(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: કરચોરીની ચિંતા વચ્ચે શરૂ થયેલી તીવ્ર વેચવાલીને કારણે પોલિકેબના શેરમાં ગુરુવારે ૨૧ ટકાનો જોરદાર કડાકો બોલાયો હતો અને તેના માર્કેટ કેપિટલાઇઝેશનમાં રૂ. ૧૫,૪૮૫.૯૬ કરોડનું જોરદાર ધોવાણ નોંધાયું હતું.
પીટીઆઇના રિપોર્ટમાં સીબીડીટી અને સત્તાવાર સાધનોને ટાંકતા જણાવાયું છે કે, કંપની પર તાજેતરમાં પાડેલા દરોડામાં આવકવેરા ખાતાને રૂ. ૧૦૦૦ કરોડના બિનહિસાબી રોકડ વેચાણના પુરાવા મળ્યાં છે. એનએસઇ પર આ શેર ૨૦.૫૦ ટકાના કડાકા સાથે રૂ. ૩,૯૦૪.૭૦ની સપાટીએ પહોંચ્યો છે.
બીએસઇમાં પોલીકેબના શેર ૨૧.૦૮ ટકાના તોતિંગ કડાકા સાથે રૂ. ૩,૮૭૭.૪૦ની સપાટીએ સ્થિર થયો છે. દિવસ દરમિયાન આ શેર ૨૨.૪૦ ટકા તૂટીને રૂ. ૩,૮૧૨.૩૫ બોલાયો હતો. આ સ્ટોક ૨૦૨૪માં અત્યાર સુધીમાં ૨૫ ટકા નીચી સપાટીઅ ગબડ્યોે છે. માર્ચ ૨૦૨૦ પછી પોલિકેબ માટે આ સૌથી મોટો સિંગલ-ડે ઘટાડો છે.
વર્ષની ૨૦૨૪ની શરૂઆતથી આ શેરમાં ઘટાડો થઇ રહ્યો છે. બજારની ચર્ચા અનુસાર આવકવેરા વિભાગે બુધવારે એક નિવેદન બહાર પાડ્યું હતું, જેમાં તેણે આ કેબલ્સ અને વાયર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં સર્ચ ઓપરેશનની વાત કરી હોવાથી સેન્ટિમેન્ટ ખરડાયું હતું. મંગળવારે જ્યારે સર્ચ ઓપરેશનના અહેવાલો પ્રથમવાર સામે આવ્યા ત્યારે પોલિકેબના શેરમાં નવ ટકાનો કડાકો નોંધાયો હતો. કંપનીએ જોકે, તે સાંજે પછીથી એક નિવેદન બહાર પાડ્યું, તેમના તરફથી કોઈપણ કથિત કરચોરીનો ઇનકાર કર્યો.આજે બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધીમાં, પોલિકેબની ૨.૭ ટકા ઇક્વિટી અથવા રૂ. ૧,૬૨૬ કરોડના મૂલ્યના ૪૧ લાખ શેરોમાં હાથબદલો થયો હતો. જોકે, ટ્રાન્ઝેક્શનમાં ખરીદદારો અને વેચાણકર્તાઓ વિશેની માહિતી પ્રાપ્ત થઇ શકી નથી.
Taboola Feed