સ્પોર્ટસ

R Ashwin: ‘આર અશ્વિનને ટીમમાં સ્થાન ના મળવું જોઈ…’ યુવરાજ સિંહે આવું કેમ કહ્યું?

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે એક ચોંકાવનારુ નિવેદન આપ્યું હતું. તેમણે ભારતીય સ્પિનર આર અશ્વિનને ટીમમાં સ્થાન મળવા અંગે સવાલો ઉભા કર્યા હતા. તેણે કહ્યું છે કે આર અશ્વિનને ટીમ ઈન્ડિયાની વનડે અને ટી-20 ટીમમાં સ્થાન ન મળવું જોઈએ. જો કે તેણે એમ પણ કહ્યું છે કે ટીમ ઈન્ડિયાની ટેસ્ટ ટીમમાં આર અશ્વિનનું હોવું ખૂબ જ જરૂરી છે. ‘યુવરાજ સિંહ સેન્ટર ઓફ એક્સલન્સ’ના લોન્ચિંગ સમયે તેણે આ નિવેદન આપ્યું હતું.

આર અશ્વિનને વ્હાઈટ બોલની ક્રિકેટમાં યોગ્ય તક મળી રહી છે કે નહીં એ અંગે સવાલ પૂછવામાં આવો ત્યારે યુવરાજસિંહે કહ્યું કે, ‘અશ્વિન એક શાનદાર બોલર છે પરંતુ મને નથી લાગતું કે તે T20 અને ODI ટીમમાં સ્થાન મેળવવા માટે લાયક છે. તે ખૂબ જ સારી બોલિંગ કરે છે પરંતુ બેટિંગ અને ફિલ્ડિંગમાં તે ટીમ માટે શું કરી શકે? હા, ચોક્કસપણે તેનું ટેસ્ટ ટીમમાં હોવું ખુબ જરૂરી છે. પરંતુ તે વ્હાઈટ બોલના ક્રિકેટમાં સ્થાન મેળવવાને લાયક નથી.’
અત્રે ઉલ્લેખનીય છે કે, યુવરાજ અને અશ્વિન 2011 માં ODI વર્લ્ડ કપ વિનર ભારતીય ટીમનો ભાગ હતા. અગાઉ આર અશ્વિને ભારતીય ક્રિકેટમાં યુવરાજના યોગદાન વિશે વખાણ કર્યા છે. તેની યુટ્યુબ ચેનલ પરના એક વીડિયોમાં અશ્વિને કહ્યું કે યુવરાજને કેન્સર છે તે જાણીને તેને કેટલો આઘાત લાગ્યો હતો.


વિડીયોમાં અશ્વિને કહ્યું હતું કે, “યુવીને ખાંસી આવતી હતી, અને તે જોરથી ઉધરસ ખાતો હતો. મને લાગતું હતું કે આ ગેમનું દબાણ છે અને તેથી તેને ઉધરસ આવી રહી છે. કોઈને ખ્યાલ નહતો કે તે ગંભીર બીમારીથી પીડિત હતો. હું તેને યુવરાજ સિંહનો વર્લ્ડ કપ કહું છું કારણ કે તે દરેક પરિસ્થિતિમાં કેન્દ્રમાં ઉભો હતો.”


આર અશ્વિનના ક્રિકેટ કરીઅર પર નજર કરીએ તો તે ટેસ્ટ ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ વિકેટ લેવામાં બીજા સ્થાન પર છે. તેના ખાતામાં 490 વિકેટ છે. સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનારા બોલરોમાં તે એકંદરે 9મા ક્રમે છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે 23.69ની એવરેજથી વિકેટ લીધી છે. તેણે 34 વખત 5 વિકેટ અને 8 વખત 10-10 વિકેટ લીધી છે. તે ટેસ્ટ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે પણ સફળ રહ્યો છે. તેણે 26.83ની એવરેજથી 3,193 રન બનાવ્યા છે. તેણે ટેસ્ટ ક્રિકેટમાં 5 સદી પણ ફટકારી છે.


બીજી તરફ તે ODI અને T20 ઈન્ટરનેશનલમાં એટલો સફળ રહ્યો નથી જેટલો તે ટેસ્ટમાં રહ્યો છે. ODIમાં તેણે 116 મેચમાં 156 વિકેટ લીધી છે જ્યારે T20 ઈન્ટરનેશનલમાં તેણે 65 મેચમાં 72 વિકેટ લીધી છે. વ્હાઈટ બોલના આ બંને ફોર્મેટમાં તે બેટિંગમાં પણ સારું પ્રદર્શન કરી શક્યો નથી. ODIમાં તેની બેટિંગ એવરેજ 16.44 છે અને T20માં તેણે 26.28ની એવરેજથી રન બનાવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button