એકલો ઝહીર ખાન હવે ગંભીર-મૉર્કલ બન્નેની જવાબદારી ઊપાડશે

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કોચિંગ-સ્ટાફમાં જે ભરતી અને ઊથલપાથલ થવાની હતી એ થઈ ગઈ અને હવે 2025ની આઇપીએલના મેગા ઑક્શન પહેલાં ફ્રૅન્ચાઇઝીઓ પોતાના કોચિંગ-કાફલામાં મોટી ફેરબદલ કરવાના મૂડમાં છે. ભૂતપૂર્વ ભારતીય ફાસ્ટ બોલર ઝહીર ખાન હવે આવનારા દિવસોમાં ચર્ચામાં રહેશે. કારણ એ છે કે લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ની ટીમ તેને એકસાથે બે મોટી જવાબદારી ઑફર કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.
વાત એવી છે કે ગૌતમ ગંભીર થોડા અઠવાડિયા પહેલાં ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ નીમવામાં આવ્યો એ અરસામાં ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલિંગ-કોચ તરીકે ઝહીર ખાનનું નામ પણ બોલાતું હતું. જોકે તેના નામ પર ઑલમોસ્ટ ચોકડી મૂકવામાં આવી અને સાઉથ આફ્રિકાના મહાન ફાસ્ટ બોલર મૉર્ની મૉર્કલને ગૌતમ ગંભીરના ફાસ્ટ બોલિંગ-કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો.
આ પણ વાંચો : સૌરવ ગાંગુલીએ બ્લન્ડર બાદ હવે નક્કી કર્યું છે કે…
આ બાજુ, આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સની ટીમના માલિકો મેન્ટર અને બોલિંગ-કોચની તલાશમાં જ હતા ત્યાં ઝહીર ખાન ફુરસદમાં જોવા મળ્યો એટલે તેને એકસાથે આ બન્ને મોટી જવાબદારી સોંપવાનું એલએસજીએ નક્કી કર્યું હોવાનું મનાય છે. ઝહીરને ઑફર કરાઈ છે અને જો તે સંમત થશે તો તે ગૌતમ ગંભીર અને મૉર્ની મૉર્કલનો અનુગામી બન્યો કહેવાશે, કારણકે ભૂતકાલમાં ગંભીર અને મૉર્કલ એલએસજીના અનુક્રમે મેન્ટર અને બોલિંગ-કોચ હતા.
ત્રણ વર્ષમાં બે વાર પ્લે-ઑફમાં પ્રવેશી ચૂકેલી એેલએસજીને ગંભીરે ગુડબાય કરી ત્યારથી એ ટીમ મેન્ટર વિનાની છે. ગંભીરે એલએસજી છોડીને કોલકાતા નાઇટ રાઇડર્સની મેન્ટરશિપ સ્વીકારી હતી અને 2024માં એને ત્રીજું ટાઇટલ અપાવ્યું.
કહેવાય છે કે ઝહીર ખાન એલએસજીનો મેન્ટર અને બોલિંગ-કોચ બનવા ઉપરાંત ટીમ અને મૅનેજમેન્ટ વચ્ચેનો સેતુ પણ બની રહેશે. એ રીતે ઝહીર ખાને એલએસજીની કોચિંગ યુનિટમાં જસ્ટિન લૅન્ગર, ઍડમ વૉજેસ, લાન્સ ક્લુઝનર અને જૉન્ટી રહોડ્સ સાથે કામ કરવાનું રહેશે.
2011ના વન-ડે વર્લ્ડ કપનો ખેલાડી ઝહીર ખાન ભારત વતી 98 ટેસ્ટ, 200 વન-ડે અને 17 ટી-20 ઇન્ટરનૅશનલ રમ્યો હતો જેમાં તેણે કુલ 600થી પણ વધુ વિકેટ લીધી હતી. આઇપીએલની 100 મૅચ સહિત કુલ 139 ટી-20માં તેણે 139 વિકેટ લીધી હતી. આઇપીએલમાં તે મુંબઈ ઇન્ડિયન્સ, રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલૂરુ અને દિલ્હી ડેરડેવિલ્સ વતી રમ્યો હતો.