
મુંબઈ: ઘણા ભારતીય ક્રિકેટરોના જીવન પર બોલિવૂડ ફિલ્મો બની ચુકી છે. તાજેતરમાં એમએસ ધોની અને કપિલ દેવ જેવા દિગ્ગજ ક્રિકેટરો પર ફિલ્મો બન્યા પછી, હવે ભારતના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન યુવરાજ સિંહના (Yuvraj Singh) જીવન પર બાયોપિક બનવા જઈ રહી છે. ટી-સિરીઝે (T-series) આ ફિલ્મ બનાવવાની સત્તાવાર જાહેરાત પણ કરી છે. હવે ચાહકોને એ જાણવામાં ઉત્સુકતા છે કે આ ફિલ્મમાં યુવરાજ સિંહનું પત્ર કોણ ભજવશે? પોતાના રોલ માટે યુવરાજ સિંહની પહેલી પસંદ કોણ છે?
બાયોપિકમાં યુવરાજ સિંહની ભૂમિકા ભજવનાર એક્ટર્સના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ યુવરાજના મનમાં પહેલેથી જ એક એક્ટરનું નામ છે. યુવરાજ સિંહનું માનવું છે કે તેની બાયોપિકમાં તેનું પાત્ર ભજવવા માટે રણબીર કપૂર(Ranbir Kapoor) યોગ્ય પસંદગી છે.
એક ઈન્ટરવ્યુ દરમિયાન યુવરાજે કહ્યું કે, ‘મેં તાજેતરમાં જ એનિમલ ફિલ જોઈ અને મને લાગે છે કે મારી બાયોપિક માટે રણબીર કપૂર યોગ્ય પસંદગી હશે. પરંતુ આખરે, એ ડિરેક્ટરનો નિર્ણય હશે. અમે ચોક્કસપણે તેના પર કામ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળશે.’
યુવરાજસિંહની બાયોપિકનું નિર્માણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બે અગ્રણી નિર્માતા ભૂષણ કુમાર અને રવિ ભાગચંદકા દ્વારા કરવામાં આવશે. નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે બાયોપિકમાં ક્રિકેટરના સંઘર્ષ, કારકિર્દી અને લવ લાઈફને સમાવવામાં આવશે. જોકે ફિલ્મના નામની હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી, ફિલ્મનું નિર્દેશન રવિ ભાગચંદકા કરી રહ્યા છે.
ક્રિકેટરના જીવન પર અગાઉ બનેલી ઘણી ફિલ્મોમાં ‘M.S. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરી’ સફળ રહી હતી. કપિલ દેવના જીવન પર આધારિત ’83’ અને અઝહરુદ્દીનના જીવન પર આધારિત ‘અઝહર’ દર્શકોને પસંદ પડી ન હતી. એવામાં એક ઓવરમાં 6 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવનારા યુવરાજ સિંહની બાયોપિક માટે લોકોને રસ પડશે કે કેમ એ સમય જ કહેશે.
Also Read –