બૅટિંગ પિચ પર યશસ્વીની ફટકાબાજી, છગ્ગા-ચોક્કાના વરસાદ વચ્ચે દોઢસો રન ફટકાર્યા

વિશાખાપટ્ટનમ: મૂળ ઉત્તર પ્રદેશના ભદોહી ગામના અને વર્ષોથી મુંબઈમાં રહેતા બાવીસ વર્ષના યશસ્વી જયસ્વાલે ઇંગ્લૅન્ડ સામેના પ્રથમ ટેસ્ટના શૉકિંગ પરાજયનો જાણે બદલો લઈ રહ્યો હોય એમ બીજી ટેસ્ટના પહેલા જ દિવસે બ્રિટિશ બોલરોની ખબર લઈ નાખી હતી.
વિશાખાપટ્ટનમાં ડૉ. વાય. એસ. રાજશેખર રેડ્ડી સ્ટેડિયમ બૅટિંગ પિચ પર ભારતની અગાઉની બન્ને મૅચ હાઇ-સ્કોરિંગ બની હતી અને ભારતે 200-પ્લસના માર્જિનથી વિજય મેળવ્યો હતો.
રોહિત શર્માએ ટૉસ જીતીને બૅટિંગ પસંદ કરી એ પછી પોતે માત્ર 14 રન બનાવીને છ ફૂટ ચાર ઇંચ ઊંચા નવા સ્પિનર શોએબ બશીરને કરીઅરની પહેલી વિકેટ આપી બેઠો હતો, પણ તેના ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલે એક છેડો સાચવી રાખ્યો હતો અને ઝમકદાર સદી ફટકારી હતી. તેણે હૈદરાબાદની પ્રથમ ટેસ્ટના સુપરસ્ટાર સ્પિનર ટૉમ હાર્ટલીના બૉલમાં છગ્ગો ફટકારીને ટેસ્ટ-કરીઅરની બીજી અને આંતરરાષ્ટ્રીય કારકિર્દીની ત્રીજી સદી પૂરી કરી હતી. ટી-ટાઇમ પછી ભારતનો સ્કોર જ્યારે 4 વિકેટે 263 રન હતો ત્યારે યશસ્વી 150ના સ્કોરે પહોંચી ગયો હતો જેમાં ચાર સિક્સર અને સોળ ફોર સામેલ હતી. ભારતની ઇનિંગ્સમાં કુલ 453 બૉલ ફેંકાયા હતા જેમાંના 224 બૉલનો એકલા યશસ્વીએ સામનો કર્યો હતો. તેણે ઇંગ્લૅન્ડના સૌથી અનુભવી અને સૌથી સફળ પેસ બોલર જેમ્સ ઍન્ડરસનથી લઈને નવાસવા શોએબ બશીર સુધીના પાંચ બ્રિટિશ બોલરના તમામ પડકારોનો સામનો કર્યો હતો.
એ પહેલાં, શુભમન ગિલ ફરી એકવાર લાંબી ઇનિંગ્સ રમવામાં નિષ્ફળ ગયો હતો. તેણે 34 રન બનાવ્યા હતા. શ્રેયસ ઐયર પણ ક્રીઝ પર લાંબો સમય નહોતો ટક્યો અને તેણે 27 રન બનાવ્યા હતા. રજત પાટીદારે ઇન્ટરનૅશનલ કરીઅર શરૂ કરી છે અને પહેલી જ ઇનિંગ્સમાં તેણે લાંબો સમય યશસ્વીને સાથ આપ્યો હતો, પરંતુ પોતાના 72મા બૉલે 32 રનના સ્કોર પર આઉટ થઈ ગયો હતો.