્યાઃ માગ ખૂલવાનો આશાવાદ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ
વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરનો તણાવ હળવો થવાનો આશાવાદ અને ડૉલર ઈન્ડેક્સમાં ઘટ્યા મથાળેથી સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીમાં સલામતી માટેની માગ નિરસ રહેતાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 16 પૈસા મજબૂત ક્વૉટ થઈ રહ્યો હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં સોનાની આયાત પડતરોમાં ઘટાડો થવાથી મધ્યસત્ર દરમિયાન ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 321થી 322નો ઘટાડો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 1341 ઘટી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 1340ના ઘટાડા સાથે રૂ. 96,050ના મથાળે રહ્યા હતા. તેમ જ આજે સોનામાં પણ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલ અને રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં સોનાના ભાવ દબાણ હેઠળ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 321 ઘટીને રૂ. 95,306 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 322 ઘટીને રૂ. 95,689ના મથાળે રહ્યા હતા. જોકે, આજે મધ્યસત્ર સુધી જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પાંખી રહી હતી. જોકે, આજે સોનાચાંદી જેવી કિંમતી ધાતુઓ ખરીદવા માટે સપરમો ગણાતો અખાત્રીજનો દિવસ હોવાથી માગ ખૂલવાનો જ્વેલરો આશાવાદ સેવી રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ખાસ કરીને વૈશ્વિક સ્તરે ટ્રેડ વૉરનો તણાવ હળવો થતાં સલામતી માટેની માગ નિરસ રહેવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ સુધારાતરફી વલણ રહેતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 3306.18 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.5 ટકા ઘટીને 3315.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 32.87 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.એકંદરે આજે ડૉલર ઈન્ડેક્સમાં 0.1 ટકાનો સુધારો આવ્યો હોવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું એબીસી રિફાઈનરીનાં ઈન્સ્ટિટ્યુશનલ માર્કેટ વિભાગના હેડ નિકોલસ ફ્રેપેલે જણાવ્યું હતું.

અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઑટો ટૅરિફ હળવો કરવાનો આદેશ આપ્યો હતો અને તેની ટ્રેડ ટીમે વિદેશી વેપારી ભાગીદાર સાથેની પહેલી ડીલની જાહેરાત કરી હતી. જોકે, ટ્રમ્પનું વહીવટીતંત્ર ટૅરિફ હળવા કરી રહ્યા હોવા છતાં દર એકંદરે ઊંચા હોવાથી રોકાણકારોનો વિશ્વાસ નબળો પડ્યો હોવાનું કેપિટલ ડૉટ કૉમના ફાઈનાન્સિયલ માર્કેટના વિશ્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવ્યું હતું.

હાલના તબક્કે બજાર વર્તુળોની નજર ફેડરલનાં વ્યાજદરમાં કપાત અંગે નિર્ણાયક પુરવાર થાય તેવા આજે મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પર્સનલ ક્નઝ્મ્પશન એક્સપેન્ડિચરનાં ડેટા પર અને શુક્રવારે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટા પર સ્થિર થઈ છે. જોકે, આ વર્ષના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 95 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકે તેવો આશાવાદ ટ્રેડરો વ્યક્ત કરી રહ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button