ચહલ અને ધનશ્રીને કાઉન્સેલરે 45 મિનિટ સુધી ખૂબ સમજાવ્યા છતાં માન્યા જ નહીં…

મુંબઈ: ભારતના ટોચના સ્પિનર્સમાં ગણાતા યુઝવેન્દ્ર ચહલ અને તેની મૉડેલ-પત્ની ધનશ્રી વર્માએ ગઈ કાલે બાંદ્રાની ફેમિલી કોર્ટમાં સત્તાવાર રીતે છૂટાછેડા લીધા એ પહેલાં જજે બંનેને કાઉન્સેલિંગ માટે મોકલ્યા હતા જ્યાં કાઉન્સેલરે પોણો કલાક સુધી બંનેને તેમનું લગ્નજીવન ટકાવી રાખવા માટે ખૂબ સમજાવ્યા હતા છતાં તેઓ નહોતા માન્યા અને છેવટે સાંજે 4:30 વાગ્યે તેમને સત્તાવાર રીતે ડિવૉર્સ આપવામાં આવ્યા હતા.
Also read : ચેમ્પિયન્સ ટ્રોફીના સંભવિત ગેમ ચેન્જર્સને ઓળખો…
ઘણા મહિનાઓથી ચહલ અને ધનશ્રી વચ્ચેના સંબંધો બગાડ્યા હોવાની વાતો ચાલી રહી હતી અને ત્યાર બાદ તેમના સંભવિત છૂટાછેડા વિશેના અહેવાલો વાઇરલ થતા રહ્યા હતા. હવે તેઓ સત્તાવાર રીતે પતિ-પત્ની નથી.
બન્ને જણ અફર નિર્ણય સાથે કોર્ટમાં આવેલા
પોણો કલાક સુધી ચાલેલા કાઉન્સેલિંગમાં ચહલ અને ધનશ્રીને કાઉન્સેલરે પોતપોતાની વિગતો રજૂ કરવાની પૂરી તક આપી હતી અને તેમને દંપતી બની રહેવા વિશે ખૂબ સમજાવ્યા હતા, પરંતુ તેમણે છૂટાછેડા લેવા વિશેનો પોતાનો અફર નિર્ણય જણાવી દીધો હતો. છેવટે કાઉન્સેલરે જજને વાકેફ કરતા કહ્યું હતું કે ચહલ અને ધનશ્રી એકબીજાની સંમતિથી અલગ થઈ જવા માંગે છે અને એ તેમનો અંતિમ નિર્ણય છે. ચહલ અને ધનશ્રી છેલ્લા 18 મહિનાથી એકબીજાથી અલગ રહેતા હતા.
કાઉન્સેલરને બન્નેએ કારણ જણાવ્યું
કાઉન્સેલરને બંને પાસેથી એવું જાણવા મળ્યું હતું કે તેઓ તાલમેલ રાખીને સાથે રહી શકે એમ નથી એટલે એકબીજાની સહમતિથી અલગ થઈ જવા માંગે છે. ડિવૉર્સ માટે અદાલતમાં આવતાં પહેલાંની અંતિમ સુનાવણી અગાઉ ચહલ અને ધનશ્રી બંનેએ ઇન્સ્ટાગ્રામ પર પોતપોતાની રીતે એક-એક પોસ્ટ શૅર કરી હતી.
ભગવાન હંમેશાં મારી પડખે હોય છે: ચહલ
યુઝવેન્દ્ર ચહલે તેની પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘ઈશ્વરે મારી ધારણા કરતાં ક્યાંય વધુ વખત મારી રક્ષા કરી છે. ઘણીવાર તો હું જાણતો પણ ન હોઉં, પણ ભગવાને મને બચાવી લીધો હોય છે. તેઓ હંમેશાં મારી પડખે રહેતા હોય છે. તેમનો ખૂબ ખૂબ આભાર.’
ભગવાનમાં આસ્થા રાખો: ધનશ્રી

ધનશ્રી વર્માએ પોતાની પોસ્ટમાં ‘ફ્રોમ સ્ટ્રેસ્ડ ટુ બ્લેસ્ડ’ એવા શબ્દો સાથે શરૂ કરીને સ્ટોરી લખી હતી. ભગવાન આપણી ચિંતાઓ અને પરેશાનીઓને આશીર્વાદમાં પરિવર્તિત કરી દેતા હોય છે એવા અર્થ સાથે તેણે લખ્યું હતું કે ‘તમે જો પરેશાન હોવ તો ચિંતા કરવાને બદલે ઈશ્વર પર ભરોસો રાખો. આસ્થામાં ખૂબ શક્તિ હોય છે અને જે કંઈ થતું હોય એ આપણી ભલાઈ માટે જ થતું હોય છે એવું માનીને જ ચાલવું જોઈએ.’
લૉકડાઉન દરમ્યાન એકમેકને મળ્યા હતા
ચહલ અને ધનશ્રી 2020માં કોવિડની મહામારી વખતે લાગુ પાડવામાં આવેલા લોકડાઉન દરમ્યાન એકમેકના દોસ્ત બન્યા હતા. સોશિયલ મીડિયા પર ધનશ્રીના ડાન્સ વિડીયો જોઈને ચહલે તેની પાસે ડાન્સ શીખવા તેનો સંપર્ક કર્યો હતો. ત્યારે બંને વચ્ચે દોસ્તી થઈ હતી અને એ ફ્રેન્ડશીપ ખૂબ જલદી પ્રેમમાં ફેરવાઈ ગઈ હતી. ડિસેમ્બર 2020માં તેમણે લગ્ન કરી લીધા હતા.
દોઢ-બે વર્ષ બધું નોર્મલ હતું, પણ પછી…
ચહલ અને ધનશ્રીએ શરૂઆતના દોઢ-બે વર્ષ લગ્નજીવન ખૂબ સારી રીતે માણ્યું હતું. તેમણે બાંદ્રાની અદાલતમાં કાઉન્સેલરને જણાવ્યું હતું કે લગ્ન બાદ શરૂઆતમાં તો બધું નોર્મલ હતું, પણ પછી તેમની વચ્ચે માનસિક રીતે અંતર વધતું ગયું હતું અને દલીલો પણ થતી હતી. ત્યાર બાદ તેમણે નક્કી કર્યું કે તેમની વચ્ચે તાલમેલ નથી અને એ મુદ્દે તેમણે અલગ પડી જવાનો નિર્ણય લીધો હતો.
Also read : હાર્દિક અને શિખર પછી હવે આ ક્રિકેટરે છૂટાછેડા લીધા, 14 વર્ષના સંબંધોનો આવ્યો અંત
અફેરની અફવા છતાં શ્રેયસ સાથે ચહલની સારી દોસ્તી
છેલ્લા એક-દોઢ વર્ષમાં ચહલ અને ધનશ્રી એકમેકથી અલગ રહેતા હતા એ દરમ્યાન એક તબક્કે ભારતીય ક્રિકેટર શ્રેયસ ઐયર અને ધનશ્રી વચ્ચે રિલેશનશિપ હોવાની અફવા પણ ઊડી હતી. શ્રેયસનો ધનશ્રી સાથેના ડાન્સનો એક વીડિયો ખૂબ વાઇરલ થયો હતો. જોકે આ વાતને અફવા ગણાવવામાં આવી હતી અને એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે આ અફવા વચ્ચે શ્રેયસ સાથે ચહલની દોસ્તી અતૂટ છે.