દેવામાં ડૂબેલી પતિની કંપનીને આ રીતે કમાણી કરતી કરી પત્નીએઃ શેરધારકો પણ ખુશખુશાલ

એક સમયે જે શેરના રોકાણકારો રાતે પાણીએ રડ્યા હતા, તેઓ આજે માલામાલ થઈ ગયા છે, પણ તેના કરતા રોચક આ કંપનીની સફર છે, જે એક દ્રઢનિશ્ચયી મહિલાના સંઘર્ષની કથા પણ છે.
આ કંપનીના શેર તમે ખરીદ્યા હોય કે નહીં, પણ કૉફી ચોક્કસ પીધી હશે. અમે વાત કરી રહ્યા છે ફેમસ સીસીડી એટલે કે કૉફી કાફે ડેની. Coffee Day Enterprises નામની મૂળ કંપનીના શેર આઠ મહિનામાં રોકાણકારોને ફળ્યા છે. મંગળવારે આ શેર તેજીથી દોડ્યો હતો અને રૂ. 47.71 પર હતો.
આપણ વાંચો: કૉર્પોરેટ્સ મિટિંગ્સ અને હેંગઆઉટ માટેની મનપસંદ કેફે ચેઈન દેવામાં ડૂબી, નાદારીની કાર્યવાહીને મંજૂરી…
એક સમયે રડતા હતા રોકાણકારો
આ કંપની વિશે ઘણા જાણતા હશે. 1993માં વીજી સિદ્ધાર્થે આ કંપની શરૂ કરી. એક નવા કૉન્સેપ્ટ સાથે આવેલી આ કંપનીએ શરૂઆતમાં સારી પ્રગતિ કરી અને નફો મેળવ્યો, પણ ધીમે ધીમે કંપની બેસી ગઈ. ઘમા કારણોમાંનું એક કંપનીના માલિકે અન્ય ધંધામાં પૈસા લગાડ્યા અને તે ડૂબ્યા તે પણ હતું.
વર્ષ 2019માં કંપની પર 7000 કરોડનું દેવું થઈ ગયું. પોતાની માથે થયેલા દેવા અને ઈન્કમટેક્સની કાર્યવાહીથી કંટાળેલા માલિક સિદ્ધાર્થે કોરાનાકાળ દરમિયાન જૂલાઈ 2019માં નદીમાં કૂદીને આત્મહત્યા કરી લીધી હતી.
આ સમાચારે ભારે ખળભળાટ મચાવ્યો હતો અને કંપનીના શેકધારકોને ધ્રાસ્કો પડ્યો હતો. એક સમયે જે શેર રૂ. 300નો હતો તે એટલો તો સરક્યો કે સીધો રૂ. 20 વર આવી ગયો. જેમમે મોટી રકમ લગાવી હતી, તેમની પાસે રડવા સિવાય કોઈ ચારો ન રહ્યો.
આપણ વાંચો: ઝબાન સંભાલ કે: મન કહે માળિયે ચડું, કરમ કહે કાંટામાં પડું
ખૂબ લડી મર્દાની
પતિ પર સંકટ આવે ત્યારે પત્ની ઢાલ બનીને ઊભી હોય છે, પરંતુ અહીં તો પતિએ રણ છોડી દીધું હતું અને પત્નીએ એકલા હાથે યુદ્ધ લડવાનું હતું. તે સમયે સામાન્ય નાગરિકો માટે નવું નામ તેવી સિદ્ધાર્થની પત્ની માલવિકા હેગડેએ સૂકાન સંભાળ્યું.
કરજમાં ડૂબેલી કંપનીને નફો કરતી કરી અને રૂ. 1500 કરોડ જેટલું દેવું પણ ચૂકવી દીધું. તેમણે અન્ય કંપનીઓ સાથે એગ્રીમેન્ટ કર્યા અને કોસ્ટ કટિંગ કરી કંપનીને દેવમાંથી લગભગ બહાર લાવી. રિપોર્ટ્સનું માનીએ તો હવે માત્ર રૂ. 500 કરોડનું દેવું આ કંપની પર છે.
આઠ મહિનાથી કમાણી કરી રહ્યો છે શેર
2019માં બેસી ગયેલો શેર 2020માં બેઠો થયો. કંપનીની શાખ અને રેવન્યુ પણ વધી. કંપનીની આર્થિક સ્થિતિ સુધરી અને લોકોનો વિશ્વાસ પણ વધ્યો.
શેરમાં હજી ઉતાર-ચઢાવ આવે છે, પરંતુ છેલ્લા છ મહિનામાં શેર 80 ટકાથી વધારે તેજીથી ઉછળ્યો છે. આ વર્ષની વાત કરીએ તો 2025ની શરૂઆતથી અત્યાર સુધી આ શેર 100 ટકા રિટર્ન આપે છે. જોકે શેર તેની અગાઉની કિંમત પર પહોંચવાથી ઘણો દૂર છે.
સવાલ માત્ર રિટર્નનો નથી, પરંતુ ઉદ્યોગજગતમાં ખોલાયેલો વિશ્વાસ મળવો ઘણો અઘરો છે. જે રોકાણકારો પોતાની પરસેવાની કમાણી તમારા શેરમાં રોકે અને પછી નફાને બદલે નુકસાન જાય ત્યારે સામાન્ય રોકાણકારોની સ્થિતિ કફોડી થઈ જતી હોય છે.
ત્યારે એક મહિલાએ આ રીતે આખી કંપનીને, તેના કર્મચારીઓને અને તેના રોકાણકારોને બચાવ્યા તે કોર્પોરેટજગતમાં બનતી ઘણી જૂજ ઘટનાઓમાંની એક છે..
વિશેષ નોંધઃ આ સંપૂર્ણ માહિતી અહેવાલો આધારિત છે. દરેક રોકાણ બજારકીય જોખમને આધીન હોય છે. મુંબઈ સમાચાર આવા કોઈપણ પ્રકારના રોકાણ અને તેના પરિણામોની જવાબદારી લેતું નથી.